આળસની પરિભાષા સૌને સુવિદિત જ છે. પોતાના કે પોતાને સોંપાયેલાં કાર્યો પ્રત્યે ઉદાસીનતા રાખવી, બેદરકારી રાખવી, તેને યોગ્ય સ્વરૂપમાં ન કરવા અને તેનાથી મુક્ત થવાની યુક્તિઓ -પ્રયુક્તિઓ કરવી તે આળસનું સ્વરૂપ છે. આળસના વિભિન્ન સ્વરૂપો છે. પરંતુ તેનો સાર એટલો કે , પોતાના કર્તવ્ય પ્રત્યે સેવાતી શિથિલતા કે નબળાઈ. માણસની ભાગેડુ વૃત્તિ પણ તેમાં આવી શકે. આળસની ભોગના સૌએ ભોગવી છે. આળસ એ છઠ્ઠો વિકાર છે. આળસ એ જીવતા માણસની કબર છે. ‘અલસસ્ય કુતો વિદ્યા’ અર્થાત્ આળસુમાં વિદ્યા ક્યાંથી હોય ? આળસએ માનવ ઉત્કર્ષના પથમાં અવરોધરૂપ મહાન શત્રુ છે. આપણે સસલા અને કાચબાની વાર્તા સાંભળી છે. આળસને કારણે સસલામાં શક્તિ હોવા છતાં તેનો પરાજય થયો. તેને શરમાઈને ત્યાંથી ભાગી જવું પડ્યું.
આવી ઘટનાઓ ઘણાના જીવનમાં બને છે. પોતાનામાં યોગ્યતા હોય, કાર્ય કરવાની”ક્ષમતા હોય, સંજોગો અનુકૂળ હોય અને સૌનો સાથ હોય છતાં એક માત્ર આળસને કારણે જ માનવ મહાનતાથી વિમુખ બને છે. આના મૂળમાં આળસ યા પ્રમાદ નિમિત્ત છે. સામાજીક કે આધ્યાત્મિક જીવનમાં આળસથી થયેલા નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ બને છે. સાધના પથના યાત્રિક માટે નિરંતર અતીન્દ્રિય સુખના ઝૂલામાં ઝૂલવું સ્વાભાવિક બની જાય છે. પણ ઈશ્વરીય ખજાનાની પ્રાપ્તિમાં જ્યારે કોઈને આળસ આવે છે ત્યારે ઉલ્લાસ ચાલ્યો જાય છે. ઉધઈની જેમ યોગીનું ધોવાણ થાય છે. આળસથી તે શ્રેષ્ઠ કર્મથી વંચિત રહી જાય છે. આળસનો પ્રભાવ વધે છે ત્યારે યોગીમાંથી કે માનવમાંથી આત્મવિશ્વાસ, દૃઢતા, તીવ્ર પુરુષાર્થની ભાવના વગેરે લુપ્ત થાય છે. તેથી પુરુષાર્થમાં આગળ ધપવામાં વિદનનો અનુભવ થાય છે. આળસ એ માનવના સુંદર ચહેરા ઉપર થયેલા ખીલ જેવી છે. જે તેના વ્યક્તિત્વને છિન્ન ભિન્ન કરી નાખે છે. કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે, “સારું વિચારીશું’. ‘આ કામ કરીશું. કરી દઈશું’. આ આળસની નિશાની છે. ‘સારું, કાલથી કરીશું’. ‘પેલા કરશે. તો અમે કરીશું’. ‘આજે વિચારીએ છીએ, કાલે કરીશું’. ‘આ કાર્ય પૂરું કરીશું પછી આ કરીશું’. આવા સંકલ્પો એ પણ આળસનાં જ રૂપો છે.
