આણંદ : આણંદ નગરપાલિકાની સોમવારના રોજ યોજાયેલી સામાન્ય સભા દર વખતની જેમ ગણતરીની મિનિટોમાં પૂર્ણ થઇ ગઈ હતી. જોકે, આ વખતની સામાન્ય સભામાં બહુ લાંબા સમય બાદ કંઇક નવું જોવા મળ્યું હોય તે વિપક્ષનો અવાજ છે. પાલિકાની છેલ્લા દાયકા દરમિયાન યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષ હજુ કંઇ રજુ કરવા આગળ આવે તે પહેલા સભા આટોપી લેવામાં આવે છે. તેના બદલે સોમવારની સામાન્ય સભામાં વિપક્ષ સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેમાં ચીફ ઓફિસર દ્વારા સહીઓ ન કરતાં અનેક કામો અટવાયાં છે. ખાસ કરીને વિપક્ષ સભ્યોના કામોમાં જ આવી આડોડાઇ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આણંદ નગરપાલિકાની સામાન્ય સભા સોમવારના રોજ ટાઉનહોલ ખાતે યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ સ્થાને પ્રમુખ રૂપલબહેન પટેલ હાજર રહ્યાં હતાં. નિયત સમયે શરૂ થયેલી આ સભામાં વિપક્ષે શરૂઆતમાં જ વિરોધ શરૂ કરી દીધો હતો. વિપક્ષનેતાએ તમામ ઠરાવોનો વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપવા સ્ટેજ પર ચડી ગયાં હતાં. આ સભા દરમિયાન અપક્ષ કાઉન્સીલર મહેશ વસાવા અને ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિ વચ્ચે તૂતૂ મેમેં જોવા મળી હતી. એક સમયે ગેલેરીમાં શાબ્દીક ટપાટપી પણ થઇ હતી. આ ઉપરાંત આવેદનપત્ર આપતા સમયે પણ મામલો ગરમ થઇ ગયો હતો. આ હાઈડ્રામાના પગલે બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી.
આ બેઠકમાં પાલિકા દ્વારા કુલ 69 ઠરાવો કરવામાં આવ્યાં હતાં. જેમાં ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર-21ના ત્રિમાસક હિસાબ મંજુર કરવામાં આવ્યાં હતાં. આ ઠરાવમાં 27મી જાન્યુઆરી,2020ના રોજ ગાર્ડન ડેવલોપીંગ માટે 1.10 કરોડનું કામ કોન્ટ્રાક્ટર ટી.આર. પ્રજાપતીને આપવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન મહત્તમ સમય લોકડાઉનમાં હોવા છતાં કોન્ટ્રાક્ટરે ખર્ચ બતાવી કામ પૂર્ણ કર્યું છે. જેનો ફાયનલ બિલ પણ સભામાં મંજુર થયું હતું. તેવી જ રીતે ડમ્પીંગ સાઇટનો મુદ્દો પણ મહત્વનો રહ્યો હતો. લાંભવેલ સ્થિત ડમ્પીંગ સાઇટમાં 18મી ઓક્ટોબર,2021થી અજાણ્યા શખસે આગ લગાડી હતી. જે ચાર મહિનાની ફાયર બ્રિગેડને મહેનત છતાં કાબુમાં આવી નથી. અહીં સતત ધુમાડાયુક્ત વાતાવરણના કારણે આસપાસના લોકોના સ્વાસ્થ્ય માટે પર પણ ખતરો ઉભો થયો છે. આગ બુઝાવવામાં નિષ્ફળ પાલિકા હવે ધુળ નાંખવા માટે રૂ.5 લાખનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અન્ય વિકાસ કામો વિપક્ષોના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર કરવામાં આવ્યાં હતાં.
