વાપી: (Vapi) વલસાડ પોલીસના (Valsad Police) મહિલા પીએસઆઇ (Lady PSI) તથા વકીલે સેલવાસના બારના માલિકનું નામ ચોપડે નહીં નોંધવા દોઢ લાખની લાંચ માંગી હતી. જેમાં અમદાવાદ એસીબીએ વલસાડમાં ટ્રેપ ગોઠવીને વચેટીયા વકીલને પૈસા લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે મહિલા પીએસઆઇ ફરાર થઈ ગઈ હતી. એસીબી (ACB) પોલીસની પકડથી બચવા મહિલા પીએસઆઈએ વલસાડ કોર્ટમાં (Court) આગોતરા જામીન (Anticipatory Bail) અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.
- સેલવાસ બારના માલિક પાસેથી 1.50 લાખની લાંચ માંગનાર વલસાડની મહિલા પીએસઆઈના જામીન ફગાવાયા
- મહિલા પીએસઆઈ અને વકીલે લાંચ માગી હતી, વકીલ પોલીસ જાપ્તામાં, પીએસઆઈ ફરાર
- 2020માં વલસાડ પોલીસની ટીમે સેલવાસના એક યુવાનને કારમાં દારૂ લઈ જતા 72 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો
- કોર્ટે વલસાડ પોલીસના મહિલા પીએસઆઈ યેશા પટેલના આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 2020માં વલસાડ પોલીસની ટીમે સેલવાસના એક યુવાનને કારમાં દારૂ લઈ જતા 72 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. જેમાં સેલવાસના બાર માલિકના પુત્રનું નામ બહાર આવતાં તેણે હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન મેળવી લીધા હતા, તેમ છતાં વલસાડ ટાઉનના મહિલા પીએસઆઇ યેશા જયેશકુમાર પટેલે બાર માલિકના પુત્રને નોટિસ પાઠવીને દસ્તાવેજ માહિતી રજૂ કરવા જણાવ્યું હતું. બીજા કોઈ કેસમાં ન ફસાય તથા હેરાન ન કરવા માટે બાર માલિક પાસે રૂપિયા દોઢ લાખની માગણી કરી હતી.
આ કેસમાં પીએસઆઈએ વચેટીયા તરીકે એડવોકેટ ભરત ભગવતી પ્રસાદ યાદવને વચ્ચે રાખ્યો હતો. જે અંગે બારના માલિકે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. જે અંતર્ગત વલસાડ મામલતદાર કચેરીની બહાર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવીને વકીલને દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જ્યારે મહિલા પીએસઆઇ યેશા જે. પટેલ ત્યાં હાજર નહીં હોવાથી તેને ભાગેડું જાહેર કરી હતી. આ મહિલા પીએસઆઈએ એસીબી પોલીસની ધરપકડથી બચવા વલસાડ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે સંદર્ભે વલસાડના સ્પેશ્યિલ જજ એમ.આર. શાહે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી રૂ.1,50,000ની લાંચ કાંડમાં સંડોવાયેલા આરોપી વલસાડ પોલીસના મહિલા પીએસઆઈ યેશા પટેલના આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.