સુરત: (Surat) અમરોલી વિસ્તારમાં (Amroli Area) છાપરાભાઠા રોડ ઉપર મોડી રાત્રે ત્રણ મહિનાથી રસ્તા પર પાર્ક થયેલી કારમાં રહ્સ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આટલા સમયથી અહીં ઉભેલી બિનવારસી કારમાં (Unoccupied Car) અચાનક આગ લાગતા લોકો ચોંકી ગયા હતા.
ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અમરોલીના છાપરાભાઠા રોડ પર પાર્ક કરેલી બિનવારસી કારમાં મધરાત્રે 12.07 કલાકે આગ લાગી હતી. છેલ્લા ત્રણ મહિનાથી પાર્ક કરેલી કારમાં કોઇ કારણોસર અચાનક ભડ ભડ સળગવા લાગી હતી. પેટ્રોલીંગ કરતી પોલીસ વાનના કર્મચારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યાં કોસાડ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડીને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. આગમાં સંપૂર્ણ કાર બળીને ખાખ થઇ ગઇ હતી. આ કાર બિનવારસી હોવાનું અને ત્રણ મહિનાથી એક જ જગ્યા પર પાર્ક હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
લગ્ન પ્રસંગમાં ગયેલા વેપારીની કારનો કાંચ તોડી કરાઈ ચોરી
સુરત: કામરેજ ખાતે રહેતા વેપારી એક અઠવાડિયા પહેલા અમરોલી વિસ્તારમાં ફાર્મ હાઉસમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. કાર પાર્કિંગમાં પાર્ક કરીને ગયા બાદ તેમની કારનો કાચ તોડી તસ્કર ગાડીમાં મુકેલી બેગ અને તેમાં રહેલા 27 હજાર રોકડ લઈને ફરાર થઈ ગયો હતો. અમરોલી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજ ખાતે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જીતુભાઈ સવજીભાઈ સોરઠીયા મુળ રાજકોટના વતની છે. તેઓ પેકીંગ મટિરિયલ્સની ફેક્ટરી ધરાવે છે. ગત 24 જાન્યુઆરીએ તેમના સંબંધીના લગ્ન પ્રસંગ હતો. તેઓ ફેક્ટરીથી રોકડા 27 હજાર રૂપિયા બેગમાં મૂકી ઘરે ગયા હતા. બાદમાં ઘરેથી પરિવાર સાથે મોટા વરાછા વીઆઇપી સર્કલ પાસે આવેલા સુરજ ફાર્મ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પ્રસંગમાં 45 મિનિટ બાદ કાર પાસે આવ્યા તો તેમની ઇનોવા (જીજે-05-જેએમ-8998) નો કાચ તૂટેલો હતો. કારમાંથી 27 હજાર રૂપિયા રોકડ મુકેલા બેગની ચોરી થઈ હતી. આ અંગે અમરોલી પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.