– જ્યારે આળસ આવે છે ત્યારે પુરુષાર્થમાં થાકનો અનુભવ થાય છે. તે અનેક બહાનાઓની ઢાલ લઈને ઉપસ્થિત થાય છે. પરિણામે તેની પુરુષાર્થની ગતિ સાધારણ થાય છે. તેના પથમાં વિદન ન હોય છતાં પણ કાર્ય પ્રત્યેની લગનમાં ઓટ આવે છે. આમ શ્રેષ્ઠ કાર્યથી વંચિત થવું તે પણ આળસની નિશાની છે. આળસને કારણે ઉમંગ, ઉલ્લાસ, તરવરાટ ચાલ્યા જાય છે, આ બધુ સાધનાપથના પથિકો માટે અણુ વિસ્ફોટથી પણ ખતરનાક છે. આળસુ માણસ બીજાઓની વિશેષતાઓ ન જોતાં નબળાઈઓ જોઈને પોતે માણસે શાંત ચિત્તે તટસ્થ ભાવે પોતાનું અવલોકન, નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવું જોઈએ. આળસથી થતા ગેરફાયદાઓ બુદ્ધિરૂપી નયનો સામે લાવવા જોઈએ. તેથી સજાગ બનવું જોઈએ. આળસના પરિણામોનો વિચાર કરીને આળસ ત્યજવી જોઈએ. આ સૃષ્ટિનાટકમાં માનવનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેણે સમયને, તકને વ્યર્થ જવા દેવા ન જોઈએ. ‘અબ નહીં તો કબ નહીં. જે આજે કરી શકતો નથી તે ક્યારેય કરી શકતો નથી. આજનું કામ કદીયે કાલ ઉપર ન ઠેલવું જોઈએ.
માનવે વિવિધ કલા, વિદ્યા, હુન્નર ઉદ્યોગ, વ્યવસાય, રસ રુચિના ક્ષેત્રે મહત્ત્વનું સ્થાન મેળવવું હોય તો આળસને તિલાંજલિ આપવી જ જોઈએ. વિશ્વનો ઈતિહાસ જુઓ. જીવનના કોઈપણ ક્ષેત્રે મહાન બનનાર વ્યક્તિએ આળસનો, શત્રુ સમજીને ત્યાગ કરેલો છે. સદા ઉલ્લાસમાં રહેવાથી આળસને દૂર કરી શકાય છે. પ્રકૃતિ એ આધાર છે. પુરુષ (આત્મા) એ પ્રકૃતિનો માલિક છે. શરીરને જે રીતે ઘડવું હોય તે રીતે ઘડી શકાય. ખાનપાન, આહારવિહાર, નિદ્રા, વ્યસનો વગેરેમાં આમૂલ પરિવર્તન લાવવું એ માણસના હાથની વાત છે. માટે દૃઢ મનોબળ કેળવી આળસનો ત્યાગ કરી ભિન્ન ભિન્ન પ્રકારના બહાના કાઢવાની વૃત્તિમાંથી બહાર આવવું જોઈએ.
એક આળસપ્રેમી વિદ્યાર્થી હતો, અભ્યાસ કરતો પણ એવો જ… એક રાતે પથારીમાં આરામ ફરમાવતો હતો સામે દિવાલ પર ઘડીયાળ ‘ટીક ટીક ટીક’ તાલબદ્ધ અવાજ કરતી હતી. વિદ્યાર્થીએ તાલબદ્ધ અવાજની સાથે મનમાં સંકલ્પો – વિચારો કરવા માંડ્યો. પ્રત્યેક ટીક ટીક એને સંદેશ આપતો હોય એવું સાંભળવા લાગ્યો. ‘જે ‘ટીક ટીક” વાગી ચૂકી છે તે ભૂતકાળ છે જે પાછો આવનારો નથી. સંભળાતી ‘ટીક ટીક’ વર્તમાન સમય છે. અને હવે પછી વાગવાવાળી ‘ટીક ટીક’ ભવિષ્યકાળ છે. ભૂતકાળને વાગોળવાનો સો અર્થ ? અને ભવિષ્યની પ્રતિક્ષા શા માટે ? ઉઠો, જાગો, આળસ ખંખેરી નાંખો અને પકડી લો વર્તમાનને મુઠ્ઠીમાં અને મેહનત કરવા માંડો તકદીર તારા પગ નીચે હશે અને ઉન્નતિ તારા ગળાનો હાર બની રહેશે. આ વાત સમજી લે.” મિત્રો, ચાલો આપણે પણ વર્તમાનને મુઠ્ઠીમાં પકડી લઈએ. ધ્યેય સિદ્ધ કરવા આળસને જાકારો આપીએ. ઓમ શાંતિ…