દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના મોટી દમણ જામપોર બીચ (Beach) પર મુંબઈથી ફરવા આવેલા 3 પર્યટકોને મંકી કેપ પહેરીને ચાકુ સાથે આવેલા લૂંટારૂઓએ સોનાની ચેઈન, વીટી, મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ જવાના મામલાનો ભેદ દમણ પોલીસે (Police) ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ લૂંટની ઘટનામાં ચાર આરોપીની ધરપકડ કરી લૂંટાયેલા મુદ્દામાલને કબ્જે કર્યો છે. આ લૂંટ કોઈ અન્યએ નહીં પણ ફરિયાદીનાં મિત્રોએ જ શેર માર્કેટમાં પૈસા ડૂબી જતા તેની ભરપાઈ કરવા અર્થે લૂંટનું (Loot) ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
દમણમાં 28 જાન્યુઆરીનાં રોજ મુંબઈના મલાડથી નટવરલાલ વાઢેર તેના બે મિત્ર મનોજ અને નિર્મલ સાથે ટ્રેનમાં વાપી અને ત્યાંથી દમણનાં મોટી દમણ જમ્પોર બીચ પર ફરવા સવારે 7-30 કલાકની આસપાસ આવ્યા હતા. બીચ પર ફર્યા બાદ ફ્રેસ થવા બારીયા વાડ ફોરેસ્ટ વિસ્તાર તરફ ગયા હતા. ત્યારે પહેલાથી જ 2 શખ્સો મંકી કેપ પહેરીને ઉભા હતા. જેમણે ચાકુની અણીએ મોબાઈલ, સોનાની ચેઈન, વીટીં અને રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસ મથકે લૂંટના ભોગ બનેલા નટવરલાલ વાઢેર સાથી મિત્રો સાથે આવી આપવીતી જણાવી ફરીયાદ દાખલ કરાવતાં પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા કોસ્ટલ પોલીસ મથકનાં ઈન્ચાર્જ પ્રભારી વિશાલ પટેલના નેજા હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી. અને શરૂ કરાયેલી તપાસમાં ટેક્નિકલ એનાલિસીસ અને હ્યૂમન ઈન્ટેલિજેન્સની મદદ લેતા પોલીસને એક ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે ફરીયાદી સાથે પોલીસ મથકે આવેલા તેના 2 મિત્ર નિર્મલ અને મનોજ લૂંટની ઘટનાના 2 દિવસ બાદ જમ્પોર બીચ પાસે જોવા મળ્યા હતા. જેને લઈ પોલીસને શંકા જતાં તેમણે બંનેની સઘન પુછપરછ કરતાં મનોજ અને નિર્મલે શેર માર્કેટમાં પૈસા ડૂબી જતાં અન્ય 2 સાથી મિત્રો સાથે ષડયંત્ર રચ્યું હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે ફરિયાદીનાં મિત્ર નિર્મલ શાહ (ઉં 67, રહે. મલાડ પૂર્વ મુંબઈ), મનોજ ભટ્ટ (ઉ. 38 રહે. મલાડ પૂર્વ મુંબઈ), પ્રવિણ જૈન (ઉં. 48 રહે. થાણે, મહારાષ્ટ્ર) તથા તેનો પુત્ર કશીષ જૈન (ઉં. 23 રહે. થાણે, મહારાષ્ટ્ર )ની ધરપકડ કરી લૂંટાયેલી વસ્તુઓને કબ્જે કરી ચારેયને જેલમાં ધકેલી કાર્યવાહી કરી રહી છે.
આરોપીઓ મંકી કેપ પહેરી પહેલાથી જ ચપ્પુ સાથે ઉભા હતા
પોલીસ તપાસમાં આખી લૂંટની ઘટનાનો પડદો ઉંચકાયો ત્યારે જાણવા મળ્યું કે, ફરિયાદીના મિત્ર મનોજ ભટ્ટ અને નિર્મલ શાહે શેર માર્કેટમાં પૈસા રોક્યા હતા. જ્યાં પૈસા ડૂબી જતાં તેની ભરપાઈ કરવા સાથી મિત્ર અને ફરિયાદી નટવરલાલ વાઢેરને જ ફરવા દમણ લઈ જઈ તેને લૂંટવાનું ષડયંત્ર રચ્યું હતું. આ માટે તેણે તેના શેર માર્કેટ સાથે સંકળાયેલા મિત્ર પ્રવીણ જૈનની મદદ લીધી હતી. જ્યાં પ્રવીણ જૈન તેના દિકરા કશીષ જૈન સાથે વિરારથી દમણ આવ્યા હતા અને મંકી કેપ પહેરી નિયત કરેલી જગ્યા પર પહેલાથી જ ચાકુ સાથે ઉભા રહ્યા હતા. ઘડેલા પ્લાન મુજબ જેવા નટવરલાલ, મનોજ અને નિર્મલ સ્થળ પર આવ્યા ત્યારે તેને ચાકુની અણીએ રોકડ રકમ, સોનાની ચેઈન, વીટીં લૂટી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ફરિયાદી સાથે પોલીસ મથકે ફરિયાદ કરાવવા આરોપીઓ પણ ગયા હતા
પોલીસને શંકા ન ઉપજે એ માટે નિર્મલ અને મનોજ ફરિયાદી નટવરલાલ વાઢેર સાથે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવા પણ આવ્યા હતા. આ તરફ લૂંટેલી સોનાની ચેઈન અને વીટીં ભવિષ્યમાં ઓળખાઈ ન જાય એ માટે તેઓએ પરિચિત એક સોનીને મળી તેને આપી આરોપી પ્રવીણના પરિવારને મેડિકલ ટ્રીટમેન્ટ માટે પૈસાની જરૂરી હોવાનું બહાનું બતાવી તેને ઓગાળી લગડી બનાવી દીધી હતી.