મંગળ ગ્રહની સપાટી પર હવાઇ ઉડ્ડયનના પ્રયોગો હાથ ધરનાર ‘ઈનજેન્યુઈટી’ કેવું હેલિકોપ્ટર છે?

મંગળ ગ્રહ (Mars) એ આપણી સૂર્યમાળાનો ચોથા ક્રમનો ગ્રહ (Planet) છે. મંગળનું સૂર્યથી (Sun) ઓછામાં ઓછું અંતર ૨૦ કરોડ ૬૬ લાખ કિ.મી. છે અને વધુમાં વધુ અંતર ૨૪ કરોડ ૮૨ લાખ કિ.મી. છે. મંગળ ગ્રહની સૂર્યની આસપાસની લંબગોળાકાર પરિભ્રમણ કક્ષાની લંબાઇ ૨૨ કરોડ ૭૮ લાખ ૪૦ હજાર કિ.મી. છે. આ પરિભ્રમણ કક્ષામાં મંગળ ગ્રહને સૂર્યની આસપાસનું એક પરિભ્રમણ પૂરું કરતા પૃથ્વીના ૬૮૭ દિવસો લાગે છે. મંગળ ગ્રહની કાલ્પનિક ધરીનો ઢોળાવ ૨૫.૧૯ અંશ છે. મંગળ ગ્રહની જમીન ઘણું લોખંડ ધરાવે છે. કેટલાક પુરાવાઓ એવું સૂચવે છે કે આજથી ૩ અબજ ૫૦ કરોડ વર્ષો પહેલાં મંગળ ગ્રહ ભારે પૂરસંકટની પરિસ્થિતિમાંથી પસાર થયો હતો. મંગળ ઘણો શીતળ ગ્રહ છે કારણ કે તેનું પાતળું વાતાવરણ સૂર્યની ગરમીને સપડાવી શકતું નથી. મંગળ ગ્રહ પરના દિવસની લંબાઇ  પૃથ્વી પરના દિવસની લંબાઇ કરતાં ૪૦ મિનિટ વધારે છે.20મી જુલાઇ, 2020ના રોજ ‘હોપ પ્રોબ’ અવકાશયાનને મંગળ ગ્રહ તરફ સફળતાપૂર્વક રવાના કરીને ‘ધ યુનાઈટેડ આરબ અમીરાત’ (UAE) મંગળ તરફ અવકાશયાન મોકલનારા દેશોની કલબમાં એક નવા સભ્ય દેશ તરીકે ઉમેરાયો છે. અવકાશ અભિયાનોમાં પ્રવેશ કરનાર આ દેશે સફળતાપૂર્વક ત્રણ પૃથ્વી નિરીક્ષણ કૃત્રિમ ઉપગ્રહોને પરિભ્રમણ કક્ષામાં તરતા મૂક્યા હતા. આમાંના બે કૃત્રિમ ઉપગ્રહોનું નિર્માણ દક્ષિણ કોરિયાએ કર્યું હતું અને તેમનું અવકાશમાં લોંચીંગ રશિયાએ કર્યું હતું.  ત્રીજો કૃત્રિમ ઉપગ્રહ તેનો પોતાનો હતો અને તેને જાપાન દ્વારા અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો.

