સુરત: ઉત્તર પ્રદેશની ચૂંટણી (Uttar Pradesh Assembly Elections) માં ફરજ બજાવવા જઈ રહેલા ગુજરાતના જવાનોની ગાડીને સુરત પાસે અકસ્માત (Accident) નડ્યો હતો. આ અકસ્માતમાં 13 જેટલા જવાન ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી ચાર જવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે એસ. આર. પી. જવાનોને લઇ જઈ રહેલી બસને ટ્રક સાથે અકસ્માત નડયો હતો. ઊભેલી ટ્રક પાછળ એસઆરપી (SRP) જવાનોની બસ (Bus) ભટકાતાં અફરાતફરી મચી ગઈ હતી.
કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે બુધવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. વડોદરા એસ. આર. પી. કેમ્પથી 27 જેટલા જવાનોને લઇ આ બસ સુરતના ઉધના જઈ રહી હતી. એસ. આર. પી. જવાનોની બસના ચાલકે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. વધુ પડતા ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી હતી. ઓછી વિઝીબીલીટીને કારણે જવાનોની બસ ટ્રક સાથે અથડાઈ હતી.
બસમાં 27 જવાનો સવાર હતા જેઓ યૂપી ઇલેક્શનની ડ્યૂટી માટે જઈ રહ્યા હતા. આ જવાનોમાંથી 17 ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાની-મોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ સ્થાનીય પોલીસ, કોસંબા પોલીસ તેમજ એસ. આર. પી. ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.
અમદાવાદ જતી વધુ એક બસ પણ પલટી ગઈ
નડિયાદથી અમદાવાદ જતી બસને પણ અકસ્માત નડ્યો હતો. નડિયાદથી ખાતરજ ચોકડી જતા સમયે વરસોલા પાસે ગાઢ ધુમ્મસ હોવાને કારણે બસ પલટી ગઈ હતી. આ બસમાં ડ્રાઈવર કંડકટર સહિત 38 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે, એક વૃક્ષને કારણે બસ સંપૂર્ણ પલટી મારતા રહી ગઈ હતી અને વૃક્ષના ટેકે અટકી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કોઈ મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો ન હતો. માત્ર સામાન્ય ઈજા પહોચી હતી. 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સામાન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં આવી હતી. એસ.ટી.બસ મિયાપુરથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની હતી.