આપણે ત્યાં માથાકૂટનું મહત્વ બહુ મોટું છે, દરેક ઘરમાં પરિવારમાં એકાદ માથાકૂટ કરનાર હોય જ

માણસને કેટલાક હક કે અધિકારો મળ્યા નથી છતાં તે તેનો જન્મ સિદ્ધ અધિકાર હોય એ રીતે વર્તે છે. આમાનો એક અધિકાર છે ‘માથાકૂટ કરવી’ માથાકૂટ (Headache) કરવી એ કોઈ જન્મસિદ્ધ હક નથી કે મૂળભૂત અધિકાર નથી છતાં દરેક માણસ પોતાની ક્ષમતા મુજબ માથાકૂટ કરી લેતો હોય છે. ‘માણસ માત્ર માથાકૂટ ને પાત્ર.’ આ સૂત્ર મુજબ કોઈ પણ માણસ પોતાની ક્ષમતા મુજબ માથાકૂટ કરી લેતો હોય છે. ક્યારેક-ક્યારેક માફકસર માથાકૂટ કરી લેવી એ માનવ સ્વભાવ (Human Nature) છે પણ કેટલાક લોકો તો મુખ્યકામ જ માથાકૂટ કરવાનું કરે છે. માથાકૂટમાંથી ટાઈમ મળે તો તે બીજી પ્રવૃત્તિ કરે છે. માથાકૂટ બાબતે તેઓ ગોડ ગિફ્ટેડ અને સંપૂર્ણ સ્વાવલંબી હોય છે. માથાકૂટ માટે તે કોઈનો સહારો લેતા નથી.

બસ પોતાનાથી થાય તેટલું કરે.(એટલે કે ઘણું કરે છે) તે ગમ્મે ત્યારે, ગમ્મે ત્યાં,ગમ્મે તેની સાથે માથાકૂટ કરવા લાગી જાય છે. હા, શુદ્ધ અને તર્કબદ્ધ દલીલો કરવી અને માથાકૂટ કરવી એ બંને વચ્ચે પાતળી નહીં પણ બહુ જાડી ભેદરેખા છે. તર્કબદ્ધ અને તંદુરસ્ત દલીલો કરવા માટે જેતે વિષયનું સાચું અને ઊંડું જ્ઞાન જોઈએ. જ્યારે માથાકૂટમાં જેતે વિષયનું ઘોર અજ્ઞાન જોઈએ. જેનામાં જેતે વિષયનું ઘોર અજ્ઞાન હોય તેનો આત્મવિશ્વાસ બુલંદ હોય છે અને અજ્ઞાન સાથેનો આત્મવિશ્વાસ વિજય અપાવે છે. આમ તો કોઈ વિષય પર માથાકૂટ શક્ય જ નથી. છતાં એમ કહી શકાય કે અમુક વિષયો જ માથાકૂટો તેજ હોય છે. બીજુ કે માથાકૂટના કર્તાએ તે માટેનો વિષય શોધવો પડતો નથી તેને કોઈ વિષય આસન હોતી નથી. તે ગમે તે વિષયમાંથી મુખ્યવિષયને પડતો મૂકીને માથાકૂટ શોધી કાઢે છે. જેમ કવિને કોઈપણ વિષયમાંથી કવિતા સૂઝે છે હાસ્યકારને હાસ્ય સૂઝે છે, એ જ રીતે માથાકૂટ કરનારને માથાકૂટ સૂઝે છે. માથાકૂટ કરવાથી સામેવાળાનું માથું દુઃખી જાય.

આવો માથાભારે માથાકૂટિયો એટલે અમારા ગામનો મનુ માથાકૂટ. તે હંમેશા માથાકૂટ કરવા માટે પ્રયોગપાત્ર શોધતો હોય છે. કારણ કે માથાકૂટ કરવાથી મનુ માથાકૂટનું માથું ફ્રેશ થઈ જાય છે. અલબત્ત સામેવાળાને મનુનું માથું વધેરી નાખવાનું મન થાય છે. જો એવું થઈ શકતું હોત તો ઘણા લોકોને રાહત થાત. માથાકૂટ કરનારાનો હેતુ સામા માણસને જ્ઞાન આપવાનો કે સાચી દિશા આપવાનો હોતો નથી. એતો માણસને દિશા શૂન્ય કરી દે છે. આમ જુઓ તો માથાકૂટનો કોઈ હેતુ હોતો નથી. એટલે જ તેને માથાકૂટ કહેવાય છે. માથાકૂટ કરનારનો હેતુ લોકોમાં રોલો પાડવાનો હોય છે. કોઈ એમ કહે કે… પેલા જ્ઞાનપ્રસાદજી તો કેવા જ્ઞાની અને હોશિયાર!પણ મનુ માથાકૂટે તેમને ઠેકાણે પાડી દીધા!’ તેમાંય વળી આવા સમયે કોઇ એમ કહે કે જ્ઞાનપ્રસાદજીને જ્ઞાનની વાતોમાં કોઈ ન પહોંચે પણ મનુભાઈ આજે તમે એની ય બોલતી બંધ કરી દીધી. ત્યારે  માથાકૂટના કર્તાને બમણું પ્રોત્સાહન મળે છે. માથાકૂટ તજજ્ઞ અને સામેની પાર્ટી બંને પર તેની અસર સાવ અલગ પ્રકારની થાય છે. આવી માથાકુટથી સામેવાળી પાર્ટી કંટાળીને કાંઠે આવી જાય છે જ્યારે માથાકૂટ કરનારને તાજગી મળે છે. તે જેમ વધુ માથાકૂટ કરે તેમ તેનું મગજ વધુને વધુ ફ્રેશ થતું જાય છે. કેટલીકવાર તો તે માથાકૂટ કરી લે તો ચા પણ પીવી પડતી નથી.