નાસાએ મંગળ ગ્રહની સપાટી પર રમણભ્રમણ કરનાર ‘પરસીવીઅરન્સ રોવર’ યાનને અને હવાઇ ઉડ્ડયન કરી શકે તેવા ‘ઇન્જેન્યુઇટી’ હેલિકોપ્ટરને મંગળ ગ્રહ પર મોકલ્યાં
જયારે અમેરિકાએ પૃથ્વી સિવાયની બીજી દુનિયામાં અવકાશયાત્રીઓ મોકલવાનું સ્વપ્ન જોયું હતું ત્યારે જર્મન – અમેરિકન રોકેટ એન્જિનિયર વેર્નહર વોર્ન બ્રાઉન ચંદ્ર પર જવા માંગતા નહોતા. તેઓ તો ડઝનેક અવકાશયાત્રીઓને મંગળ ગ્રહ પર મોકલવા માંગતા હતા. તેમણે પાંખ સહિતના એક અવકાશયાનની કલ્પના કરી હતી કે જે મંગળ ગ્રહના અતિ પાતળા વાતાવરણમાંથી પસાર થઇને મંગળ ગ્રહની રાતા રંગની જમીન પર ઉતરાણ કરી રહ્યું હોય! ત્યારે આપણે સમજી ચૂકયા હતા કે માનવીનું પૃથ્વી સિવાયના બીજા ગ્રહ પરનું ઉતરાણ એ સહેલું અભિયાન તો ન જ હોય! તેમ છતાં માનવીની બીજા ગ્રહ પર અવકાશયાન ઉતારવાની મહત્ત્વાકાંક્ષા અગાઉ જેટલી જ પ્રબળ છે. હવે તે સ્વપ્ન સાકાર થવાની દિશામાં છે. નાસાએ મંગળ ગ્રહ પર ‘પરસીવીઅરન્સ રોવર’ અવકાશયાનને અને સૌર શકિતના પાવરથી ઉડ્ડયન કરનારા હેલિકોપ્ટર ‘ઇનજેન્યુઇટી’ નું જુલાઇ ૩૦, ૨૦૨૦ ના રોજ મંગળ ગ્રહ પર મોકલવા માટે લોંચીંગ કરી દીધું છે. આયોજન પ્રમાણે તે મંગળ ગ્રહના ‘J 0 ક્રેટર’ તરીકે જાણીતા એક ગર્તમાં ઊતરનાર હતું.

મંગળ ગ્રહની જમીન પર રમણભ્રમણ કરીને સંશોધન કરનાર ‘પરસીવીઅરન્સ રોવર’ એ કેવુંક અવકાશયાન છે?
આ ‘પરસીવીઅરન્સ રોવર’ યાનનું વજન ૧૦૫૦ કિ.ગ્રા. છે. તે મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રવેશ કરવા માટે સપાટીની દિશામાં જવા માટે અને સપાટી પર ઉતરાણ કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. મંગળ ગ્રહ પર આ પરસીવીઅરન્સ રોવર યાન નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. મંગળ ગ્રહ પર આ પરસીવીઅરન્સ રોવર યાન પૃથ્વીના ૬૮૭ દિવસો વીતાવશે જે મંગળ ગ્રહ પરના એક વર્ષ બરાબર છે. પરસીવીઅરન્સ રોવર યાન ૨૦ કિ.મી. મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે. તે મંગળ ગ્રહના વાતાવરણમાંથી ઓકિસજન મેળવવાની ટેકનોલોજીનું પરીક્ષણ કરશે. આ નવું મંગળ અભિયાન પોતાનામાં સપાટી પર રમણભ્રમણ કરનાર એક  ‘રોવર પરસીવીઅરન્સ’ યાન અને એક રોબોટીક સમકક્ષીય હેલિકોપ્ટર ‘ઇનજેન્યુઇટી’ને  સમાવે છે. આ બીજી પેઢીનું રોબોટીક પરસીવીઅરન્સ રોવર યાન 6 વ્હીલ ધરાવતું વાહન છે અને તે પોતાનામાં વિવિધ વિજ્ઞાનસંબંધી સાધનસરંજામ ધરાવે છે. તેણે મંગળ ગ્રહની સપાટી પર ફેબ્રુઆરી ૧૮, ૨૦૨૦ ના રોજ ઉતરાણ કર્યું હતું.

