સુરત: (Surat) ટેલિગ્રામના માધ્યમથી નોકરી (Job) ઉપર આવેલા યુવકને 400 હીરા (Diamond) આપીને પગાર નક્કી થાય તે પહેલા જ યુવક રૂા. 20 લાખની કિંમતના 399 હીરા લઇને દિવાલ કુદી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. આ બાબતે કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
- ટેલીગ્રામથી નોકરીએ આવેલો યુવક પહેલા જ દિવસે 20 લાખના હીરા ચોરી ફરાર
- 400 નંગ હીરા યુવકને આપીને પગાર નક્કી કરવાનો હતો તે પહેલા જ યુવક 399 હીરા લઇ દિવાલ કુદીને ફરાર
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નોંઘણવદર ગામના વતની અને ઘોડદોડ રોડ ઉપર ગોકુલમ ડેરી પાસે ગ્રીન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશ વલ્લભભાઇ ભડીયાદરા (પટેલ) કાપોદ્રામાં ક્રિષ્ના ડાયમંડ પાર્કમાં રીઝા જેમ્સના નામે વેપાર કરે છે. એક દિવસ પહેલા જ સરીન (હીરા માપવાના મશીન)માં પ્રદિપ મોર્યા નામનો ઇસમ આવ્યો હતો અને કારખાનાના મેનેજર નિકુંજ સિધ્ધપરાએ પ્રદિપને રાત્રીના સમયે તેનું કામ જોવા માટે બોલાવ્યો હતો અને પગાર નક્કી કરવા માટે 400 હીરા આપ્યા હતા. રાત્રીના સમયે બાથરૂમ જવાના બહાને પ્રદિપે પેકેટમાંથી 1 હીરો ટ્રે ઉપર મુકીને બીજા 399 હીરા (કિંમત રૂા. 20 લાખ) લઇને ચાલ્યો ગયો હતો.
પ્રદિપે દિવાલ કુદીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. લાંબા સમય સુધી પ્રદિપ પરત નહીં આવતા તપાસ થઇ હતી અને તે ભાગી ગયો હોવાનું જાણવા મળતા કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. મેનેજર નિકુંજ સિધ્ધપરાએ પોલીસને જણાવ્યું હતું કે, પ્રદિપની સાથે ટેલીગ્રામ નામની સોશીયલ મીડિયા સાઇટ ઉપર એક ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત નામનું ગ્રૂપ છે. આ ગ્રૂપમાંથી પ્રદિપે નિકુંજની સાથે મોબાઇલમાં વાત કરી હતી અને કામ માટે માંગણી કરી હતી. નિકુંજભાઇએ પ્રદિપને પહેલા જ દિવસે બોલાવીને તેનો પગાર પણ ચેક કરવાનો હતો, પરંતુ તે પહેલા જ પ્રદિપ હીરા લઇને ફરાર થઇ ગયો હતો. આ બાબતે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કાપડનો વેપાર કરતા કારખાના માલીક સહિત ત્રણ વીવર્સ સાથે છેતરપિંડી
સુરત: બમરોલી ખાતે ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીયલમાં મેહુલ ફેબ્રિક્સ અને મેહુલ એન્ટપ્રાઈઝના નામે કાપડનો વેપાર કરતા કારખાના માલીક સહિત ત્રણ વીવર્સ સાથે છેતરપિંડીની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. શ્રી શ્યામ એન્ટરપ્રાઈઝના સંચાલકોએ દલાલ મારફતે કુલ 1.15 કરોડનો ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ નિમેષભાઈ પાસેથી ગત 21 માર્ચ 2021 થી 8 જુલાઈ 2021 સુધીમાં શ્રી શ્યામ એન્ટરપ્રાઈઝના પ્રોપાઈરટર મુકેશ સુરેશ અગ્રવાલ, રમણ શર્મા, અનિશ હિસારીયા અને ફર્મના દલાલ ઈશ્વર પટેલે કુલ 78,67,964 રૂપિયાની કિંતમનો 36,60,085.33 મીટર ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. જયારે તેના સાઢુભાઈ ગૌતમભાઈ માધવલાલ પટેલ (રહે, ફોર્ચ્યુના ફ્લેટ અલથાણ) પાસેથી 16.44 લાખ રૂપિયા અને તેમના મિત્ર કમલેશ માધવલાલ પટેલ પાસેથી 20.55 લાખ રૂપિયાનો મળી કુલ 1.15 કરોડના મત્તાનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. 60 દિવસમાં પેમેન્ટ આપવાની વાત થઈ હતી. પરંતુ સમય મર્યાદામાં પેમેન્ટ નહીં આપતા નિમેષભાઈએ ઉઘરાણી શરૂ કરી હતી. નિમેષભાઈએ શ્રી શ્યામ એન્ટરપ્રાઈઝના સંચાલક અને દલાલ સામે ગુનો નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.