ડાંગ જિલ્લાના (Dang District) આહવા (Ahwa) તાલુકામાં સમાવિષ્ટ અને ચોતરફ ગિરિકંદરાના ખોળામાં સમતલ, ટેકરાળ તેમજ નીચાણવાળા ભૂમિ ઉપર ધબકતું બારીપાડા ગામ જેના નામકરણની બે લોકવાયકા સાંભળવા મળે છે. બારીપાડા ગામનું (Village) નામકરણ બે વખત ‘બાર’ એટલે ધડાકાના ઉપમા ઉપરથી ‘બારી’ અને ‘પડ્યા’ના ઉપમા પરથી ‘પાડા’ એટલે બારીપાડા પડ્યું હોવાનું વડીલોના મુખે સાંભળવા મળે છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અને શામગહાનથી નજીકમાં પ્રકૃતિમય વિસ્તારમાં આંતરરાજ્ય ધોરી માર્ગને અડીને સમથલ, ટેકરાળ તેમજ નીચાણવાળા ભૂમિ પર બારીપાડા નામનું ગામ આવેલું છે. બે લોકવાયકા મુજબ વર્ષો અગાઉ બારીપાડા ગામની સીમમાં બે વખત બાર એટલે લોકોને ધડાકા સાંભળવા મળ્યા હતા.
જેથી અહીં વસવાટ કરતાં કૂનબી અને કોંકણી પરિવારોએ આ ગામનું નામ બારીપાડા રાખ્યું હોવાનું સાંભળવા મળી રહ્યું છે. જ્યારે બીજી લોકવાયકા મુજબ વર્ષો પહેલાં બારીપાડા ગામ નજીક ફરતે ડુંગરો આવેલા હતા. અને આ ગામમાં આવવા અને જવા માટે લોકોને બારી જેટલો જ રસ્તો હતો. આ બારી જેટલા સાંકડા રસ્તામાંથી જ લોકો આ ગામમાં પ્રવેશ કરતા હતા. જેથી બારીના ઉપમા પરથી આ ગામનું નામકરણ બારીપાડા રાખવામાં આવ્યું હોવાનું વડીલો જણાવી રહ્યા છે. વર્ષો પહેલાં બારીપાડા ગામે કોંકણી અને કૂનબી જાતિના નાનજીભાઈ બયાજી ભોયેના વંશજોમાં બનાબેન અને સીતાબેનના પરિવારજનોએ સૌપ્રથમ વસવાટ શરૂ કર્યો હતો.
આ ગામ સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરી માર્ગને અડીને આવેલું ગામ હોવાથી દિવસ-રાત અહીં નાનાં-મોટાં વાહનોનો ધમધમાટ જોવા મળી રહે છે. બારીપાડા ગામને કુદરતી અણમોલ ખજાના સ્વરૂપે જંગલોની ભેટ અને બીજી તરફ રળિયામણા ડુંગરોની પ્રાકૃતિક દેન પણ મળી છે. શામગહાન વિસ્તારમાં આવેલા બારીપાડા ગામ સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરી માર્ગને સાંકળે છે. જેથી આ ગામ આંતરરાજ્ય ધોરી માર્ગના બંને છેડામાં વહેંચાયેલું જોવા મળે છે. શામગહાન ગામથી બારીપાડા જવા માટે 3 કિ.મી.નું અંતર કાપવું પડે છે. બારીપાડા ગામથી વઘઇ, સાપુતારા,અને મહારાષ્ટ્રમાં પણ જઈ શકાય છે. આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે. જેઓ માત્ર કુનબી, કોંકણી, વારલી અને ભીલ જ્ઞાતિના છે.
આ ગામના 70 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે 30 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા છે. આ ગામમાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. આ ગામમાં ખ્રિસ્તી ધર્મનું નાનકડું એક ચર્ચ પણ જોવા મળે છે. આ ગામમાં સબકા માલિક એક સાઈ બાબાની ભવ્ય પ્રતિમા પણ સ્થાપિત જોવા મળે છે. સાઈ બાબાના પ્રતિમાના શેડમાં દર વર્ષે શિરડી જતા પદયાત્રીઓ રોકાણ કરે છે. અને દર ગુરુવારે અહીં સાઈબાબાની આરતી પણ કરવામાં આવે છે.બારીપાડા ગામની ચર્ચા કરીએ તો ગામની કુલ વસતી આશરે 588થી વધુ છે. જેમાં પુરુષોની સંખ્યા 284 છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા 304 છે. આ ગામમાં 125થી વધુ કાચાં અને પાકા ઘરો આવેલાં છે. સાથે 250થી વધુ નાનાં-મોટાં કુટુંબ આવેલાં છે.
