કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પણ‘પુષ્પા:ધ રાઇઝ’થિયેટરોમાં મોટો ધંધો કરી રહી છે.આ ફિલ્મે અચાનક જ અલ્લુ અર્જૂનની હિન્દી ફિલ્મોના પ્રેક્ષકો વચ્ચે જબરદસ્ત લોકપ્રિય કરી દીધો છે. લોકોએ ફિલ્મના ડાયલોગ બોલવા માંડયા છે ને એ ફિલ્મનું ગીત ચારે બાજુ સંભળાવા માંડયુ છે.આ કોઇ ઓરિજીનલ હિન્દી ફિલ્મ પણ નથી. ડબિંગ વર્ઝન હોવા છતાં પ્રેક્ષકોએ આ ફિલ્મને બોકસ ઓફિસ પર ટોપની પોઝીશનમાં મુકી દીધી છે. તેની પહેલાં‘આરઆરઆર’ રજૂ થવાની હતી ને તે રજૂ થઇ હોત તો અત્યારે એન.ટી. રામારાવ જુનિયર અને રામ ચરણની બોલબાલા હોત. વિત્યા ત્રણ મહિના જાણે સાઉથના સ્ટાર્સને એસ્ટાબ્લિશ કરવા જ આવ્યા હતા.‘ધનુષ અતરંગી રે’માં એવો જ સફળ રહ્યો. અલ્લુ અર્જૂનની સફળતા એટલી મોટી છે કે તેની બે વર્ષ જૂની ‘અલા વૈકુંઠપુરમુલુ’રજૂ કરવાની બધી તૈયારી થઇ ચુકી હતી પણ તેના પરથી જ હિન્દીમાં બનેલી ‘શહઝાદા’ બનીને તૈયાર છે. જો અલ્લુ અર્જૂનની મૂળ ફિલ્મ રજૂ થઇ જાય તો કોઇ ‘શહઝાદા’ને ન જુએ જેમાં કાર્તિક આર્યન છે. મઝાની વાત એ છે કે તેના એક નિર્માતામાં સ્વયં અલ્લુ અર્જૂન છે એટલે જો ઓરિજીનલ રજૂ થઇ જાય ને તે સફળ રહે તો જે ફાયદો થાય એ જ‘શહઝાદા’માટે નુકશાન પુરવાર થાય.‘શહજઝાદા’માં કાર્તિક સાથે ક્રિતી સેનન, મનીષા કોઇરાલા, પરેશ રાવલ છે.મૂળમાં અલ્લુ સાથે પૂજા હેગડે, તબુ છે.
વાત એવી છે કે અલ્લુ હવે હિન્દી પ્રેક્ષકો વચ્ચે મોટો સ્ટાર થઇ ગયો છે. પ્રભાસ જેવાએ પણ હિન્દીમાં આવતા પહેલાં હવે સાવધાની રાખવી પડશે. અલ્લુની ઘણી ફિલ્મો હિન્દીમાં ડબ થઇ આવવા તૈયાર છે. તેની‘આર્ય’ને પણ જબરદસ્ત ફિલ્મ ગણવામાં આવે છે અને‘બન્ની’,‘દેશામુદ્રુ’પણ એકશનથી ભરપૂર છે. ‘આર્ય’ની તો સિકવલ પણ બની હતી. તેની‘વેદમ’,‘જૂલાયી’,‘રેસ ગુર્રમ’,‘રુધ્ર મદાવી’,‘સરાઇનોડુ’ અને દુવ્વાડા જગન્નધમ’ જેવી ફિલ્મો હવે માત્ર તેલુગુમાં રહેવાની નથી.ડબીંગની સગવડ છે તો હવે સીધી થિયેટરોમાં આવી શકે છે. અલ્લુ અર્જૂનના દાદા ફિલ્મોમાં કોમેડીયન હતા, તેની ફોઇ સુરેખા ચિરંજીવીને પરણેલી અને ચિરંજીવીનો દિકરો રામચરણ પણ મોટો સ્ટાર છે. અલ્લુની સફળતા રોકી શકાય તેમ નથી. તેલુગુમાં તેની અનેક સફળ ફિલ્મો આપી છે. ચાહે ‘યેવડુ’ હોય કે‘ગોના ગન્ના રેડ્ડી’યા‘આઇ એમ ઘેટ ચેંજ’અલ્લુ અર્જૂન હિન્દી બોલવામાં કમ્ફર્ટ નથી પણ હિન્દીના પ્રેક્ષકોએ તેને અપનાવી લીધો છે એટલે હવે તેની ચિંતા નથી કરતો. જો હોલીવુડની ફિલ્મો ડબીંગ સાથે હિન્દીમાં બેફામ કમાણી કરી શકે તો તેલુગુ,તમિલને શું વાંધો આવે? સાઉથના સ્ટાર્સથી હવે હિન્દી ફિલ્મના સ્ટાર્સ અંદરથી ફફડી ગયા છે. આજ સુધી હિન્દી ફિલ્મના સ્ટાર્સને સાઉથમાં જગ્યા મળતી તો વિલન તરીકે જ જગ્યા મળતી ચાહે તે અક્ષયકુમાર પણ હોય! હવે તો તેમને એવી પણ જરૂરિયાત નથી રહેવાની. અલ્લુ અર્જૂન હવે જે ફિલ્મ પ્લાન કરશે તે ત્રણ-ચાર ભાષામાં જ કરશે. જે સફળતા કમલ હાસન, રજનીકાંત,ચિરંજીવી વગેરે હિન્દીમાં ન મેળવી શકયા તે હવે આ બધા મેળવી રહ્યાં છે. સાઉથના સ્ટાર્સ પોતાના આર્થિક આયોજન પણ જબરદસ્ત કરતા હોય છે. અલ્લુ અર્જૂન ‘800 જયુબિલી’ નામની નાઇટ કલબ ધરાવે છે. સ્નેહા રેડ્ડીને પરણેલો અલ્લુ એક દિકરો ને એક દિકરીનો પિતા છે. અલ્લુના લુકમાં અને સ્ટાઇલમાં દેશીપણું છે ને આપણી હિન્દી ફિલ્મનો મોટો પ્રેક્ષક એવા દેશીપણાને આજે પણ પસંદ કરે છે એટલે અલ્લુ, પ્રભાસ,એન.ટી.રામારાવ જુનિયર,રામચરણ અને ધનુષ વગેરે ચાલવાના.