જળધારા
શિવલિંગ પર જલની અખંડ ધારા થાય છે તે અખંડ ચિંતન કે અખંડ શિવધ્યાનનું પ્રતીક છે. આ જલધારા દ્વારા એમ સૂચિત કરવામાં આવે છે કે જેમ આ જલધારા શિવ પર અખંડ સ્વરૂપે વહ્યા કરે છે તેમ શિવતત્ત્વનું અખંડ અનુસંધાન (ધ્યાન કે ચિંતન) રહેવું જોઈએ. આ અખંડ અનુસંધાન દ્વારા શિવતત્ત્વને પામી શકાશે.
શિવલિંગ અને થાળું
શિવલિંગ પુરુષ (આત્મતત્ત્વ) અને થાળું પ્રકૃતિનું પ્રતીક છે. જેમ થાળામાં શિવલિંગ પ્રતિષ્ઠિત થયા છે તેમ પુરુષતત્ત્વ પ્રકૃતિમાં પ્રતિષ્ઠિત થાય ત્યારે તે તાદાત્મ્ય બંધનનું કારણ બને છે પરંતુ થાળામાં પ્રતિષ્ઠિત થયું હોવા છતાં શિવલિંગ થાળાની બહાર રહે છે, તેમ પુરુષતત્ત્વ પ્રકૃતિથી નિઃસંગ રહી શકે તો તે શિવની જેમ મુક્ત જ છે.
નાગ
નાગ કુંડલિની શક્તિનું પ્રતીક છે. યોગશાસ્ત્રમાં સર્વત્ર કુંડલિની શક્તિને નાગસ્વરૂપિણી ગણેલ છે. નાગનાં બે સ્વરૂપો છે : ગૂંચળું વળીને પડેલું સ્વરૂપ અને ફેણ ચડાવેલું-ઉત્થિત સ્વરૂપ. કુંડલિની શક્તિનાં પણ બે સ્વરૂપો છે : સુષુપ્તકુંડલિનીઅને ઉત્થિત કુંડલિની. શિવલિંગના થાળામાંગૂંચળું વાળીને પડેલા નાગ હોય છે તે સુષુપ્ત કુંડલિનીનું પ્રતીક છે અને શિવલિંગની ચારે બાજુ તથા ઉપર ફેણ ચડાવેલ નાગ હોય છે ને ઉત્થિત કુંડલિની શક્તિનું પ્રતીક છે.
સુષુપ્ત કુંડલિની જાગૃત થઈને મુલાધારમાંથી સહસ્રાર સુધી પછી પહોંચે છે અને ત્યાં શિવશક્તિનું મિલન થાય છે ત્યારે સાધક સમાધિ અવસ્થામાં પ્રવેશે છે – આવો યોગનો સિધ્ધાંત શિવલિંગ સાથે નાગના પ્રતીક દ્વારા સૂચિત કરવામાં આવે છે. સુષુપ્ત નાગ શિવલિંગની નીચે છે અર્થાત્ સુષુપ્ત કુંડલિની મૂલાધારમાં છે અને જાગ્રત નાગ શિવલિંગની ઉપર છે અર્થાત્ જાગ્રત કુંડલિની સહસ્રારમાં પહોંચે છે.
શિવલિંગનું રહસ્ય
આપણા દેશમાં શિવ-ઉપાસના સર્વવ્યાપક છે. દક્ષિણમાં રામેશ્વરથી ઉત્તરમાં કેદારનાથ સુધી સૌ શિવને ઉપાસે છે, શિવને વંદે છે. આમ છતાં આપણા દેશમાં કેટલીક પરંપરાઓ એવી છે જે વિશેષતઃ શિવ-ઉપાસક પરંપરાઓ કહેવાય છે, અર્થાત્ શૈવ પરંપરા ગણાય છે. આ શૈવ પરંપરામાં અદ્વૈતવેદાંતને વરેલા શાંકરમતાનુયાયી દશનામીઓ, નાથસંપ્રદાય, કાશ્મીર શૈવ સંપ્રદાય, લિંગાયત સંપ્રદાય અને પાશુપત શૈવ સંપ્રદાય મુખ્ય છે. આ બધી પરંપરામાં નિર્ગુણ નિરાકાર બ્રહ્મને સર્વોચ્ચ તત્ત્વ ગણવામાં આવે છે અને શિવતત્ત્વને નિર્ગુણ-નિરાકાર ગણીને તેની ઉપાસના કરવામાં આવે છે. શિવ એટલે સર્વોચ્ચ નિર્ગુણ-નિરાકાર બ્રહ્મતત્ત્વ.
