જેઓ પાસે લખલૂટ પૈસો છે તે લોકોએ હૃદયથી માનવું જોઇએ કે આ પૈસાનો હું માલિક નથી મને તો ઇશ્વરે નિમિત્ત બનાવ્યો છે કે આનો માલિક હું છું એમ લોકો સમજે છે. આ પૈસામાં બીજાનો પણ ભાગ છે જ. તેથી જયાં જયાં હાથ લંબાવવા જેવો લાગે ત્યાં દાન માટે હાથ લાંબો કરતા રહેવું. જેઓ નિર્ધન છે તેઓ પણ મારા પૈસાના ભાગીદાર છે. આપણે સારી વિચારણાનો ઉપયોગ કરીએ છીએ કે જમણા હાથે જો દાન કરે તો તેની જાણ ડાબા હાથને પણ થવી ન જોઇએ. ગરીબ લોકો તો મારા પૈસાના ભાગીદાર છે એવો ભાવ મનમાં રાખી દાન થવું જોઇએ. આ ભાવથી દાન આપનારના મનમાં અભિમાન આવતું નથી.
દાન કરવાથી ઘરમાં રહેલો પૈસો લક્ષ્મીમાં પરિવર્તિત થાય છે. પૈસો સુખ નથી આપતો પરંતુ લક્ષ્મી સુખ આપે છે. તેથી પૈસાને લક્ષ્મીમાં પરિવર્તિત કરવાનો માર્ગ છે દાન. મારા ઘરે રહેલા પૈસાનો હું માલિક છું એવો અભિમાન ભાવ નિરર્થક છે. મારે ઘરે રહેલા પૈસાના માલિક તો ઇશ્વર છે. હું તો માત્ર તેનો રખેવાળ છું. સમાજમાં કેટલાય લોકો પાસે ખૂબ પૈસા છે તો તેઓ વિવિધ રીતે દુ:ખી હોય છે. તેનું કારણ એ જ છે કે, આ પૈસામાંથી હું વધુ ને વધુ પૈસો કઇ રીતે મેળવી શકું તેવી વિચારધારાથી તેઓ જીવતા હોય છે તેથી પૈસો કયે માર્ગે વધે તેવા જ માર્ગો પર તેઓનું જીવન ચાલતું રહે છે. આવા લોકો ખૂબ પૈસો હોવા છતાં સુખથી દૂર જ રહેતા હોય છે. તેથી સમજી લેવાની જરૂર છે કે સુખ અને પૈસાને સીધો સંબંધ નથી.
મારા દાનથી ગરીબ લોકો સુખી થશે એવો વિચાર પણ તામસિક વિચાર જ છે. ઇશ્વરે મને જે આપ્યું છે તેમાંથી કોઇ પણ જાતના ઉપકાર કરવાના વિચારો કર્યા વગર જેઓ દાન કરે છે તેનું દાન જ ઇશ્વરને માન્ય દાન છે. જેઓ પાસે ખાવાને અન્ન નથી, માંદગી હોવા છતાં દવા નથી કે નાનકડું પણ ઘર નથી તેવો મોટો વર્ગ આપની આજુબાજુ જીવતો હોય છે. આવા લોકો માટે અન્ન, દવા કે નિવાસની વ્યવસ્થા જો આપણા પૈસાથી થતી હોય તો લાંબો વિચાર કર્યા વિના કરતા રહેવું. આ વિચારથી જ આપણા ઘરનો પૈસો લક્ષ્મી બનશે અને લક્ષ્મીથી સુખ મળે છે. પૈસાથી કોઇને સુખ મળતું નથી. આવા વિચારોથી અપાતું દાન સુખમાં વધારો કરે છે. જેઓ આવા વિચારોથી પૈસાનો ઉપયોગ કરે છે તેઓના મનમાં ‘આપું છું’ નું અભિમાન આવતું નથી. સ્વ. ઇશ્વરચંદ્ર ભટ્ટના કાવ્યની પંકિત છે કે,
પૃથ્વી પાટે જનમ લઇને, ઋણી સૌનો આ મેળામાં
કોઇનાં આંસુ સ્હેજ લૂછીને મારું હાસ્ય ચીતરતો જાઉં
ચાલ, સામે જઇને મળતો જાઉં
હેતની વાતો કરતો જાઉં.