ગામમાં ફળિયાંની કુલ સંખ્યા 3 છે, જેમાં 125થી વધુ નાનાં-મોટાં કાચાં અને પાકાં મકાનો આવેલાં છે. બારીપાડા ગામમાં વર્ષોથી માત્ર કૂનબી, કોંકણી, વારલી અને ભીલ જાતિના આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામના 100 ટકા લોકો ખેતીનો વ્યવસાય કરે છે. સાથે નજીકનાં સ્થળોએ ધંધા-રોજગાર અર્થે જાય છે. અહીં મોટા ભાગના પરિવાર ચોમાસાની ખેતી ઉપર નિર્ભર હોવાના પગલે ખેતી પર આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી તેમનો જીવનનિર્વાહ કરી રહ્યા છે.
બારીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં બારીપાડા, ચીખલી, બોરીગાવઠા, મહારાઈચોંડ અને ચીરાપાડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં જ બારીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના વિભાજનની સાથે વિસ્તરણ થતાં ગ્રુપ ગ્રામ પંચાયતમાં બારીપાડા અને ચીરાપાડા ગામનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. બારીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતનું વિસ્તરણની સાથે વિભાજન થતાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી રહેવા પામી છે.
જેથી હાલમાં આ ગામોમાં વહીવટદાર દ્વારા વિકાસકીય યોજનાઓને વેગ આપવામાં આવી રહ્યો છે. બારીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતની વાત કરીએ તો અગાઉનાં વર્ષોમાં બહુમતીથી ભાજપાની બોડી ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દબદબાભેર ચુંટાઈ આવતી હતી. પરંતુ બાદમાં અહીં ભાજપાના ડખા વચ્ચે સભ્યોએ સરપંચ ઉપર અવિશ્વાસની દરખાસ્ત પસાર કરતાં અહીં પાંચ ગામોના સરપંચ તરીકે કોંગ્રેસ પેનલના રતિલાલભાઈ ગાવીત ચુંટાઈ આવ્યા હતા. સરપંચની ટર્મ પૂરી થતાં અહીં બારીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતનો કારભાર વહીવટદાર ચલાવી રહ્યા છે. બારીપાડા ગામના અગ્રણી અને માજી તાલુકા સદસ્ય દિનેશભાઇ ભોયે તથા માજી તાલુકા સદસ્ય દેવરામભાઈ ગાયકવાડે થોડાં વર્ષો અગાઉ અહીં સત્તાની કમાન સંભાળી આદિવાસી લોકોની સમસ્યા નિવારવા માટે સફળતા હાંસલ કરી હતી. હાલમાં આ બંને ભાજપા અને કોંગ્રેસના અગ્રણીઓ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં વિકાસકીય કામોને વેગ આપવા માટે ઝઝૂમી રહ્યા છે.
પાયાની સુવિધાનો અભાવ છતાં ભણતરને અગ્રીમતા: બારીપાડાના 86.99 ટકા લોકો સાક્ષર
કોરોના કાળમાં શાળાઓ બંધ, પણ ઓટલા શિક્ષણથી બાળકોને જ્ઞાનનું સિંચન
શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. અને એ જરૂરિયાને ધ્યાને લઈ બારીપાડા ગામે આગેકૂચ કરી છે. બારીપાડા ગામના લોકોના શિક્ષણ ક્ષેત્ર વિશેની વાત કરીએ તો કુલ 86.99 ટકાનો સાક્ષરતા દર ગામનો જોવા મળે છે. આ ગામમાં મોટા ભાગનાં પુરુષો અને સ્ત્રીઓ શિક્ષિત જાણવા મળેલ છે. અહીં પુરુષોનો સાક્ષરતા દર 91.70 ટકા છે. જ્યારે સ્ત્રીઓનો 82.85 ટકા સાક્ષરતા દર છે. ગામમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 1 પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં 1થી 5 ધોરણ છે, જેમાં 55 બાળકો સરકારની યોજના થકી મફત શિક્ષણનો લાભ લઈ અભ્યાસ કરી રહ્યાં છે. શાળામાં ધોરણ-1 થી5માં 25 કુમાર અને 30 કન્યા અભ્યાસ કરે છે. પરંતુ હાલમાં કોરોનાની મહામારીમાં 1થી 9ની શાળાઓ બંધ હોવાથી રોજેરોજ શિક્ષકો શાળામાં આવી ઘરે ઘરે જઈ બાળકોને ઓટલા શિક્ષણ કાર્ય કરાવી રહ્યાં છે. શાળાના મુખ્ય શિક્ષક તરીકે રમણભાઈ સી.ચૌધરી તથા ઉ.શિક્ષક તરીકે રોશનીબેન કે.ગાવીત ફરજ બજાવે છે.
