પદ અને પ્રતિષ્ઠા કોને ન ગમે? સૌને ગમે. મોટાભાઈ થવાનું હોય તો તૈયાર પણ જવાબદારી વિના. આજના માણસને વિશેષ પદ જોઈએ છે. મોટાઈને કારણે જરૂરી સ્ટેટ્સ મળવું જોઈએ. સરળતા સાથે કશો સંબંધ નથી. પોતાની પ્રતિષ્ઠાનું મૂલ્ય છે એમ વિચારી સામાન્ય પ્રસંગોમાં હાજરી આપવી તે ગમતું નથી એટલે ત્યાં જવાનો પ્રશ્ન જ નથી. વિશાળ કાર્યક્રમની પત્રિકામાં નામ તો હોવું જ જોઈએ. પ્રમુખ અથવા અતિથિ વિશેષ તરીકે હોય તો હાજરી આપવાની નહિતર ગેરહાજર રહેવાનું. ટૂંકમાં હુંપદની માન્યતામાંથી બહાર આવવું નથી. જુદાં-જુદાં મ્હોરાં પહેરીને જીવવાનું ગમે છે. આવી વ્યક્તિ જિંદગીને સુખથી માણી શક્તી નથી કારણ કે, સામાન્ય માણસની જેમ ભળી જતાં આવડતું નથી.તહેવારની ઉજવણીમાં કે લગ્ન પ્રસંગે નાચતાં ટોળામાં ભળી જવાનો આનંદ માણવા જેવો છે. ગીતો ગાવાનું કોને ન ગમે? સૌનો પોતીકો અવાજ-રાગ હોય છે. હવે તો તમામ પ્રસંગે ગરબા રમવાની રસમ છે. સમૂહમાં ગરબા રમવાથી આનંદ મળે છે. અરે, રંગોથી રમવું એ પણ ખુશી આપે છે. સૌની સાથે બેસી અલકમકની વાતો કરી આંનદ મેળવી શકીએ તો સુખ મળે છે. સાચું સુખ મેળવવા માટે હુંપદ છોડવું પડે. પ્રતિષ્ઠા, વિશેષના સ્ટેટ્સને બાજુમાં રાખી સમાન્યમાં ભળી જઈ જિંદગીના સાચા સુખની અનુભૂતિઓ કરી શકાય છે.
સુરત – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.