‘વિદ્યા’ તો ગમે ત્યારે કામ લાગે

વિદ્યા બાલન હજુ પણ ઓન સ્ક્રિન એકટ્રેસ છે, ઓફ સ્ક્રિન નથી થઇ. તે જલ્દીથી ભૂતકાળ બને એવી નથી કારણ કે તે તેની દરેક ફિલ્મે રૂપાંતર સાધવાની શકિત ધરાવે છે. બીજું કે તેના જેવો ચહેરો, તેના જેવા ઇન્ડિયન ઇમોશન્સ દાખવી શકે એવી અભિનેત્રી આજે પણ ઓછી છે. તે નેચરલ ઇન્ડિયન બ્યુટી છે. આ કારણે જ તે ‘પરિણીતા’ની લલિતા રાય હતી અને શરદબાબુના પાત્રને જીવી ગઇ હતી. ‘લગે રહો મુન્નાભાઇ’ની રેડિયો જોકી તરીકે તે સહજ રીતે સંવાદ રચી શકી હતી. તે પોતાના પાત્રમાં ચરિત્રાત્મક ઊંડાણ સર્જીને પ્રેક્ષકને પ્રસન્ન કરી દે છે. આ કારણે મણીરત્નમ, વિદુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાની,અઝીઝ મિર્ઝા, આર.બાલ્કી,અભિષેક ચૌબે, મેઘના ગુલઝાર, સુજોય ઘોષ જેવા દિગ્દર્શકની પસંદ બની છે.‘હમારી અધૂરી કહાની’ને ‘બેગમ જાન’ની તે જાન હતી. વિદ્યા બાલન બહુ ખાસ એકટ્રેસ છે.‘ડર્ટી પિકચર’માં તેણે સહુને ચોંકાવી દીધેલા.એ તેની એકટ્રેસ તરીકેની જ તાકાત નહોતી બલ્કે પોતાની ઇમેજની સામે છેડે જઇને ય કામ કરી શકે એ દર્શાવવું હતું હવે વિદ્યાની ફિલ્મો ઓછી આવે છે એવી એક ધારણા છે પણ તેની પાસે ‘શેરની’, ‘મહાભારત-2’,‘જલસા’ અને‘લવર્સ’ જેવી ફિલ્મો છે.

તેને પોતાની સાથે કયારેય સ્ટાર-હીરોની જરૂર નથી પડી એટલે નિર્માતાઓને પણ તે ફાવે છે. વિદ્યા હોય તો તેના નામ પર ફિલ્મ ચાલી શકે. ‘શેરની’માં તે ફોરેસ્ટ ઓફીસર બની છે. તેમાં તેની સાથે વિજય રાઝ, બ્રિજેન્દ્ર કાલા જેવા સહઅભિનેતા છે. તેની બહુ જ મહત્વની ફિલ્મોમાં ‘મહાભારત-2’ છે જેમાં અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, મનોજ વાજપેયી વગેરે છે અને તેને ‘દ્રૌપદીની મહત્વની ભૂમિકા મળી છે. ‘જલસા’તો કમ્પલીટ વુમન ઓરીએન્ટેડ ફિલ્મ છે એટલે વિદ્યા સાથે શેફાલી શાહ છે. ‘લવર્સ’માં તે સેન્ઘિલ રામામૂર્તિ,ઇલિયાના ડિકુઝ સાથે આવશે. તે હવે નિર્માત્રી તરીકે પણ કામ કરવા માંગે છે અને સાગરિકા ઘોષે ઇન્દિરા ગાંધીજીનું જે જીવનચરિત્ર લખ્યું છે તેના આધારે‘ઇન્દિરા ગાંધી’વેબ સિરીઝ બનાવશે ને તેમાં સ્વાભાવિક રીતે ઇન્દિરાનું પાત્ર તે ભજવશે. ઇન્દિરાજીનું પાત્ર તેને શોભશે પણ ખરું. પોતાની ઉંમર પ્રમાણે તે ફિલ્મ અને પાત્રો મેળવી શકે છે કારણકે હજુ તેની ડિમાન્ડ છે.

Most Popular

To Top