5-Gના સંકેતોનો માર જયારે નિર્દોષ વિમાનસેવા અને નિર્માણ કંપનીઓને વાગે છે…

હમણાં એર-ઇન્ડિયાએ અમેરિકા જતી કેટલીક ફલાઇટો મોકૂફ રાખવી પડી હતી. બીજા કેટલાક દેશોએ પણ અમેરિકા તરફની ફલાઇટો સસ્પેન્ડ કરવી પડી હતી કારણ એ કે અમેરિકામાં 5-G ટેલિફોન અને ડેટા નેટવર્ક શરૂ કરવામાં આવી રહ્યું છે. તેમાં એ ભીતિ સેવાઇ રહી છે કે 5-G ના રેડિયો સિગ્નલો જમીન સાથેના સંપર્ક માટેના રેડિયો સિગ્નલોમાં ખલેલ પાડશે અને તેથી વિમાન લેન્ડ થતું હશે ત્યારે તેને ખોટાં સિગ્નલો મળશે જેનાં પરિણામે અકસ્માત સર્જાઇ શકે છે. ખાસ કરીને જમીન પરથી વિમાનની ઊંચાઇ અને દૂરી (અંતર) માપવા માટે ઉપયોગમાં લેવાતાં અલ્ટીમિટરના સિગ્નલોમાં ખામી સર્જાઇ શકે છે. અલ્ટીમિટર ખોટું રીડિંગ દર્શાવે તો વિમાન બરાબર લેન્ડિંગ ન કરી શકે. કોઇ પણ ઝાડ, ટેકરી, ઇમારત સાથે ટકરાઇ શકે. અમેરિકાની સર્વિસ પ્રોવાઇડર મોબાઇલ કંપનીઓ એટી એન્ડ ટી, અને વેરાઇઝોને 5-G સેવા લોન્ચ કરી છે.

હવે ટેલિકોમ કંપનીઓ અને નાગરિક વિમાનો જે બેન્ડવીથ અર્થાત તરંગ લંબાઇનો ઉપયોગ કરે છે તેનાં સિગ્નલોની સાઇઝમાં ખાસ મોટો તફાવત નથી. પરિણામે ટેલિકોમનાં સિગ્નલ વિમાનના સિગ્નલમાં ખલેલ પાડે તેવી શકયતાનો ડર રહે છે અને ખાસ કરીને બોઇંગ કંપનીનાં અમુક પ્રકારનાં વિમાનો માટે ડર વધુ રહે છે. એક તો બોઇંગ થોડાં વરસથી કંપની માટે અભૂતપૂર્વ એવા સંકટમાં ફસાઇ છે. તેમાં આ અધિક માસ આવ્યો. ઉપરાંત કોરોના સંકટે જગતની વિમાનસેવા કંપનીઓને ખોટમાં મૂકી દીધી છે. છેલ્લા કવાર્ટરમાં અમેરિકાની  પ્રસિધ્ધ એરલાઇન સેવા કંપની અમેરિકન એરલાઇન્સે ૯૧ કરોડ ડોલરનું નુકસાન કર્યું છે. તો આ 5-G સેવા કંપનીઓ માટે પણ 5-Gનું લોન્ચ અધિક માસ બનીને આવ્યું છે. જેમ કે એર-ઇન્ડિયાએ અમેરિકા તરફની ફલાઇટો કેન્સલ કરવી પડી.

હાલના તત્કાળ ઉપાય તરીકે મોટાં આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય એરપોર્ટ નજીકના વિસ્તારમાં 5-G સેવાઓ શરૂ કરવામાં આવી હતી તેને અન્ય ઉપાય ન મળે ત્યાં સુધી ઠપ કરી દેવામાં આવી છે. અમેરિકાની ફેડરલ એવીએશન ઓથોરિટી (FAA), જે આ માટેની આધિકારિક વહીવટી સંસ્થા છે તેઓ બોઇંગ કંપની સાથે મળીને સમસ્યાનો નિવેડો લાવવા માંગે છે. આ ઉપરાંત જે વિમાનસેવા કંપનીઓ અમુક બોઇંગ વિમાનો ઉડાડે છે તેના સંપર્કમાં પણ છે. એ બોઇંગ વિમાનો લેન્ડિંગ સમયે અને ખાસ કરીને રનવે પર બરફ હોય કે પછી રનવે ભીનો હોય ત્યારે ખાસ વધારાની પ્રોસિજર અપનાવવામાં આવે તે માટે પણ તજવીજ થઇ રહી છે.