ઉપાસના કરવા માટે કોઈક આધાર જોઈએ, કોઈક પ્રતીક જોઈએ. નિર્ગુણ નિરાકાર બ્રહ્મતત્ત્વની ઉપાસના થાય કેવી રીતે ? આ નિર્ગુણ-નિરાકાર બ્રહ્મતત્ત્વનું પ્રતીક તે જ શિવલિંગ. શિવલિંગનો આકાર જ એવો છે કે તેના દ્વારા નિરાકાર સૂચિત થાય છે. વિષ્ણુ, રામ, કૃષ્ણ, જગદંબા આદિની મૂર્તિઓ માનવ-આકૃતિ-સદૃશ હોય છે. તેમને માનવની જેમ જ અંગ-ઉપાંગો હોય છે, પરંતુ શિવલિંગનો આકાર જ વિશિષ્ટ છે. શિવલિંગને આકાર છે, છતાં આકૃતિ નથી. શિવલિંગના આકાર દ્વારા એમ સૂચિત થાય છે કે આ પ્રતીક મૂલતઃ નિરાકારનું પ્રતીક છે. ઉપાસના માટે કોઈક આધાર જોઈએ જ. કોઈક બહિરંગ સ્વરૂપ જોઈએ જ. નિર્ગુણ-નિરાકાર બ્રહ્મ તત્ત્વની ઉપાસના કરવી હોય તો? નિર્ગુણ-નિરાકારનું પ્રતીક એવું હોવું જોઈએ, જેનો કોઈક આકાર તો હોય પણ તે આકાર દ્વારા નિરાકાર સૂચિત થાય ! તે આકાર તે જ શિવલિંગ. આમ શિવલિંગ નિર્ગુણ-નિરાકાર બ્રહ્મતત્ત્વનું પ્રતીક છે. શિવ એટલે પરબ્રહ્મ અને લિંગ એટલે ચિહ્ન, તેથી શિવલિંગ એટલે પરબ્રહ્મનું ચિહ્ન અર્થાત્ પ્રતીક.
શિવલિંગ અનંત બ્રહ્મનું પ્રતીક છે તેમ સૂચવતી એક કથા પણ છે. એક વાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો : કોણ ચડિયાતું ? વિવાદ દ્વારા કોઈ નિવેડો આવ્યો નહીં, કોણ ચડિયાતું તે નક્કી થઈ શક્યું નહીં. તે વખતે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે એક તેજોમય નળાકાર પ્રગટ થયો. આ તેજબિંબ શું છે તે બ્રહ્મા અને વિષ્ણુ સમજી શક્યા નહીં. બંનેએ સાથે મળીને તેનું સ્વરૂપ સમજવાનો, તેનો તાગ લેવાનું નક્કી કર્યું. બ્રહ્મા હંસનું રૂપ ધારણ કરીને વાયુવેગે તે તેજબિંબની ઉપર ગયા અને વિષ્ણુ વરાહનું રૂપ ધારણ કરીને વાયુવેગે તે તેજબિંબની નીચે ગયા. એક હજાર વર્ષ સુધી બહ્માજી ઉપર અને વિષ્ણુ ભગવાન નીચે ગતિ કરતા રહ્યા, છતાં તે તેજબિંબનો અંત લઈ શક્યા નહીં. આખરે થાકીને બંને પાછા ફર્યા.
બંનેએ તે તેજબિંબની સ્તુતિ કરી અને બંનેએ તે તેજબિંબને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાના પ્રતિભાવરૂપે તે તેજબિંબમાંથી શિવ પ્રગટ થયા અને બ્રહ્મા તથા વિષ્ણુને પોતાના અનંત સ્વરૂપનું જ્ઞાન આપ્યું. (શિવમહિમ્નસ્તોત્ર’ : ૧૦). આ તેજોમય નળાકાર તે જ શિવલિંગ. આ કથા દ્વારા પણ એમ સ્પષ્ટ રીતે સૂચિત થાય છે કે શિવલિંગ અનંત નિર્ગુણનિરાકાર બ્રહ્મતત્ત્વનું પ્રતીક છે. શિવમંદિરની રચના અને શિવલિંગની પ્રતિષ્ઠા વિશે પ્રાચીન પરંપરા એવી છે કે શિવલિંગને મંદિરના દ્વારમાંથી ગર્ભગૃહમાં લઈ જવાય નહીં પરંતુ શિખર પરથી નીચે ઉતારવામાં આવે છે. શિવતત્ત્વ તો અનંત છે, તેને બારણામાંથી અંદર કેવી રીતે લઈ શકાય ? દ્વાર સીમિત છે અને શિવતત્ત્વ અનંત છે. સીમિત દ્વારમાંથી અનંત શિવ કેવી રીતે અંદર પ્રવેશે ? તેથી શિવતત્ત્વ ઉપર આકાશમાંથી અવતરે છે તેમ સૂચિત કરવા માટે શિવલિંગને શિવમંદિરના બારણામાંથી અંદર લેવાને બદલે શિખરમાંથી નીચે ઉતારવામાં આવે છે.
શિવમંદિરનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રહે છે. શિવદર્શન તથા શિવપૂજા માટે સમયની કોઈ મર્યાદા નથી. આમ શા માટે ? વિષ્ણુ, જગદંબા, રામ, કૃષ્ણ આદિનાં મંદિરોમાં દર્શન-પૂજન માટે સમયની મર્યાદા હોય છે. શિવમંદિરનાં દ્વાર સૌના માટે સર્વ સમયે ખુલ્લાં રહે છે. આમ હોવાનું કારણ શું છે ? આ વ્યવસ્થા દ્વારા એમ સૂચિત કરવામાં આવે છે કે શિવતત્ત્વ કાલાતીત છે. જે કાલાતીત છે તેના મંદિરને કાળની મર્યાદા કેવી રીતે હોઈ શકે ? – આમ અનેક દૃષ્ટિકોણથી તપાસતાં સ્પષ્ટ થાય છે કે શિવલિંગ પરબ્રહ્મનું પ્રતીક છે.