નડિયાદ: હિન્દુવીર ગૌરક્ષક કિશનભાઈ શીવાભાઈ ભરવાડની હત્યા કેસમાં ઝડપી ન્યાયિક તપાસ કરી હત્યારાઓનો કડકમાં કડક સજા કરવાની માંગ સાથે ઠાસરા તાલુકાના ૧૦ હિન્દુ સંગઠનોએ એકત્રિત થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતું. આ પ્રસંગે ડાકોર, ઠાસરા તેમજ આસપાસના ગામોમાંથી હિન્દુ સંગઠનો સાથે જોડાયેલાં ૨૫૦ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને કિશન ભરવાડ અમર રહો….હત્યારાઓને ફાંસી આપો ના નારા લગાવ્યાં હતાં. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં રહેતાં હિન્દુવીર ગૌરક્ષક કિશન ભરવાડની હત્યાના બનાવને પગલે રાજ્યભરના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે ઠાસરા તાલુકાના હિન્દુ સંગઠનોમાં પણ ભારે રોષ ફેલાયો છે. રોષે ભરાયેલાં ઠાસરા તાલુકાના વિવિધ ૧૦ હિન્દુ સંગઠનો જેવા કે, ઠાસરા તાલુકા હિન્દુ સમાજ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, માલધારી સમાજ, રાષ્ટ્રીય રાજપુત કરણી સેના, ક્ષત્રિય સેના, ઠાકોર સેના, વ્યાયામ અખાડા પરિષદ ડાકોર, જન સેવા ટ્રસ્ટ અને બ્રહ્મ સમાજના ૨૫૦ કરતાં વધુ લોકો એકત્રિત થઈ કિશન ભરવાડને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
જે બાદ ડાકોરથી ઠાસરા સુધીની બાઈક રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં જ ધંધુકામાં વિધર્મીઓ દ્વારા હિન્દુવીર ગૌરક્ષક કિશન ભરવાડની હત્યા, તેમજ રાધનપુર, રાજકોટ જેવા શહેરોમાં હિન્દુ સમાજની દિકરીઓ તેમજ ભાઈઓ ઉપર જીવલેણ હુમલાઓ કરી વિધર્મીઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયત્નો થયાં છે. ત્યારે, આ ઘટનાઓને ગંભીરતાથી લઈ, ન્યાયીક તપાસ ઝડપી બનાવી, હુમલાખોર વિધર્મીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી છે. તદુપરાંત ઠાસરા તાલુકામાં પણ શાંતિ સલામતી જળવાઈ રહે તે હેતુસર વિધર્મીઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવે તેવી અપીલ કરી હતી.