નોર્થ કોરિઆની ભીતરમાં

નોર્થ કોરિઆના પ્રમુખ કિમ જોન્ગ ઉન થોડાક સણકી માનસ ધરાવતી વ્યકિત છે. તેથી જ ત્યાં તેમની આપખુદશાહી સામ્યવાદી સરકાર છે. ૨.૬૦ કરોડ વસતિ ધરાવતા આ દેશમાં વ્યકિત સ્વાતંત્રય કે વાણી સ્વાતંત્રય છે જ નહિ. અહીં ફેસબુક, યુ-ટયુબ અને અન્ય સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે. નોર્થ કોરિઆના નાગરિકો ખુદ તેમના દેશમાં પણ મુકત રીતે હરીફરી શકતા નથી. એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે પણ અહીંના નાગરિકે સરકાર પાસેથી ખાસ પરવાનગી લેવી પડે છે. આ દેશના પોલિસ અને વહીવટીતંત્રની દરેક નાગરિક પર સતત ચાંપતી નજર રહે છે. આખા દેશમાં મોટી સંખ્યામાં પોલીસના બાતમીદારો ફેલાયલા હોય છે. અહીં અમેરિકન મુવી કે સાઉથ કોરિઅન ફિલ્મી ગીતો સાંભળવાની સખત મનાઇ છે. દેશની સરહદ ઓળંગવાની પણ મનાઇ છે. આવા ગુન્હાઓમાં પકડાઇ જવાની આકરી સજા કરવામાં આવે છે. આવા લોકોને કેદી છાવણીમાં ધકેલી દેવાય છે.

કેદીઓ માટેની આવી છાવણી હિટલરના કોન્સેન્ટ્રેશન કેમ્પની કાળજુ કંપાવતી યાદ અપાવે છે. તેથી આવા કડક નિયંત્રણોથી ત્રાસીને ઘણા લોકો હરહદ ઓળંગીને ચીન કે સાઉથ કોરિઆ ભાગી જવાનું સાહસ કરે છે. તેમ કરતાં પકડાઇ જવાય તો ત્યાં જ ગોળીથી ઠાર કરી દેવાય છે. દરેક નોર્થ કોરિઆના નાગરિકે તેમના ઘરની દીવાલ પર ત્યાંના પ્રમુખ કિમ જોન્ગ ઉનનો ફોટો ફરજીઆત રાખવો પડે છે. હાલના પ્રમુખ કિમ જોન્ગ ઉનના પિતાશ્રીની દશમી પુણ્તતિથિ નિમિત્તે એવું ફરમાન કાઢેલુ કે કોઇપણ નાગરિકે ૧૦ દિવસ માટે હસવું નહિ, દારુ પીવો નહિ કે ગ્રોસરી ખરીદવા પણ જવું નહિ. અહીં ક્રીસ્ટમસના તહેવાર જેવું કંઇ છે જ નહિ અને બાળકોને સાન્તાકલોઝ નામ પણ ખબર નથી. અહીંની ૬૦ ટકા વસતિ અત્યંત ગરીબ છે. માત્ર ઉચ્ચકક્ષાના અધિકારીઓ માટે જ ફોન અને ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ છે. અહીં કોઇ ફાસ્ટફુડ રેસ્ટોરાં  (મેકડોનાલ્ડ, બરગર કિન્ગ, વગેરે) છે જ નહિ. ભલે આપણો ભારત દેશ યુરોપ  – અમેરિકાની સરખામણીમાં ગરીબ છે. પણ આપણા દેશની લોકશાહી એ જ આપણી સૌથી મોટી સમૃધ્ધિ છે!
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top