શાળામાં બાળકોને પીવાના પાણી માટે આર.ઓ. પ્લાનની સુવિધા નથી તથા આ શાળાના શિક્ષકો નિયમિત રીતે શાળામાં આવી આદિવાસી ભૂલકાંને શિક્ષણ કાર્ય કરાવે છે. પરંતુ હાલમાં કોરોનાની મહામારીમાં શાળાઓ બંધ હોવાથી ગામમાં બાળકોનાં ઘરે ઘરે જઈ શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઓટલા શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામનાં બાળકોના વિકાસ માટે 1 જેટલી આંગણવાડી આવેલી છે. આ ગામમાં આંગણવાડી વર્કર તરીકે પ્રેમીલાબેન એલ.ગાંગુર્ડે તથા હેલ્પર તરીકે સુનિતાબેન એમ.ગાયકવાડ ફરજ બજાવે છે, જેમાં 44 જેટલાં નાનાં ભૂલકાંને પાયાના શિક્ષણનું સિંચન સિંચિત કરવામાં આવે છે. ગામના વહીવટદાર તરીકે વિસ્તરણ અધિકારી આહવાનાં દીપિકાબેન ડી.પટેલ કામગીરી કરે છે. તેમના ચાર્જમાં અન્ય ગ્રુપ ગ્રામ પંચાયતનાં ગામડાં પણ આવે છે. હાલમાં ચૂંટણી બાકી હોવાથી વહીવટદાર પંચાયતની કામગીરી નિયમિત કરી રહ્યાં છે. ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરી બારીપાડા ગામ ખાતે કાર્યરત હોવાથી ગામના લોકોને દાખલા સહિત અન્ય કામગીરી માટે સરળતા પડે છે. અને અન્ય જગ્યાએ જવું પડતું નથી.
પ્રકૃતિ જીવને આ વાતનું દુ:ખ: સરકારી યોજનાઓ તો ખરી, પણ આયોજનના અભાવે પાણી માટે રઝળપાટ
બારીપાડા ગામની પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો આ ગામ શામગહાનથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરી માર્ગને અડીને આવેલ હોવાથી અહીંના ગ્રામજનોને મુખ્યમથક કે દવાખાને જવા માટે ઉનાળા અને શિયાળા કે ચોમાસાની ઋતુમાં સરળતાવાળી સગવડ જોવા મળે છે. આ ગામથી ચીરાપાડાને જોડતો આંતરિક માર્ગ પાંચ-છ વર્ષ પહેલાં જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગની ગ્રાંટમાંથી નવીનીકરણ કરવામાં આવ્યો હતો. પરંતુ આ માર્ગમાં કોન્ટ્રાક્ટરે નકરી વેઠ જ ઉતારતાં ઉબડખાબડ બની ગયો છે. બારીપાડા ગામમાં ત્રણેય ફળિયાંના આંતરિક રસ્તા પેવર બ્લોકના બનાવવામાં આવ્યા છે. જે પેવર બ્લોક માર્ગોની હાલત એકંદરે ખૂબ જ સારી છે. જ્યારે ત્રણેય ફળિયાંમાં અમુક ગલીઓમાં આંતરિક માર્ગો બાકી રહી જવા પામ્યા છે. બારીપાડા ગામમાં ગટરલાઈનની વ્યવસ્થા ન હોવાના પગલે ચોમાસાની ઋતુમાં પેવર બ્લોક વાળા માર્ગ પરથી પાણી ઘરોમાં ઊતરી જાય છે.