6 મહિના પછી નાના કદના હેલિકોપ્ટર ‘ઇનજેન્યુઇટી’ને પરસીવીઅરન્સ રીવર યાનના બોડીમાંથી બહાર લાવવામાં આવ્યું હતું. ત્યાર પછી તેણે પોતાનો એક માસનો કાર્યક્રમ શરૂ કર્યો હતો જેમાં તેણે એમ સાબિત કરવાનું હતું કે મંગળ ગ્રહ પર હવાઇ ઉડ્ડયન શકય છે. આ ઇનજેન્યુઇટી હેલિકોપ્ટરે હીટરને  ચાલુ કરવા માટે તેની સૈાર શકિતથી ચાલતી બેટરીના પાવર પર આધાર રાખવાનો હતો જે પાવર એક હીટરને કાર્યરત કરીને તે હેલિકોપ્ટરના અસુરક્ષિત એવા ઇલેક્ટ્રિક સાધનસરંજામને મંગળ ગ્રહના થીજાવી નાંખનારા અને કડકડતી ઠંડી ધરાવતા રાત્રિના તાપમાન સામે રક્ષણ પૂરું પાડી શકે. મંગળ ઓછામાં ઓછું તાપમાન ઋણ ૧૫૩ અંશ સેલ્સીઅસ તેના ધ્રુવીય પ્રદેશો આગળ છે જયારે ત્યાં બપોરના સમયે તે તાપમાન ફકત ૨૦ અંશ સેલ્સીઅસ છે.

પરસીવીઅરન્સ રોવરયાન કયા હેતુઓ પાર પાડશે?
તે મંગળ ગ્રહ પર વસવાટની શકયતાઓ તપાસશે. તે મંગળ ગ્રહ પરના ખાસ પ્રકારના ખડકો કે જેઓ પોતાનામાં સમયના પ્રવાહમાં જીવસૃષ્ટિની નિશાનીઓનો કરે છે તે ખડકોમાં ભૂતકાળની સૂક્ષ્મ પ્રકારની જીવસૃષ્ટિ અંગેની નિશાનીઓની તપાસ કરશે. તે જમીનના ઊંડાણમાં મધ્ય ભાગના ખડકોના નમૂનાઓ મેળવવા માટે ડ્રીલનો ઉપયોગ કરશે અને તે નમૂનાઓનો મંગળ ગ્રહની સપાટી પર જ સંગ્રહ કરશે.

મંગળ ગ્રહની સપાટી પર હવાઇ ઉડ્ડયનના પ્રયોગો હાથ ધરનાર ‘ઇનજેન્યુઇટી’ કેવુંક હેલિકોપ્ટર છે?
તે ૦.૬ મીટર (૬૦ સે.મી.) ઊંચાઇ ધરાવે છે. તેનું વજન ૧.૮ કિલોગ્રામ છે. તે સાપેક્ષ રીતે મર્યાદિત ક્ષમતાઓ ધરાવે છે. મંગળ ગ્રહના તેના સૌથી પહેલા ઉડ્ડયન માટે તે જમીન પરથી અમુક ફૂટ ઊંચું ચઢશે. તે હવામાં ૨૦ સેકંડથી ૩૦ સેકંડ સુધી ઉડ્ડયન કરશે. આ એક મોટું સીમાચિહન હશે. મંગળ ગ્રહના અતિ પાતળા વાતાવરણમાં વિદ્યુતશકિતના આધારે તે પહેલવહેલું ઉડ્ડયન હશે. આ પછી વધારે ઊંચાઇના અને લાંબા અંતરના ઉડ્ડયનોનાં પરીક્ષણો માટેના પ્રયોગો કરવામાં આવશે. જયારે મંગળ ગ્રહની સપાટી પર રમણભ્રમણ કરનાર  ‘પરસીવીઅરન્સ રોવર’ યાન મંગળ ગ્રહ પર જીવસૃષ્ટિ હોવાના પુરાવાઓ એકઠા કરતું હશે ત્યારે આ ‘ઇનજેન્યુઇટી’ હેલિકોપ્ટર મંગળ ગ્રહના પાતળા વાતાવરણમાં ઉડ્ડયનના પ્રયોગોની સાબિતી આપશે. તે માહિતી વધારે મોટા કદના ડ્રોનનું નિર્માણ કરવામાં મદદરૂપ થશે અને જો તેમાં સફળતા મળે તો તે મંગળ ગ્રહ પરનાં સંશોધનો માટે નવાં દ્વાર ખોલી આપશે.

Most Popular

To Top