વારસા પર દીકરીનો હક પ્રગતિશીલ કાયદાઓ માત્ર કાગળ પર ન રહી જાય તેની જવાબદારી સમાજે નિભાવવી રહી

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે એક બહુ જ મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો. આ ચુકાદા અનુસાર પિતાની મિલકતમાં દીકરીનો પણ દીકરા જેટલો જ અધિકાર રહેશે. આ કાયદા અનુસાર અમુક જૂની વિચારધારાઓ અને નિયમોને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધાં. મદ્રાસ હાઇકોર્ટના એક ચુકાદા વિરુદ્ધ એક અપીલ દાખલ કરાયેલી હતી જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપ્યો કે વસિયત વગર મૃત્યુ પામેલા હિન્દુ પુરુષની સ્વ-ઉપાર્જીત તથા અન્ય સંપત્તિ પર દીકરીનો અધિકાર રહેશે.  આ ચુકાદા સાથે મિલકતના વારસામાં દીકરીને અગ્રતા મળશે. આ કાયદાની આંટીઘૂંટી વખત આવ્યે સમજી શકાશે પણ સપાટી પરથી સમજીએ તો દીકરીઓને જે સમાજમાં પારકી ગણાય છે તે હવે પોતાનો હક માંગી શકશે અને તેમાં કાયદો તેમની પડખે રહશે.

ગમે કે ન ગમે પણ વાસ્તવિકતા એ છે કે આપણી પિતૃસત્તાક સમાજવ્યવસ્થામાં સ્ત્રીઓને તેમનો અધિકાર આપવાને મામલે સમાજમાં સારો એવો ખચકાટ છે. કુટુંબના પુરુષ સભ્યો કોઇને પૂછ્યા-ગાછ્યા વગર મિલકત પર પોતાનો અબાધિત અધિકાર ‘ગ્રાન્ટેડ’ ગણી લે છે. તેમને કોઇ કહે કે ન કહે તેઓ માને છે કે વારસામાં મળેલી સંપત્તિની ચોકીદારી કરવાની જવાબદારી તેઓ ઉપાડી જ લેતા હોય છે. મિલકતને આપણા દેશમાં ધનનો પ્રાથમિક સ્રોત માનવામાં આવે છે અને તે સાહજિક રીતે જ પુરુષ વારસદારોને જાય એવું માની લેવાયેલું છે. આ કારણે સ્ત્રીઓ જેમને લગ્ન પછી કોઇ સમસ્યા હોય, આર્થિક રીતે સદ્ધર થવું હોય પણ એ માટે જે મૂળભૂત આર્થિક ટેકો જોઇએ એ ન હોય અથવા તો પછી પોતાના શિક્ષણ કે નાનકડા વ્યવસાય માટે પણ નાણાંની જરૂર હોય તો તે ક્યાંથી મેળવવા કે કોની પાસેથી માગવા તેની કોઇ સ્પષ્ટતા નથી હોતી.

તાજેતરમાં જ બહાર પડેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે – 5 અનુસાર 43% સ્ત્રીઓએ કબૂલ્યું હતું કે તેઓ કોઇ જમીન કે મિલકતના કાં તો સહિયારા અથવા તો એકાકી માલિક છે. આપણા સમાજમાં જે સ્થિતિ છે તે જોતાં આ આંકડો સાંભળીને સારું લાગે પણ આ આખી બાબતની ‘સબ-ટેક્સ્ટ’ જોવી પડે કારણ કે મિલકત સ્ત્રીને નામે હોય એટલે તે એ મિલકતનો ધારે ત્યારે ઉપયોગ કરી શકે અથવા તો તેના ઉપયોગ પર તેનો પૂરેપૂરો કાબૂ હોય તેવું કેટલી હદે છે તેનો સરવે થાય તો આ આંકડો જુદો હોઇ શકે છે.  અન્ય એક રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પરિવારો પાસે પોતાની જમીનો છે ત્યાં માંડ 16 % સ્ત્રીઓ પાસે જ જમીનની માલિકી હતી. 