ગામમાં પાણીની સુવિધા વિશે ચર્ચા કરીએ તો ગામને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે. જેથી ઘરદીઠ નળ કનેક્શનની સુવિધા પૂરી પાડી ઘરે-ઘરે પાણી પહોંચાડવા માટે મોટી ટાંકીઓ પણ બનાવવામાં આવેલ છે. પરંતુ આ ટાંકીઓ, ઘર ઘર નળ કનેક્શન છેલ્લાં બે વર્ષથી શોભાનાં ગાઠિયાસમાન છે. ઉનાળામાં આ ગામના લોકોને પાણી માટે વલખા મારવાની નોબત આવે છે. ગામમાં સરકાર દ્વારા 35થી વધુ બોર આપવામાં આવેલા છે. જેમાંથી માત્ર 7 જેટલા બોર કાર્યરત છે. જ્યારે મોટા ભાગના બોરની લાઈનો તૂટી ગઈ છે તેવું ગામલોકો જણાવે છે. આ ગામમાં ઉનાળાની ઋતુમાં માર્ચથી જૂન સુધીમાં પાણીની તંગી વર્તાય છે. જેથી આ ગામમાં સરકારની ઘર ઘર નળ કનેક્શન યોજનાના દાવા પોકળ સાબિત થયા છે.
ઘરેઘર શૌચાલય, સ્વચ્છ ભારતનું સપનું સાકાર
આરોગ્યની દૃષ્ટિએ આ ગામને નજીકમાં શામગહાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થયું છે. બારીપાડા ગામના લોકોને ત્રણ કિલોમીટરના અંતરે સી.એચ.સી. લાગુ પડતું હોવાથી બીમારીના સમયે તકલીફ પડતી નથી. અને સમયસર વાહનો પણ મળી જાય છે. જેથી બીમારીનો ઈલાજ આદિવાસીબંધુઓને સમયસર મળી રહે છે. ગ્રામજનો દ્વારા ગામની વાર-તહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા પંચાયતે ગામમાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર બનેલું નજરે પડે છે. બારીપાડા ગામની વર્ષો જૂની સમસ્યામાં સ્મશાનની સમસ્યાનો હજુ સુધીમાં અંત આવ્યો નથી. આ ગામમાં હજુ સુધીમાં સ્મશાનગૃહનું નિર્માણ ન થતાં ચોમાસાની ઋતુમાં અંતિમક્રિયા વખતે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવે છે. બારીપાડા ગામમાં સ્મશાનગૃહ ન હોવાના પગલે ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદમાં ખુલ્લામાં શબને અગ્નિદાહ આપવામાં આવે છે. જેથી ગ્રામજનોમાં તુરંત જ સ્મશાનગૃહની માંગણી ઊઠી છે. બારીપાડા ગામ આંતરરાજ્ય ધોરી માર્ગને અડીને આવેલું ગામ હોવા છતાં આજે પણ અહીં અમુક પાયાની સુવિધાઓ ન જોવા મળતાં લોકો વિકાસથી વંચિત જોવા મળે છે. હાલમાં આ ગામ વિકાસની નવી કેડી માટે ઝઝૂમી રહ્યું છે.
ધીરજની ખરી ‘કસોટી’: માત્ર આકાશી ખેતી અને પશુપાલન પર જીવન નિર્ભર
સિંચાઈની દૃષ્ટિએ ગામ નજીક નાના-મોટા ચેકડેમો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ ચેકડેમોમાં માત્ર ચોમાસા તથા શિયાળાની ઋતુમાં જ પાણી સંગ્રહ જોવા મળે છે. બાદ ઉનાળામાં લીકેજ હોવાના પગલે પાણી વગર કોરાકટ બની જાય છે. જેથી ઢોરઢાંખરને પાણી માટે વલખા મારવા પડે છે. આ ગામમાં ચોમાસા દરમિયાન ખેડૂતો દ્વારા ડાંગર, નાગલી, શાકભાજી, કઠોળ વગેરે પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે કેટલાક ખેડૂતોએ પાણીની સુવિધાઓ માટે સ્વખર્ચે ખેતરોમાં બોર અને કૂવા દ્વારા પાણીની સુવિધાઓ કરી છે. પરંતુ ઉનાળામાં આ ગામમાં કૂવા તથા નજીકના કોતરડા વિસ્તારના નાનકડા ચેકડેમોમાં પણ પાણીનાં સ્તર નીચા જતાં ખેડૂતોએ માત્ર ચોમાસાની ઋતુમાં જ મોટા ભાગે ખેતી ઉપર નિર્ભર થઇ ગુજરાન ચલાવવું પડે છે.
