નવી દિલ્હીઃ (New Delhi) કોરોના મૃત્યુ સહાય મુદ્દે રાજ્ય સરકારોએ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) વિગતો રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કોરોના સહાય મુદ્દે મહત્વનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ કર્યો હતો કે ટેકનિકલ કારણોસર અરજીઓ નામંજૂર થવી જોઇએ નહીં. ગુજરાતમાં કોરોનાથી માર્યા ગયેલા લોકોને વળતર આપવાના મામલે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ગુજરાત સરકારની (Gujarat Government) ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે રાજ્ય મહામારીમાં માર્યા ગયેલા લોકોના પરિજનો પર કોઈ ઉપકાર નથી કરી રહી. રાજ્ય સરકાર ગુજરાતમાં કોરોના સંક્રમણથી 10580 લોકોની પુષ્ટિ કરે છે પરંતુ કોરોનાથી જે પરિવારોમાં મોત થયા છે તેવા અંદાજે 1 લાખ પરિવાર વળતરનો (Compensation) દાવો કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે રાજ્યમાં કોરોનાથી માર્યા ગયેલા લોકોના નામ, મોતની તારીખ તથા તેમના સરનામાનુ લિસ્ટ અદાલતમાં રજૂ કરે.
કોર્ટે કહ્યું કે “અમો અગાઉ પણ નિર્દેશ કરી ચૂક્યા છીએ કે કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની તેમના પોર્ટલ પર જે પણ નોંધ થઈ છે તેની સંપૂર્ણ વિગતો અમને આપે. આની સામે જેમને પણ મૃત્યુ સહાય ચૂકવાઈ છે તે વ્યક્તિઓની સંખ્યા તથા તેની પણ સંપૂર્ણ વિગતો અમને આપે. પરંતુ મોટાભાગના રાજ્યોએ અમને ખાલી આંકડાઓ જ આપ્યા છે અને કોઈએ સંપૂર્ણ વિગતો આપી નથી. આ વિગતો મંગાવવા પાછળનો ઉદ્દેશ વળતર માટે જે-તે રાજ્ય સરકારોનો હકદાર વ્યક્તિએ સંપર્ક કર્યો છે કે નહીં તે જાણવાનો છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે ઉમેર્યું હતું કે, “વેરિફિકેશન માટે વિગતો અપાય ત્યારે સભ્ય સચિવને જણાય કે નોંધાયેલા કેસમાંથી અમુક પરિવારજનોને હજી વળતર ચૂકવાયું નથી તો તેમણે DLSA સચિવ અથવા તલાટી-મંત્રી દ્વારા આવા પરિવારોનો સંપર્ક સાધીને તેમને સહાયતા પહોંચતી કરવાની રહેશે. જે લોકોએ સહાયતા માટે અરજી કરી શક્યા નથી તેમને પણ શોધીને વળતર ચૂકવવાની જવાબદારી આ નોડલ ઓફિસરની રહેશે.
ગુજરાત સરકારે આ પહેલા અદાલતને જણાવ્યુ હતુ કે, સરકાર કોરોનામા માર્યા ગયેલા લોકોના સ્વજનોને 50-50 હજાર વળતર આપી રહી છે. અદાલતે આ મામલે કહ્યુ કે, કલ્યાણકારી રાજ્યમાં સરકાર મહામારીમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપીને કોઈ ઉપકાર નથી કરી રહી, કારણ કે એ તેની જવાબદારી છે. અદાલતે સરકારને કહ્યુ કે, રાજ્યમાં માર્યા ગયેલા લોકોનો આંકડામાં ગૂંચવાડો ન કરો. અગાઉ કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો.