આણંદ : કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલની ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા એસ્થેટિક ટેકનોલોજી (સૌંદર્યલક્ષી)ની શાખાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સિલિકોન બનાવટના અંગો ચામડીના રંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. આ સેન્ટર ખાતે આણંદના મયુરભાઈ ચુડાસમાને સિલિકોન કૃત્રિમ બનાવટની આંગળી લગાડીએ હાથનો દેખાવ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા સૌંદર્યલક્ષી શાખાની શરૂઆત કરવામાં આવી છે.
આ સેન્ટર ખાતે આણંદના મયુરભાઈ ચુડાસમાની ફેક્ટરીમાં કામ કરતી વખતે આંગળી કપાઈ ગઈ હતી, જેને સિલિકોનની કૃત્રિમ આંગળી ચામડીના કલરને લગતી લગાડીને હાથના દેખાવને પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ અંગે કે.એમ. પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝીયોથેરાપી વિભાગના વડા ડો. હરિહરા પ્રકાશે જણાવ્યું હતું કે, હોસ્પિટલના ટ્રોમા વિભાગમાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને અંગછેદન થવાના કારણે દરરોજની ક્રિયાઓ કરવામાં તથા બહારના સૌંદર્યના દેખાવને લીધે આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે, જેને ધ્યાનમાં રાખીને સિલિકોનના બનાવટના શરીરના અંગોની ડિઝાઇન કરી શકે તેવી શાખાની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટરમાં મોઢાના કેન્સરના દર્દીઓ માટે જડબું, અકસ્માતમાં ઘવાયેલા દર્દીઓના અંગોમાં હાથની આંગળી , હાથ- પગ વગેરે ડિઝાઇન કરવામાં આવશે અને દેખાવને પુનઃસ્થાપિત કરવામાં આવશે.
આ ઉપરાંત વિભાગ દ્વારા કેબલ વાળો હાથ પણ ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે. જેનાથી દરરોજની ક્રિયાઓ પણ વ્યક્તિ જાતે કરી શકશે. આ તમામ સેવાઓ રાહત દરે પુરી પાડવામાં આવશે. શ્રીકૃષ્ણ હોસ્પિટલના ફિઝીયોથેરાપી સેવાઓમાં વયસ્કો અને બાળકો માટે મગજ અને જ્ઞાનતંતુનાને લગતી તકલીફો, ગ્રામ્યકક્ષાએ સ્ત્રીને લગતી શારીરિક તકલીફો અને શરીરના હલનચલનને લગતી પીડા, ખેલ દરમિયાન થતી ઇજા, નસ અને સ્નાયુને લગતી તપાસ અને ફેફસાંને લગતી તકલીફ, કૃત્રિમ હાથ પગ ગળા અને કમરમાં પહેરાતા પટ્ટા માટે તથા વૃદ્ધાવસ્થા દરમિયાન સમયે થતી શારીરિક તકલીફ માટે સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત રિહેબિલીટેશન, ઓક્યુપેશનલ થેરાપી તથા સૌંદર્યલક્ષી શાખાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.