રોજમદારોને કાયમી કરવા અપક્ષ સભ્યની માગણી
આણંદ પાલિકાના અપક્ષ કાઉન્સીલર મહેશ વસાવાએ રજુઆતમાં જણાવ્યું હતું કે, નગરપાલિકામાં ફરજ બજાવતા ફાયર સંવર્ગની જગ્યાઓ ઉપર અગાઉ કામ કરતાં ફાયર વિભાગના કર્મચારીઓને જ સમાવેશ કરવાના પરિપત્ર મુજબ જ આણંદમાં પણ પાલિકામાં ફરજ બજાવતાં રોજમદાર સફાઇ કામદારો, રોજમદાર પટાવાળાઓ, રોજમદાર એપ્રેન્ટીસ, રોજમદાર કોમ્પ્યુટર ઓપરેટર અને રોજમદાર ડ્રાઇવર તથા અન્ય તમામ રોજમદાર કર્મચારીઓને પરિપત્ર મુજબ જ આણંદ નગરપાલિકા ઠરાવ કરી સામાન્ય ભરતીને બહાલી આપી ઉપરોક્ત તમામ ખાતાના કર્મચારીઓનો સરકારના પરિપત્ર મુજબ સામાન્ય ભરતીને બહાલી આપી તમામ રોજમદાર કર્મચારીઓને તેઓની જગ્યામાં સીધે સીધા સમાવી લેવા અમારી માંગણી છે.
તમામ એજન્ડાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો
આણંદ પાલિકાના વિપક્ષ નેતા સલીમશા કાલુશા દિવાનએ લેખિતમાં જણાવ્યું હતું કે, આણંદ પાલિકાની 31મી જાન્યુઆરીના રોજ આણંદ પાલિકાની ખાસ સામાન્ય સભામાં રજુ થનારા કામોના એજન્ડાનો સખત વિરોધ કરીએ છીએ. આ વિરોધમાં નિશાબહેન ચિરાગકુમાર પરમાર, રેશ્માબહેન બિરજુભાઈ વહોરા, ડો. પલક વસંતકુમાર વર્મા, ડો. જાવેદ સત્તારભાઈ વ્હોરા, ઇકબાલહુસેન યુસુફમીયાં મલેક વિગેરે જોડાયાં હતાં.
આઠ વર્ષથી ચાલી રહેલા ભુગર્ભ ગટરના કામમાં અનેક ક્ષતિઓ બહાર આવી
આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં ભુગર્ભ ગટર લાઇન, પમ્પીંગ સ્ટેશનની કામગીરીમાં ભારોભાર છબરડાં જોવા મળી રહ્યાં છે. સામાન્ય સભાના ઠરાવ નં.60માં જણાવ્યું હતું કે, અમૃત યોજના અંતર્ગત ત્રણ નવિન એસટીપી તથા બાકી રહેલા ભુગર્ભ ગટર લાઇન તેમજ રાઇઝીંગ લાઇનની કામગીરી જીયુડીસી હેઠળ કામગીરી કરવામાં આવેલી હોવાથી. આ કામગીરીમાં થયેલી ક્ષતિઓને સુધારવા કરવા ઉપરાંત આ કામગીરી દરમિયાન બાકી રહી ગયેલા ટીપી 10, 9, 4, પરીખ ભુવન, રાજોડપુરા, ટીપી 8 પાસે વિદ્યા ડેરી રોડ, જીટોડીયા રોડ, બાકરોલ ઝો-01 અને 2, સ્વામિનારાયણ મંદિર પાછળનો વિસ્તાર, એગ્રીકલ્ચર યુનિવર્સિટી વિસ્તાર, એનડીડીબી તથા ઇરમા વિસ્તાર તેમજ લોટીયા ભાગોળ તથા રાજશ્રી ટોકીઝ વિસ્તારમાં ખૂટતી કડીના કામો વિગેરે વિસ્તારોમાં ગટર લાઇનની કામગીરી કરવા અતિઆવશ્યક હોય જેથી જુની યોજનાની ત્રુટી તથા નવી યોજનાને સંપૂર્ણ રીતે કાર્ય કરવા માટે ચર્ચા કરી અનુભવી કન્સલટન્ટ રોકી કામગીરી કરવામાં આવશે. જોકે, પ્રજા લાંબા સમયથી જે હાલાકી ભોગવી રહી છે. તે બાબતે પાલિકાના શાસકો પાસે કોઇ જવાબ નથી.