ફેડરલ એવીએશન ઓથોરિટીનું કહેવું છે કે બોઇંગ ૭૮૭ પ્રકારનાં વિમાન માટે ખાસ કાળજી લેવી પડે છે કારણ કે તે વિમાનનાં સિગ્નલોમાં 5-Gનાં સિગ્નલોને કારણે ખલેલ અથવા અડચણ પહોંચી શકે તેમ છે. વિમાનને લેન્ડ કરતી વેળા જે ધકકો લાગે તે ધકકાની અસર નાબૂદ કરવા માટે વિમાનમાં ‘થર્સ્ટ રિવર્સ નામની સિસ્ટમ હોય છે. વિમાન લેન્ડ કરે ત્યારે એ સિસ્ટગ ચાલુ કરાય છે. રેડીઓ સિગ્નલો પડે તેને ચાલુ કરાય છે. પરંતુ ટેલિકોમ કંપનીઓના વાયરલેસ નેટવર્કના સિગ્નલો વિમાનના સિગ્નલોને  ખલેલ પહોંચાડે તો બોઇંગ ૭૮૭ ની સિસ્ટમ કામ કરતી થાય તેમાં થોડું મોડું થાય. જો ગંજાવર બોઇંગ વિમાનો ધકકાને ખાળી ન શકે તો જમીન સાથે અફળાઇને કદાચ  તૂટી પડે. જો થર્સ્ટ રિવર્સ સિસ્ટમ શરૂ ન થાય તો વિમાનને ધીમું પાડવા માટે માત્ર વિમાનની બ્રેક સિસ્ટમનો સહારો બચે. અત્યંત મોટાં વિમાનો થર્સ્ટ રિવર્સ સિસ્ટમના અભાવમાં તૂટી ન પડે તો રનવે પરથી ફંગોળાઇ જવાની કે રનવે પરથી ઊતરીને દૂર થઇને અટકવાની શકયતા રહે છે. મતલબ કે થર્સ્ટ રિવર્સની ગેરહાજરીમાં વિમાનને રનવે પર ઊતરવા માટે ખૂબ જગ્યા, વધુ લાંબી વિમાનપટ્ટી વગેરેની જરૂર પડે.

પણ માત્ર એકલા બોઇંગ વિમાનમાં જ આ ખામી નથી. અન્ય કંપનીઓનાં અમુક બીજાં વિમાનોને પણ આ પ્રકારની લેન્ડિંગ પ્રોસીજરના દાયરામાં લેવામાં આવશે. બોઇંગ ઉપરાંત એરબસ બન્ને વિમાન – નિર્માણ કંપનીઓ પાસેથી એમનાં વિમાનો વિષેની વિગતો FAA દ્વારા માગવામાં અાવી છે. બોઇંગે જવાબ આપ્યો છે કે કંપનીને સિસ્ટમ્સ, સોફટવેર અને પાર્ટસ પૂરાં પાડતી સપ્લાયર કંપનીઓ પાસેથી વિગતો માગવામાં આવી છે – અને એ કંપનીઓ સાથે સંપર્કમાં રહીને સિસ્ટમો સુધારવામાં આવી રહી છે. અમેરિકામાં  5-G સિસ્ટમ વ્યાપકપણે શરૂ કરાય ત્યારે વિમાનો સરળતાથી, ખલેલ વગર કામ કરે તે માટેની સર્વગ્રાહ્ય પ્રોસિજરો વિકસાવવા માટે સરકાર, ટેલિકોમ અને વિમાન-નિર્માણ કંપનીઓ એક સાથે મળીને કામ કરતી થઇ છે.

વાસ્તવમાં ટેલિકોમ કંપનીઓએ ખૂબ ઝડપી વાયરલેસ  5-G સેવા શરૂ કરી તેના અગાઉ જ FAA દ્વારા સાવચેતીરૂપે વિમાનોની લેન્ડિંગ વગેરે પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં અને તેના ભાગરૂપે જ એર -ઇન્ડિયા વગેરેએ સર્વિસો બંધ રાખી હતી. કોઇ વિરોધ નોંધાવવા માટે બંધ કરી ન હતી કારણ કે અલ્ટીમિટરના કામકાજમાં  5-Gનાં સિગ્નલો કેવી કેવી રીતે અંતરાયરૂપ બની શકે તે બાબતમાં FAA દ્વારા હજી અભ્યાસ ચાલી રહ્યો છે. ખાસ કરીને અલ્ટીમિટરની કામગીરી બાબતમાં. જયારે હવામાન ધૂંધળું હોય, હવાઇપટ્ટી દૃષ્ટિગોચર થતી ન હોય અથવા બરાબર દૃષ્ટિગોચર થતી ન હોય ત્યારે લેન્ડિંગ કરવા માટે અલ્ટીમિટર દ્વારા મળતા ડેટા જ પાઇલટને મદદરૂપ બને છે. નવી  5-G સેવા દ્વારા જે સ્પેકટ્રમનો ઉપયોગ કરવામાં આવે છે તે C-બેન્ડ ( ABCનો C) તરીકે ઓળખાય છે. આગળ લખ્યું તેમ અલ્ટીમિટરનું ઉપકરણ જે રેડિયો સ્પેકટ્રમ વાપરે છે તેની અને C-બેન્ડના સ્પેકટ્રમ વચ્ચે ખાસ અંતર અથવા ગાળો નથી. જો કે આ બાબત પર  5-G ઓપરેટરો અને FAA વચ્ચે ઘણા વખતથી વિવાદ ચાલી રહ્યો છે.

