પુતના વધ થયો એટલે ગોકુળવાસીઓએ નિરાંતનો શ્વાસ લીધો. નંદ અને જશોદા પોતાના પુત્ર શ્રીકૃષ્ણને સામાન્ય બાળક માનીને જ ચાલતાં હતાં. પરમ કૃપાળુ ઇશ્વરે તેમના ઘરમાં જન્મ લીધો છે એ વાત તેઓ સ્વીકારી શકતાં ન હતાં અને છતાં પુતના જેવી રાક્ષસીનો વધ થયો એ હકીકત પણ તેમની સામે હતી, કેટલીક વખત હકીકત કલ્પના કરતાં પણ રહસ્યમય હોય છે, એ વાત અહીં પણ જોઇ શકાય છે. ઉપરાંત નંદને વાસુદેવનો ભય સાચો પડતો લાગે છે. હવે આ સમાચાર કંસ સુધી તો પહોંચવાના. તે તો પોતાનો કાળ ગયો અને પુતનાએ કાર્ય સિદ્ધ કર્યું એવો સંતોષ અનુભવતો -આનંદ પામતો બેઠો હશે. પણ સમાચાર મળ્યા પછી શી હાલત થઇ? હવે તેને ખાતરી થઇ ગઇ કે ગોકુળમાં ઉછરી રહેલો બાળક મારો શત્રુ છે-પણ કંસ એની ઝાઝી ચર્ચા કરતો નથી-કદાચ એવી ચર્ચાનો સંકોચ થતો હશે. હવે બીજા કોઇની મદદ લેવાની? એટલે બીજા મદદનીશો બોલાવ્યા-કોણ હતા? શકટ, વચ્છ, તૃણાવંત, બક-આ રાક્ષસોને મથુરા બોલાવ્યા અને નંદના બાળકને મારી નાખવાની સૂચના આપી, એટલું જ નહીં-આ આખી યોજના ગુપ્ત રાખવાની સૂચના આપી. કંસનું નામ વચ્ચે આવવું જોઇએ નહીં. બીજા શબ્દોમાં તેને કોઇનો ને કોઇનો ભય લાગતો હતો. અતુલ્યા બળ, બધા પ્રકારની સહાય કરનારા રાક્ષસો અને છતાં ભય લાગે એ કેવી આશ્ચર્યકારક ઘટના!
આ બાજુ ગોકુળમાં શું થયું? પુતનાવધ એ કોઇ સામાન્ય ઘટના તો ન હતી. એટલે સામાન્ય ગોકુળવાસીઓએ બાળકમાં દેવનો વાસ માની જ લે. નંદ-જશોદા તો વિધિવિધાન કરવા બેઠા. આ પ્રકારની વિધિ માત્ર પ્રેમાનંદના જમાનામાં જ નહીં, શ્રીમદ ભાગવતના જમાનાથી ચાલી આવ્યા છે. પ્રેમાનંદ શ્રીકૃષ્ણનો મહિમા કરવાનું ભૂલતા નથી-એટલે કહેશે:
‘છે ચૌદ લોક જેના મુખમાં હય, તે ઝોળીમાં સૂતા હરિરાય,
કથનાત્મક આખ્યાનની વચ્ચી પ્રેમાનંદ ગીત પણ મૂકશે. અને એ ગીત પણ મૂકશે.
‘તમો ઠમકે ચાલો નંદજીને બારણે,
વારણે જાય માત જશોમતી રે….
પ્રેમાનંદ આજીવિકા માટે આ બધાં આખ્યાનો કરતા હતા-છેક નંદરબાર સુધી. અને જો આવું આયોજન હોય તો શ્રોતાઓનું જનમનોરંજન પણ કરવું પડે-એટલે પ્રસ્તૃતિમાં વૈવિધ્ય આણવા તે રાગ-રાગિણીનો વિનિયોગ કરે છે. કશું એકધારું નહીં આવવું જોઇએ, એવું જો આવે તો શ્રોતાઓને કંટાળો આવે, એટલે એક ચિત્તે અપલકે આ બધું માણતા બેસવાનું. વળી અહીં નાટકની જેમ જ ભિન્ન ભિન્ન રુચિના શ્રોતાઓ ટોળે મળ્યા હોય. આ શ્રોતાઓને (માત્ર આ જ શ્રોતાઓ શા માટે – વર્તમાન જગતના શ્રોતાઓ પણ) પુતના વછી વારો આવ્યો શકટાસુરનો; આ બધા રાક્ષસો માયાવી, ધારે તેવાં રૂપ લઇ શકે. રાક્ષસી એવી પુતનાએ સુંદરીનું રૂપ લીધું જ હતું ને! આ શકટાસુર પણ તેના નામ પ્રમાણો શકટ થઇને નંદના ગાડાં વચ્ચે સ્થિર થઇ ગયો. ગાડા ઉપર કોને વહેમ જાય-પણ શ્રીકૃષ્ણને સમજાઇ ગયું કે આ શકટ તો રાક્ષસ છે અને મારા પ્રાણ લેવા આવી ચઢયો છે. કૃષ્ણ પહેલાં વિષ્ણુએ રામનો અવતાર લીધો. પણ કૃષ્ણમાં જે પ્રકારની શકિતઓ હતી તેવી કોઇ શકિત રામમાં બતાવી નહી. નહીંતર તો સુવર્ણમૃગના રૂપે આવે તો તો મારીચ રાક્ષસ છે અને રાવણ સીતાનું હરણ કરવા આવશે તેની જાણ રામને અગાઉથી થઇ જાત. રામને સરેરાશ માનવી તરીકે જ રાખ્યા, સામાન્ય હોવા છતાં તે અસામાન્ય બની ગયા.
એટલે કૃષ્ણ તો બાળક તરીકે લીલા કરતા જ રહેવાના. ઘરમાં રહ્યાં એટલે રડવા લાગ્યા, અને રડતા બાળકને છાનું રાખવા આપણી માતાઓ જે જે ઉપાય કરે તે બધા ઉપાય કર્યા. શું કશું કરડી ગયું હશે? છેવટે જશોદાને લાગે છે કે જેવી રીતે બીજાં બાળકો બહાર રમે છે તેવી રીતે આને પણ બહાર રમવા મૂકું: એટલે ગાડાને ઊંધું કરીને ઝોળી બાંધી બીજા બાળકો પણ કૃષ્ણને રમાડવા લાગ્યાં. હવે જે શકટ તળે કૃષ્ણને સુવાડયા હતા તે જ તો શકટાસુર હતો. સામે ચાલીને જશોદાએ આ સગવડ કરી આપી તેથી તે તો બહુ પ્રસન્ન થયો. હવે બાળકને કચડી નાખવા તૈયાર થયો. શરૂઆતમાં તો કૃષ્ણે થોડી હસીમજાક કરી. પણ ધીમે ધીમે અસુરની માયા સામે પોતાની માયા ઊભી કરી. શરૂઆત ડાબા પગથી કરી-અને ધીમે ધીરે પોતાના કદ-વજન વધારીને શકટને ભોંયભેગું કરી નાખ્યું. પણ જશોદા કઇ માને? તેણે તો વળતો આક્ષેપ કર્યો કે તમે બધાએ ભેગા મળીને આ શકટ ભાંગી નાખ્યું. પણ ગોપબાળો કંઇ માને? તેમણે તો સાફ કહ્યું કે તમારા બાળકે જ ગાડું ભાંગી નાખ્યું – છેવટે ગાડું ગાડું મટી ગયું અને રાક્ષસ થઇ ગયો. એટલે કંસનો બીજો મદદનીશ પણ મૃત્યુ પામ્યો.