પશુપાલનની દૃષ્ટિએ ગામમાં વિકાસ જોવા મળે છે. નાના-મોટા ખેડૂતો પોતાની પાસે ગાય, ભેંસ, બકરાં જેવાં પાળતું પ્રાણીઓનો ઉછેર કરી જેમાંથી પૂરક આવક મેળવી પરિવારના ભરણપોષણમાં ભાગીદાર બને છે. બારીપાડા ગામમાં દૂધમંડળી પણ કાર્યરત છે. ગામના દૂધમંડળીના પ્રમુખ તરીકે કમળીબેન યશવંતભાઈ ગાંગુર્ડે તથા મંત્રી તરીકે લતાબેન કોંજુભાઈ ગાવીત કામગીરી કરે છે. આ દૂધમંડળીમાંથી દૈનિક 270 લીટર દૂધ ડેરીમાં જાય છે. ગામમા દક્ષિણ ગુજરાત વિ.પ્રા.લિ દ્વારા 24 કલાક વીજળી આપવામાં આવે છે. ગામમાં 3થી વધુ સખીમંડળો પણ છે. હાલમાં એંજલ સખીમંડળનાં પ્રમુખ તરીકે સુમનબેન દિનેશભાઇ ભોયે તથા મંત્રી તરીકે સુનિતાબેન અરુણભાઈ દેશમુખ કામગીરી કરે છે. જ્યારે વિદ્યા મિશનમંડળમાં પ્રમુખ તરીકે મંજુલાબેન દિનેશભાઇ ચૌધરી અને મંત્રી તરીકે મુક્તાબેન અનિલભાઈ રાઉત કામગીરી કરે છે. તથા અન્ય સખીમંડળમાં ગીતાબેન રણજીતભાઈ ઝીરવાળ કામગીરી કરે છે. આ સખીમંડળો પૈસાની બચત કરી જરૂરિયાત લોકોને વ્યાજ ઉપર નાણાં આપી મદદ કરે છે.
કોઈપણ તહેવાર હોય, ધામધૂમથી થાય છે ઉજવણી
આદિવાસી લોકો પ્રકૃતિપ્રેમી સાથે ધાર્મિક પ્રવૃત્તિ સાથે વધુ જોડાયેલા હોય છે. બારીપાડા ગામમાં સંપ સારો હોવાથી ગ્રામજનો નવરાત્રિ, ગણેશ ઉત્સવ, જમાષ્ટમી, હોળી, ડુંગરદેવ, તેરા, નાગપંચમી, રક્ષાબંધન, મકરસંક્રાંતિ, દિવાળી, નાતાલ જેવા તહેવારોમાં સાથે મળી શ્રદ્ધા તથા ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.
યુવાન આગેવાન સંતોષભાઈ ભુસારા ગામના વિકાસ માટે તત્પર
બારીપાડા ગામના જાગૃત અગ્રણી અને યુવાન આગેવાન સંતોષભાઈ ભુસારાએ જણાવ્યું હતું કે, હાલમાં ત્રણ-ચાર વર્ષથી હું મારા ગામના અગ્રણી તરીકે સેવા આપી રહ્યો છું. અને ગામમાં જ રહું છું. જેથી ગામના તમામ લોકો સાથે સંપર્કમાં રહું છું. ગામલોકોના સલાહ સૂચન મુજબ ગામમાં વિકાસનાં કામોની ચર્ચા કરી ઉપલા લેવલે રજૂઆત કરીને યોજના સફળ બનાવવા માટે તંત્રમાં રજૂઆત કરીએ છીએ. અમારા ગામમાં શાંતિનો માહોલ જોવા મળે છે, અને તેઓ ગામના હિતેચ્છુને સારી રીતે ઓળખે છે. ડાંગ જિલ્લા કોંગ્રેસમાં યુવા નેતા તરીકે ઉભરી આવ્યા બાદ સરકારની ગ્રાન્ટ થકી ગામનો વિકાસ સારી રીતે થાય એ માટે વારંવાર તંત્રમાં રજૂઆત કરતો આવું છું. વધુમાં બારીપાડા ગામ આંતરરાજ્ય ધોરી માર્ગને અડીને આવેલ હોવાથી પસાર થતા વાહનચાલકો સાથે પણ ગામના લોકો દ્વારા સારો વ્યવહાર કરી સાથ સહકાર આપવામાં આવે છે.
