સુરત: (Surat) સુરત ડ્રિમ સિટી પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવેલી ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ખુડા) દ્વારા ડ્રાફ્ટ ડીપી પ્લાન- 2039 જાહેર કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે.સાથે સાથે ખુડાએ ટીપી એક્ટ 1974ની કલમ 20 મુજબ એરપોર્ટના રિઝર્વેશન (Airport Reservation) માટે 10816312 ચોમી.જમીન માટે જંત્રીની કિંમત ગણી 6300 કરોડની કિંમત સંપાદિત જમીન માટે નક્કી કરી છે.અને એની જાણ એરપોર્ટ ઓથોરીટીને કરતા એરપોર્ટ ઓથોરીટીએ ગુજરાત સરકાર હસ્તક રહેલા સુરત એરપોર્ટનો (Surat Airport) તે સમયની રાજ્યની મોદી સરકારનો કરાર યાદ અપાવી વિજળી, પાણી,જમીન મફત આપવી પડશે એની જાણ કરી છે.
- એરપોર્ટ માટે જગ્યા સંપાદન માટેનો ખર્ચ 6300 કરોડ રૂપિયા પણ ઓથોરિટી પાસે નાણાં નથી!
- ડ્રાફ્ટ ડીપી પ્લાન 2039માં ખુડાએ એરપોર્ટના રિઝર્વેશન માટે 10816312 ચોમી. જમીન માટે 6300 કરોડની કિંમત નક્કી કરી
- એરપોર્ટ ઓથોરિટીએ તે સમયની રાજ્યની મોદી સરકારનો કરાર યાદ કરાવ્યો કે વીજળી, પાણી, જમીન મફત આપવા પડશે
ટીપી એકટની જોગવાઈ મુજબ જમીન સંપાદનના ખર્ચનો અંદાજ ડ્રાફ્ટ પ્લાનમાં રજૂ કરવાનો હોય છે. જેમના માટે જમીન સંપાદિત થઈ રહી હોય તેને જમીનની કિંમત જણાવવી પડતી હોય છે. એ વિના જમીન અસરગ્રસ્ત લોકો તેમના વાંધા/સૂચન સબમિટ કરી શકે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ 6300 કરોડ જેટલી તોતિંગ રકમ ચુકવવાની કોઈ તૈયાર દર્શાવી નથી. એએઆઈ પાસે આટલી મોટી કિંમત ચૂકવવા ફંડ પણ નથી. ખુડાએ જે નકશો જાહેર કર્યો છે તેમાં 60 ટકા જમીન એરપોર્ટના સંપાદન માટે દર્શાવાઇ છે. સફેદ રંગની મોટા ભાગની નકશાની જમીન એરપોર્ટ માટે રિઝર્વ દર્શાવાઇ છે.
10816312 સ્કવેર મીટર જમીનમાં ભીમપોર, વાંટ, ગવીયર, આભવા અને સુલતાનબાદ ગામની સંપાદિત કરવામાં આવનાર છે. જમીન માલિકો ખેડૂત અને ડેવલોપર્સ પાસે આ જમીન ટીપીની 60/40ની કપાતમાં લઈ લેવાશે જેથી સરકારે 2013ના જમીન સંપાદન ધારા હેઠળ કરોડોનું વળતર ચૂકવવું ન પડે. જોકે જેમની જમીન આખી જશે ત્યાં આ પ્રશ્ન ઉભો થશે. ખૂડાના સૂચિત વિકાસ નકશામાં આભવાથી કલ્પતરું અને અને ડ્રિમ સિટીને એરપોર્ટથી જોડતો રોડ 300 ફૂટનો દર્શાવવામાં આવ્યો છે. હયાત 2905 મીટરનો રનવે વિસ્તરણ સાથે 3810 મીટરનો અને તેને સમાંતર બીજો સૂચિત રનવે પણ 3810 મીટરનો ગણી જમીન સંપાદનની પ્રપોઝલ એરપોર્ટ ઓથોરિટીએ મૂકી હતી. જે મંજુર રાખવામાં આવી છે. ઓથોરિટીએ 39.15 હેક્ટર જમીન ઝડપથી આપવા માંગ કરી છે. કુલ 5 તબક્કે 851.49 હેક્ટર જમીનની માંગ કરી છે. જે ડ્રાફ્ટ ડીપીમાં ખુડાએ આમેજ કરી છે.