તે ફક્ત અગિયાર વરસની હતી ત્યારે અફઘાનિસ્તાનમાં તેના પિતા રબ્બાની અફઘાન સેનાના જનરલ હતાં, તાલિબાનીઓએ તેમનું અપહરણ કરી રણમાં ફાંસી આપી દીધી હતી. હેરાતમાં જન્મેલી નાદિયાને રક્તપાત વચ્ચે વતન છોડી ભાગવું પડ્યું.ઘરવખરી જમીન સહિત બધું વેંચી,નકલી પાસપોર્ટ સાથે અસહાય માતા હમીદા અને ચાર બહેનો સાથે પાકિસ્તાન પહોંચી,ત્યાં ક્યાં જંપ મળવાનો હતો.પાકિસ્તાનથી ટ્રક મારફત યેનકેન ઇટાલી પહોંચ્યાં ત્યાંથી લંડન થઈ અંતે ડેનમાર્કમાં શરણ મળ્યું. શરણાર્થી કેમ્પમાં ભૂતકાળના ડરામણા કપરા દિવસોની યાદી સિવાય શું હતું? કશું જ નહીં,આ શરણાર્થી છોકરીએ ફૂટબોલની રમતમાં રસ જગાડ્યો.પોતાની લાયકાત કેળવી મેદાનમાં પ્રતિસ્પર્ધીઓ સામે બોલને રમાડતી,સરકાવી,વિઘ્નો પાર કરી ગોલ પોસ્ટ સુધી પહોંચતી ત્યારે તેનાં ચહેરા પર જીતવાનું ઝનૂન દેખાતું,તે સ્ટ્રાઈકર હતી,બોલને લાત મારી ગોલ કરવાની રીત તેણે કેળવી લીધી.
ઘણા લોકો શરણાર્થી છોકરી નાદિયા નદીમને સૌથી પ્રભાવશાળી ફૂટબોલર માનતા હતા. ઘણા લોકોએ નાદિયાને સર્વકાલીન શ્રેષ્ઠ અફઘાન મહિલા ફૂટબોલર પણ ગણાવી છે! સંઘર્ષથી સફળતાની અનોખી જિંદગી ફૂટબોલમાં જેમ સતત લક્ષ્ય બોલ પર રાખી આગળ વધવાનું હોય છે તેમ ભારે કિંમતે ચૂકવી જિંદગીના ગોલ સર કર્યા! 2005માં, એક પ્રોફેશનલ ખેલાડી તરીકે નાદિયાએ ડેનિશ ફર્સ્ટ ક્લાસ ક્લબ બી-52 આલ્બર્ગની જર્સી પહેરી. વર્ષના અંતે ટિમ વિબર્ગ સાથે જોડાઈ ગઈ,ફૂટબોલની રમતમાં એટલો સુધાર લાવી કે નાદિયા લગભગ દસ વર્ષ સુધી દેશની ઘણી ક્લબોમાં રમી છે. જે ટીમમાં રમી તે ટીમનો ભરોસાપાત્ર સ્ટ્રાઈકર બની!તેનો એક જ ઉદ્દેશ્ય રહેતો ગોલ! નાદિયા 2009માં ડેનિશ નેશનલ ટીમની જર્સી પહેરી મેદાનમાં ઉતરી અને રમી હતી. હકીકતમાં તે જન્મે ડેનિશ ન હોવાં છતાં પ્રથમ ડેનિશ ફૂટબોલર બની.તેણે ડેનમાર્ક માટે રમતાં 99 મેચોમાં રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. મેચમાં 37 ગોલ કર્યા છે.
આજે તે સંભવતઃ વિશ્વની સૌથી પ્રેરણાદાયી મહિલા રમતવીરોમાંની એક છે. પરંતુ તેણે તેના માટે ભારે કિંમત ચૂકવી છે. નાદિયાનું ફોર્બ્સમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સમાં સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં 20મું સ્થાન આપવામાં આવ્યું છે. તેના એક વર્ષ પહેલાં તે નાઇકીનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ ડેનિશ મહિલા ફૂટબોલ ખેલાડી બની હતી. 2017નું વરસ નાદિયા નદીમ માટે ક્લબ ફૂટબોલ કારકિર્દીનો સુવર્ણ યુગ ગણાય તે વર્ષે નાદિયાએ વિમેન્સ સુપર લીગમાં માન્ચેસ્ટર યુનાઈટેડની જર્સી પહેરી અને ઝમકદાર રમત દેખાડી! જે કોઈ પણ મહિલા ફૂટબોલ ખેલાડી માટે ગૌરવપૂર્ણ પડાવ ગણાય છે.