માજી તાલુકા સદસ્ય દિનેશભાઇ ભોયે લોકસેવક
બારીપાડાના આગેવાન અને માજી તાલુકા સદસ્ય દિનેશભાઇ રતનભાઈ ભોયે છેલ્લાં 20 વર્ષોથી અગ્રણી અને લોકસેવક તરીકે ગામમાં સેવા આપી રહ્યા છે. ગામમાં કોઈ પણ મુશ્કેલી તથા કોઈ પણ તકરાર હોય તો તેઓ બંને પક્ષોને ગામના પંચમાં ભેગા કરી મધ્યસ્થી બની સુખદ સમાધાન પણ કરાવી આપે છે. તથા ગામના શિક્ષિત યુવાનોને પણ યોગ્ય માર્ગદર્શન આપે છે. માજી તાલુકા સદસ્ય દિનેશભાઇ ભોયે અગાઉ 2 ટર્મ સુધી કોંગ્રેસ બોડીમાંથી દબદબાભેર ચુંટાઈ આવ્યા હતા. પરંતુ ગામ સહિત વિસ્તારના વિકાસની ઉણપને જોઈને તેઓ હાલમાં સત્તાધારી પાર્ટી ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે અને સત્તાધારી પાર્ટીમાં જોડાઈને હાલમાં ગામ સહિત વિસ્તારના વિકાસ માટે ચિંતિત બની કાર્યશીલ બન્યા છે. માજી તાલુકા સદસ્ય દિનેશભાઇ ભોયે ગામના શિક્ષિત ન હોય તેવાં વૃદ્ધ ભાઈ-બહેનોની સહાયકીય યોજનાઓમાં મદદરૂપ બની ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડી રહ્યા છે. જેથી ગામના અગ્રણી તરીકે આજે પણ તેમની લોકચાહના અકબંધ જોવા મળે છે.
જુદી જુદી પોસ્ટ પર નોકરી કરી ગામનું નામ રોશન કરનારાં શિક્ષિત
બારીપાડા ગામના (1) વિજયભાઈ ધવળુભાઈ દેશમુખ હાલમાં આચાર્ય તરીકે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચીકાર (વઘઇ) તેમજ શિક્ષણ નિરીક્ષક તરીકે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ડાંગ આહવા ખાતે ફરજ બજાવે છે. (2) ચંદુભાઈ યશવંતભાઈ ગાંગુર્ડે-ખેતીવાડી નિયામક વાંસદા-જિ.નવસારી, (3) ભવાનભાઈ કે.ભુસારા-મુખ્ય શિક્ષક-ભાપખલ પ્રાથમિક શાળા, આહવા, (4) ગુલાબભાઈ પી.ગાયકવાડ-પ્રાથમિક શિક્ષક, ગુંદવહળ, તા.વઘઇ, (5) મોહનભાઈ ચિંતામણ ગાંગુર્ડે-પ્રાથમિક શિક્ષક-ભરૂચ, (6) રોહીદાશ ચિંતામણ ગાંગુર્ડે-રેલવે પોલીસ-વલસાડ, (7) માલતીબેન પી.ગાયકવાડ-શિક્ષિકા માધ્યમિક વિભાગ-દાહોદ, (8) સુનીલભાઈ ભવાનભાઈ ભુસારા-આરોગ્ય વિભાગ-સુરતમાં ફરજ બજાવે છે. આ તમામ નોકરી કરતાં ભાઈઓ અને બહેનો વાર-તહેવારની રજાઓમાં ગામમાં આવી લોકોમાં વિકાસ તથા સહકારની ભાવના દાખવી જાગૃતિ કેળવે છે.