આપણે ત્યાં માથાકૂટનું મહત્ત્વ બહુ મોટું છે દરેક ઘરમાં,પરિવારમાં એકાદ માથાકૂટ કરનાર હોય જ. તે જ્યારે સપરિવાર બહાર નીકળે છે ત્યારે વિવિધ સ્થળોએ વિવિધતાભરી માથાકૂટ કરતો રહે છે. એટલે જ કહેવાય છે ને કે આપણા દેશમાં વિવિધતામાં એકતા છે. મનુ માથાકૂટ રેલવે સ્ટેશને લાઇનમાં ટિકિટ લેવા ઉભો રહે ત્યારે ટિકિટ બારી પાસે જરાપણ હિલચાલ જુએ તો તે  બુમ પાડે… એ ભાઈ કોઈને વચ્ચે ઘૂસવા ન દેશો. ઉપરાંત બીજાને બુમો પાડવા ઉશ્કેરે અને કહે,બોલીએ નહીં તો બધા વચ્ચે ઘુસી જાય અને આપણે રહીએ લટકતા.માટે બૂમો પાડતા રહેવું જોઈએ આમ કહી પોતે ભારત દેશનો એક જાગૃત નાગરિક હોવા ઉપરાંત બીજા નાગરિકોને જગાડીને લોકજાગૃતિનું કાર્ય કરતો હોવાનું ગૌરવ લે છે.(જાતે જ) પરિવારજનો પણ કહેતા આઠ-દશ લોકો શાંતિથી બેઠા હોય એવા જૂથમાં મનુ જઈ ચડે તો થોડી મિનિટોમાં જ જૂથની શાંતિ ડહોળાઈ જાય. શાંતિ ત્યાંથી સ્થળાંતર કરી જાય. પછી મનુ થોડી મિનિટો ચૂપચાપ વિતાવે. કોઈ કશું બોલે નહીં એટલે મનુને કીડીઓ ચડે. મનુ માથાકૂટ બોલ્યા વિના ન રહી શકે. છેવટે મનુ કોઈકના હાથમાં પુસ્તક જુએ એટલે તીરની જેમ પૂછે, પેલું શું છે?

‘ પુસ્તક’ ‘શાનું!’ ‘જીવનમાં આગળ વધવા વિશેનું’ ‘એ રીતે જીવનમાં આગળ ન વધી શકાય!’ ‘મતલબ?’ ‘મતલબ કે પુસ્તક વાંચીને આગળ ન વધી શકાય.  આગળ વધવું હોય તો ઊભા થઈને ચાલવા માંડો.’ ‘પણ મને સાંધાનો દુખાવો છે.’ ‘કોઈ દવા લીધી છે?’ ‘ડોક્ટર રામબાણની દવા ચાલે છે.’ ‘તો દવા આજથી જ બંધ કરો.’ ‘પછી?’ ‘બસ ઉભા થાવ અને આગળ વધો’ ‘પણ મારે જમીન પર નહીં જીવનમાં આગળ વધવું છે.’ ‘જે જમીન પર આગળ વધે તે જ જીવનમાં આગળ વધે.’ તમે તો સાવ જુદી જ વાત કરી.’ ‘હંમેશા જુદુ જ કરો, વાત પણ જુદી કરો, કામ પણ જુદું કરો, જુદુ કરનારા જ જીવનમાં આગળ વધ્યા છે.’ ત્યાં બીજા કોઈ ભાઈ એ મનુને પૂછે  કે તમે શું કરો છો?’ ‘હું હંમેશા મને ગમે તે કરું છું.’ ‘પણ તમે ધંધો શું કરો છો’ ‘મારો કોઈ ફિક્સ્ડ ધંધો નથી. ફિક્સ્ડમાં રહેવું એ મારી પ્રકૃતિ નથી.’

આ રીતે મનુ માથાકૂટ વારાફરતી તે જૂથના તમામ સભ્યોને અડફેટે લે છે. બધાને એવા જવાબ આપે કે જવાબોમાંથી સવાલ ખડા થાય અને એ જ સવાલોના ઉત્તર રૂપે મનુ પોતાની માથાકૂટને આગળ વધારે છે. આ રીતે ધરવોધરવ માથાકૂટ કરીને મનુ ત્યાંથી રવાના થવાની તૈયારી કરે છે ત્યારે બધાને કહે છે, ચાલો મારે નીકળવું પડશે, એક જરૂરી કામ છે. બાકીની વાત પછી ક્યારેક! આટલી વારમાં તો જૂથના તમામ સભ્યો મનુ માથાકૂટથી ગળે આવી ગયા હોય છે એટલે મનોમન પ્રતિજ્ઞા કરી બેઠા હોય છે કે હવે પછી આ શખ્સ સાથે કદાપિ કોઈ ચર્ચા ન કરવી.આ લોકો આવું વિચારે ત્યાં સુધીમાં મનુ બીજા જૂથમાં પહોંચી ગયો હોય છે. આ રીતે માથાકૂટિયાઓનું માથાકૂટ ચક્ર ચાલ્યા કરે છે.આમ માથાકૂટ અનંત છે અને મનુઓ  જીવંત છે.

ગરમાગરમ:-
એક વિચક્ષણ શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછ્યું, ‘પ્રણયત્રિકોણ’ એટલે શું?’

વિદ્યાર્થીએ સરસ જવાબ આપ્યો કે ત્રિકોણનો આ ચોથો પ્રકાર છે જે ભૂમિતિ બહારનો ખૂબ જાણીતો પ્રકાર છે. આ ત્રિકોણ એવો છે કે જેના ત્રણેય બિંદુઓ એક સાથે દેખાતાં નથી.  

Most Popular

To Top