અફઘાનિસ્તાનની શરણાર્થી નાદિયા નદીમ, જે હવે ફૂટબોલર હોવાં સાથે તેણે ડૉક્ટર તરીકે લાયકાત મેળવી છે. રમતાં અને અભ્યાસમાં ધ્યાન પરોવી પાંચ વર્ષ તપસ્યા કરી તે પછી 33 વર્ષીય નાદિયા નદીમે, 98 કૅપ્સ સાથે ડેનિશ આંતરરાષ્ટ્રીય ડોક્ટરેટની પદવી મેળવી. પાંચ વર્ષની મહેનતનું પરિણામ હાથમાં મળ્યું! મેડિકલ તપાસમાં સફળતા મેળવી.જો કે, ડૉક્ટર બનવાની તેની ઈચ્છા પૂરી કરતા પહેલા, નાદિયા નદીમે તેનાં બીજા સપના પણ પૂરા કર્યા છે! નાદિયાને બોલને છકાવી,ધક્કો મારવામાં સારી ફાવટ છે, તે સાથે તબીબી અભ્યાસ તૈયારી કરતી રહી બંને વચ્ચે સમય ફાળવી નાદિયા અફઘાન મહિલાઓ અને છોકરીઓના અધિકારોના રક્ષણની માંગમાં હંમેશા અવાજ ઉઠાવતી રહી છે. અફઘાનિસ્તાનમાં યુદ્ધ થયું, તેના પિતા માર્યા ગયા. એ યાદ દુઃખદ છે, ઘણી અશાંતિ અને ભયનું વાતાવરણ ડરામણા દ્રશ્ય જેવું હતું.ડેનિશ સરકારે આશ્રય આપ્યો હતો.એ પછી તેણે પાછું વળીને જોવું પડ્યું નથી.
ફૂટબોલ તેનો પ્રથમ પ્રેમ હોઈ શકે છે પરંતુ તે અગિયાર ભાષાઓ બોલી શકે છે. જાણવું તે તેનો બીજો પ્રેમ છે. જે દેશમાંથી સર્વત્ર ત્યાગી તેને માતા અને બહેનો સાથે ભાગવવું પડ્યું,ફરી પિતાને જોવાની ઈચ્છા કદી પુરી ન થઈ! જ્યાં હજી નારી સાથે વર્તન સારૂ થતું નથી,મહેરની લાલચમાં માટે કુમળી વયની દીકરીઓના નિકાહ નક્કી થઈ જાય છે.જાહેરમાં ન જાણે કેટલાં પ્રતિબંધ છે,તેમના અધિકારો માટે નાદિયા આંતરરાષ્ટ્રીય સ્વર બનશે તેમાં સંદેહ નથી.ફૂટબોલ રમવાની સાથે સાથે પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી, તે હવે એક લાયક ડૉક્ટર છે. નાદિયા નદીમ સંજોગના પ્રવાહમાં નદીની જેમ મૂળમાંથી છૂટી પડી સાવ અજાણ્યાં દેશમાં શરણાર્થી બની કેમ્પમાં લાચારી દબાવી પોતાની રમત પ્રત્યે પ્રતિબદ્ધતા કેળવી,રમતવીર બની,તે દેશની ફૂટબોલ પ્રતિનિધી બની,ડોકટર બની તે ફક્ત અફઘાન નારી માટે નહીં પણ સમસ્ત મહિલાઓ માટે એક ઉદાહરણ છે કે જુલ્મનો પ્રતિવાદ બધું ગુમાવ્યા પછી પણ થાય છે,ખેલદિલી રમતમાં!સિદ્ધિ શિક્ષણમાં અને બુલંદી અન્યાય સામે બંડમા!નાદિયા નદીમે અત્યાર સુધી મેદાનમાં શ્રેષ્ઠ રમત દેખાડી પોતાની આવડત અને દેશની મહિલાઓ,બાળકો માટે ન્યાયની લડત ચલાવી હવે ડોકટર બન્યાં પછી પોતાનાં દેશની બહેનો,બાળકો માટે અવાજને વધું બુલંદ કરશે!
– કુસુમ ઠક્કર