આદિવાસી વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે અદ્યતન સુવિધાઓની સાથે શિક્ષણ પ્રસરાવતી એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ-બારીપાડા ખાતે વર્ષ-2014ના વર્ષથી શરૂ કરાઈ છે. આ એકલવ્ય મોડેલ સ્કૂલમાં ધોરણ-6થી ધોરણ-12ના વર્ગો ચાલે છે. બારીપાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં કુલ 343 વિદ્યાર્થી નોંધાયેલા છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ શાળા-બારીપાડા ખાતે વિજ્ઞાન પ્રવાહ ધોરણ-11 અને 12ના વર્ગો પણ ચાલે છે. હાલ કોરોનાની મહામારીના પગલે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં ધોરણ-6થી 9ના વર્ગો બંધ કરાયા છે. જ્યારે કોવિડની ગાઈડ લાઈન મુજબ ધોરણ-10થી 12નાં વર્ગો ચાલુ છે. જ્યારે ધોરણ-6થી 9ના વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા પ્રત્યક્ષ શિક્ષણની જગ્યાએ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ખાતે આદિવાસી વિદ્યાર્થીઓ માટે શાળામાં અદ્યતન કમ્પ્યૂટર લેબ, સ્માર્ટ ક્લાસ, રમતગમતનું મેદાન, સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા એથ્લેટિક્સ અને હોકી માટે કુશળ ટ્રેનરોની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે આદિજાતિ વિભાગ દ્વારા તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને સરકાર દ્વારા તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ ખાતે આચાર્ય તરીકે કલ્પેશકુમાર.એમ પટેલ છેલ્લાં ચાર વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. જ્યારે શિક્ષકોમાં નરેશભાઈ ચીનાભાઈ વાંઝા, વિપુલભાઈ સવજીભાઈ પારઘી, પંકજભાઈ કિશનભાઈ લહરે, છનુભાઈ શુક્કરભાઈ ચૌર્યા, સુનિતાબેન શુક્કરભાઈ ચૌર્યા, શૈલેશભાઈ રમેશભાઈ ગામીત, ભાવનાબેન રવીશભાઈ વળવી, મિનેશકુમાર બુધ્યાભાઈ જાદવ, છાયાબેન એકનાથભાઈ ઠાકરે, રવીનાબેન જયરામભાઈ ગાઈન, જ્યોતિબેન છનાભાઈ ગાવીત, ધનારામ મંગલારામ સોયેલ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી બાળકોને શિક્ષણ સીંચી રહ્યાં છે. એકલવ્ય મોડેલ સ્કૂલનું ધોરણ-10 એસ.એસ.સી. બોર્ડનું પરિણામ (1) વર્ષ 2018-19માં 93.75 ટકા, (2) વર્ષ 2019-20માં 89.80 ટકા, (3) 2020-21માં 100 ટકા માસ પ્રમોશન.
બારીપાડા ગામના સમાજસેવકો અને અગ્રણીઓ
બારીપાડા ગામના વિકાસમાં દેવરામભાઈ જી.ગાયકવાડ-માજી તાલુકા સદસ્ય, દિનેશભાઇ આર.ભોયે-માજી તાલુકા સદસ્ય, સુમનબેન ડી.ભોયે-માજી તાલુકા સદસ્ય, ચિંતામણભાઈ એ.ગાંગુર્ડે-પીડબ્લ્યૂડી વઘઇ, કોળગુભાઈ એસ.ગાવીત-અગ્રણી, સીતારામભાઈ વામનભાઈ રાઉત-વડીલ અગ્રણી તથા ડાંગ કોંગ્રેસના યુવા નેતા સંતોષભાઈ બી.ભુસારાનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.
બારીપાડા ગામમાં સુરત સાંઈ યુવકમંડળ દ્વારા સાઈબાબાની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરાઈ છે
શિરડી સાઈબાબાના દરબારમાં જવા માટે સુરતથી વઘઇ અને સાપુતારા થઈને જવું પડે છે, જેમાં બારીપાડા ગામ પણ વઘઇ સાપુતારાને જોડતા આંતરરાજ્ય ધોરી માર્ગને અડીને આવેલું ગામ છે. આ માર્ગમાંથી વર્ષ દહાડે અસંખ્ય પદયાત્રીઓ શિરડી ખાતે શ્રદ્ધા સબુરી સાઈ બાબાનાં દર્શનાર્થે પગપાળા જાય છે. બારીપાડા ગામમાં માર્ગને અડીને આવેલી માલિકીની જમીનમાં સુરત શહેર સાઈ યુવક મંડળ દ્વારા ભવ્ય સાઈબાબાની પ્રતિમાનું સ્થાપન કરાયું છે. અહીં દર ગુરુવારે આરતી કરાય છે. દક્ષિણ ગુજરાતમાંથી પદયાત્રામાં જતા ભાવિક ભક્તો બારીપાડા ગામે અચૂક રોકાય છે. અહીં રોકાઈને શ્રદ્ધા સબુરીનાં દર્શન કરી તથા મહાપ્રસાદીનો લાભ લઈ પછી આગળ વધે છે.