ટેલિકોમ કંપનીઓ અને સરકારનું ‘ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન’, બન્ને દાવો કરે છે કે  5-G  નેટવર્કને કારણે વિમાનસેવાનાં સિગ્નલોમાં કોઇ વિક્ષેપ પડતો નથી. જયારે FAA કહે છે, આ બાબતમાં હજી વધુ અભ્યાસ અને પ્રયોગોની જરૂર રહે છે. સિગ્નલોના વિક્ષેપની અસર કઇ કઇ કંપનીના કયાં કયાં વિમાનોનાં અલ્ટીમિટરો પર પડે છે અથવા પડી શકે છે તે માટેનો અભ્યાસ FAA દ્વારા શરૂ થઇ ચૂકયો છે. વિમાનમાંથી જમીન તરફ સિગ્નલો છોડવામાં આવે અને એ સિગ્નલો પરત આવે તેના આધારે વિમાનની ઊંચાઇ અને એરપોર્ટથી વિમાનનું અંતર નકકી થાય છે. જે વિમાનોમાં જૂનાં પ્રકારનાં અલ્ટીમિટર હશે તેને આધુનિક બનાવી શકાતાં હશે તો બનાવાશે અને જેમાં ફેરફાર ન કરી શકાય એવા અલ્ટીમિટર હશે તે અલ્ટીમિટરને દૂર કરવા પડશે. આવા વિમાનો હાલ તુરંત એવા વિસ્તારો કે એરપોર્ટ પર ઊડી નહીં શકે જયાં દૃષ્ટિગોચરતા ધૂંધળી હોય અને 5-G સેવા કાર્યરત હોય.

બોઇંગના જે ૭૮૭ પ્રકારનાં વિમાનો પર નિયંત્રણો મૂકતો આદેશ અમેરિકાની સરકારે બહાર પાડયો છે એવાં પ્રકારનાં ૧૩૭ વિમાનો અમેરિકા પાસે છે અને દુનિયામાં આ પ્રકારનાં (1010) વિમાનો છે. આ ૭૮૭ ખાસ કરીને લાંબા રૂટ માટે અને તેથી આંતરરાષ્ટ્રીય રૂટો માટે વધુ પસંદ કરવામાં આવે છે. બોઇંગ ૭૩૭ મેકસ પ્રકારનાં બે વિમાનોની ફોલ્ટી સુકાન સિસ્ટમને કારણે તાજેતરનાં વરસોમાં બે વિમાનો તૂટી પડયાં અને કુલ ૩૪૦ જણનાં મૃત્યુ થયાં તેથી બોઇંગની પ્રતિષ્ઠા અને બિઝનેસ ખાડે ગયાં હતાં. હરીફ એરબસ કંપનીનો ધંધો ખૂબ વધ્યો હતો. બોઇંગ કટોકટી અનુભવી રહી હતી તેમાં આ ત્રીજું સંકટ આવ્યું અને કંપનીને તેનો ઘણો માર સહન કરવો પડશે, FAA કહે છે કે અભ્યાસ દરમિયાન જણાયું છે કે 5-G સિગ્નલો જયાં વિદ્યમાન અથવા હાજર હોય.

ત્યાં તેની ખલેલને કારણે બોઇંગ ૭૮૭ વિમાન ફલાઇંગ મોડમાંથી યોગ્ય રીતે અથવા બરાબર બહાર નીકળીને લેન્ડિંગ મોડમાં પ્રવેશતું નથી. પરિણામે વિમાનને ધીમી પાડે એવી સિસ્ટમને શરૂ થતાં વધુ સમય લાગી શકે છે. FAA દ્વારા ટેલિકોમ કંપનીઓ સાથે નવા કરારો કરવામાં આવ્યા છે. તે મુજબ અમેરિકાના ૫૦ એરપોર્ટ ખાતે બફર ઝોન લાગુ પડશે જેમાં ટેલિકોમ કંપનીઓએ 5-G સેવા બંધ કરવી પડશે અથવા એવી અન્ય ખાતરીબંધ યંત્રણા શરૂ કરવી પડશે જેના વડે 5-G સિગ્નલો દ્વારા પેદા થતી ખલેલ અટકાવી શકાય. આ 50 એરપોર્ટસમાં ન્યૂયોર્કની આસપાસના ત્રણેય વિમાનમથકો, JFK, ન્યુઅર્ક અને લગાર્ડિયા અને શિકાગો, ડલાસ, હયુસ્ટન, લોસ એન્જેલિસ, સાન ફ્રાન્સિસ્કો વગેરેનો સમાવેશ થાય છે. ખેર! હાલનો અનુભવ ^6 G માં કામ આવશે.

Most Popular

To Top