કપડવંજમાં ઘરમાં ઘૂસી ખુની ખેલ ખેલનાર આરોપીને આજીવન કેદની સજા

નડિયાદ:  કપડવંજમાં અઢી વર્ષ અગાઉ બનેલાં ચકચારી ડબલ મર્ડર ગુનાના આરોપીને કસુરવાર ઠેરવી કોર્ટે આજીવન કેદની સજા અને રૂ.૧૫ હજારનો દંડ ફટકાર્યો છે. કપડવંજમાં આવેલ કાંતાબેનની ચાલીમાં રહેતાં ૪૫ વર્ષીય શ્યામભાઈ બંસીલાલ સામતાણી અને ચીખલોડ ગામના વિરેન્દ્રભાઈ હિતેન્દ્રભાઈ ગોહીલ વચ્ચે પૈસાની લેવડ-દેવડ ચાલતી હોવાથી બંને મિત્રો બની ગયાં હતાં. જેથી વિરેન્દ્ર ગોહીલ ગત તા.૩૦-૭-૨૦૧૯ ના રોજ બપોરના સમયે મિત્ર શ્યામભાઈના ઘરે ગયો હતો. તે વખતે શ્યામભાઈ બાથરૂમમાં સ્નાન કરી રહ્યાં હોવાથી વિરેન્દ્ર તેમના ઘરમાં બેઠો હતો. તે વખતે એકાંતનો લાભ લઈ વીરેન્દ્રએ પેટીપલંગ ખોલી તેમાં મુકેલા પાકીટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ કાઢી રહ્યો હતો.

બરાબર તે જ વખતે શ્યામભાઈ તે રૂમમાં આવી જતાં વીરેન્દ્ર ચોરી કરતાં રંગેહાથ પકડાઈ ગયો હતો. જેથી શ્યામભાઈએ આ બાબતે વીરેન્દ્રને ઠપકો આપ્યો હતો. તે વખતે બંને વચ્ચે તુતુ…મેમે થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલાં વિરેન્દ્રએ ખિસ્સામાંથી છરી કાઢી શ્યામભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં હ્રદયના ભાગે છરીનો ઘા વાગવાથી શ્યામભાઈ તરફડીયા ખાઈને જમીન પર પટકાયાં હતાં અને ઘટનાસ્થળે જ પ્રાણ ત્યાગી દીધાં હતાં. બુમાબુમ થતાં શ્યામભાઈની માતા ચંદ્રાબેન સામતાણી (ઉં.વ ૭૦) અને પત્નિ અનિતાબેન દોડી આવી ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડ્યાં હતાં. તે વખતે ઉશ્કેરાયેલાં વિરેન્દ્રએ આ બંને મહિલાઓ ઉપર પણ છરી વડે હુમલો કર્યા હતાં.

જેમાં ચંદ્રાબેનને હ્રદય, આંખ, માથા તેમજ હાથના ભાગે છરીના કુલ ૭ ઘા વાગવાથી તેઓનું પણ મોત નિપજ્યુ હતું. જ્યારે અનિતાબેનને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે કપડવંજ ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વીરેન્દ્રની અટકાયત કરી હતી. જે બાદ ચાર્જશીટ કપડવંજ કોર્ટમાં મુકી હતી. આ કેસ કપડવંજના સેસન્સ ન્યાયાધીશ  વી પી અગ્રવાલની કોર્ટમાં ચાલ્યો હતો. દરમિયાન સરકારી વકીલ મિનેષ આર પટેલ દ્વારા રજુ કરવામાં આવેલા ૧૧૪ દસ્તાવેજી પુરાવા, ૧૯ સાક્ષીઓ તેમજ ધારદાર દલીલો ધ્યાનમાં રાખી કોર્ટે આરોવી વીરેન્દ્રભાઈ હિતેન્દ્રભાઈ ગોહીલને આજીવન કેદની સજા અને રૂ.૧૫,૦૦૦ નો દંડ પણ ફટકાર્યો છે. તદુપરાંત ઈજા પામનાર અનીતાબેન સામતાણીને વિક્ટીમ કોમ્પનસેશન સ્કીમ અન્વયે યોગ્ય વળતર ચુકવવા હુકમ કર્યો છે.

Most Popular

To Top