વળી ખેતીની જમીન પરની માલિકીને મામલે વ્યક્તિગત કાયદા અને રાજ્યના કાયદામાં વિરોધાભાસી વાત છે અને માટે જ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ કે દિલ્હી જેવા વિસ્તારોમાં વારસાને મામલે જે જોગવાઈઓ છે તે ઘણી પછાત છે.  હિંદુ સક્સેશન એક્ટ 1956 દ્વારા સ્ત્રીઓને જે અધિકારો અપાયા હતા તેને બદલવાની માથાકૂટ હરિયાણામાં થઇ ચૂકી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં 2016થી પરણેલી દીકરીઓને પ્રાથમિક રીતે વારસદારમાં ગણવામાં જ નથી આવતી. આ જ બાબત એની સાબિતી છે કે આપણે ત્યાં પિતૃસત્તાક સમાજને પ્રગતિશીલ કાયદાઓ પચતા નથી. શહેરોમાં જે બાબતો સપાટી પર નથી ગણાતી તેવી દહેજની વાતને પણ મિલકતને મામલે પરિવારો ગણતરીમાં લેતા ખચકાતા નથી. પુરુષ સભ્યો એવી દલીલ કરી જ શકે છે કે દહેજ મળ્યું હોય તો દીકરીએ પિતાની મિલકત પર કોઇ હક ન જતાવવો જોઇએ. 

વળી સુપ્રીમ કોર્ટે હમણાં જે ચુકાદો આપ્યો છે તે આ હિંદુ સક્સેશન એક્ટના 1956 હેઠળ જે મહિલાઓને પિતૃક સંપત્તિમાં ભાગ નથી મળ્યો તેમને પણ દાવો માંડવાની છૂટ આપે છે.  આ ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે જૂના પારંપારિક હિંદુ કાયદા અને આ પહેલાં અપાયેલા ન્યાયિક ચુકાદાઓનાં ઉદાહરણ ટાંકીને સિદ્ધ કર્યું કે હિંદુ સક્સેશન એક્ટ પહેલાં પણ પત્નીઓ અને દીકરીઓને પિતા/પુરુષની સ્વ-ઉપાર્જિત મિલકત પર દીકરાઓને હોય એટલા જ હક હતા. સુપ્રીમ કોર્ટે યાજ્ઞવાલક્ય સ્મૃતિ જે એક ધર્મશાસ્ત્ર પરંપરાનો ગ્રંથ છે તેનો ઉલ્લેખ કર્યો જેમાં વારસાની મિલકત પર મહિલાઓના હકનો ઉલ્લેખ છે. આ ગ્રંથમાં બે કાયદા એવા હતા જે અગત્યના હતા. એક હતો વિજ્ઞાનેશ્વરનો મિતાક્ષરા અ જીમૂતવાહનનો દાયભાગ – દાયભાગનો કાયદો બંગાળ અને આસામમાં ચાલતો જ્યારે દેશના બાકીનાં રાજ્યોમાં મિતાક્ષરાનો કાયદો લાગુ થતો. આ કાયદાઓમાં પુત્ર-પુત્રીને વારસો આપવાને મામલે અસમાનતા તો હતી જ પણ સમયાંતરે તેમાં ફેરફાર કરાયા હતા.

આ ફેરફાર અનુસાર વસિયત લખ્યા વિના ગુજરી ગયેલ પિતાના વારસોમાં દીકરાઓ ઉપરાંત દીકરી, માતા, વિધવા પત્ની વગેરેની ગણતરી થઇ. જો કે હજી આ કાયદામાં અમુક ક્ષતિ હતી જેમાં 2005માં ફેરફાર કરાયા અને મહિલાઓને પૈતૃક સંપત્તિમાં વ્યાપક અધિકારો મળ્યા અને 2020ની સાલમાં દીકરીઓના અધિકારોને વધુ વિસ્તારિત કરાયા. તાજેતરના ચુકાદાએ આ અધિકારોની સૂક્ષ્મ બાબતોને વધુ સ્પષ્ટ કરી જેથી પિતાની સંપત્તિ પર હકની વાત આવે ત્યારે દીકરીઓને હાંસિયામાં ન ધકેલી દેવાય. આ અગત્યની બાબત છે પણ આપણા દેશમાં જ્યાં જુનવાણી માનસિકતાનાં મૂળિયાં બહુ ઊંડાં છે ત્યાં આ ફેરફારો સમાજને કેટલા પચે છે તે વખત આવ્યે જ ખબર પડશે.  કમનસીબે ભારતમાં હિંસા, ક્રૂરતા અને શોષણના ખદબદતા માહોલ વચ્ચે મહિલાઓએ સમાનતા અને ન્યાય માટે પણ લડતા રહેવું પડે છે. વળી, જેમ ઉપર ચર્ચા કરી તેમ ખેતીની જમીન ધરાવતાં રાજ્યો સુપ્રીમ કોર્ટના આ કાયદાને વધાવી લેશે તે જરૂરી નથી કારણ કે રાજ્યના ન્યાયતંત્રમાં અલગ જોગવાઇઓ હોય છે. કાયદો પ્રગતિશીલ બને તેનાથી સમાજ પ્રગતિશીલ બની જશે એવું માનવાની કોઇ જરૂર નથી.

Most Popular

To Top