મોક્ષા વેદાંત સાથે પરણીને અમદાવાદ આવી. આમ તો તે નાની હતી ત્યારે પણ મુંબઈથી અમદાવાદ આવતી હતી ત્યારે કોઈ ને કોઈ ફંકશનમાં વેદાંતને મળતી એટલે તેના માટે વેદાંત અજાણ્યો નહોતો. આવા જ એક ફંકશનમાં મોક્ષા અને વેદાંતને વાત કરતાં જોઈ બંનેની મમ્મીઓને લાગ્યું કે તેમના લગ્ન થાય તો સારું. જ્યારે આ અંગે મોક્ષાની માએ તેને પૂછયું ત્યારે તે શરમાઈ ગઈ હતી. આથી વાત આગળ ચાલી અને બંનેના લગ્ન લેવામાં આવ્યા. મોક્ષાનું સાસરું નવરંગપુરામાં આવેલું છે. ઘરમાં તેનાં સાસુ-સસરા અને નાનકડો દિયર કુશાગ્ર હતો. મોક્ષાની કુશાગ્ર સાથે સારી દોસ્તી થઈ ગઈ. કુશાગ્ર તેની ભાભી કરતાં પાંચ વર્ષ નાનો હતો. દિયર અને ભાભી ઘણી વાર ભેગાં મળી વેદાંતને પરેશાન કરતાં. વેદાંત ભરઊંઘમાં હોય ત્યારે મોક્ષા અને કુશાગ્ર તેને ઉઠાડી બરફનો ગોળો ખાવા લઈ જતાં.
મોક્ષા ખુશ હતી. તે પોતાની દીકરી આયશાને જન્મ આપવા માટે મુંબઈ ગઈ. આયશા દોઢ જ મહિનાની હતી ત્યારે તે અમદાવાદ પાછી આવી ગઈ હતી. જ્યાં તે નાનીથી મોટી થઈ તે મુંબઈ હવે તેને અજાણ્યું લાગતું હતું. સાંજ પડે આયશાને લઈ વેદાંત કે મોક્ષા બહાર નીકળે કે નહીં પણ ઓફિસથી આવી કુશાગ્ર અવશ્ય આયશાને મોટરસાઈકલ ઉપર બેસાડી ફરવા નીકળતો. આયશા નાની હતી. હજી તેની જીભને શબ્દો સ્પર્શ્યા નહોતા પણ તેની નજર અને સ્પર્શ કુશાગ્રને ઓળખતાં હતાં. આયશા અઢી વર્ષની હતી. વેદાંત તેને અને મોક્ષાને લઈ મોટરસાઇકલ ઉપર ચક્કર મારવા નીકળ્યો. આયેશા મોટરસાઈકલની પેટ્રોલની ટાંકી ઉપર બેઠી હતી. સોડિયમ લાઈટોને કારણે અંધારું દૂર-દૂર સુધી નજરે પડતું નહોતું.
આયશાને મઝા પડી રહી હતી. મોટરસાઈકલની ગતિને કારણે સામેથી આવતા પવનને કારણે આયશાના નાનકડા માથા ઉપર રહેલા ટૂંકા-ટૂંકા વાળ ઊડી રહ્યા હતા. તે એકલી એકલી કંઈક કાલીઘેલી ભાષામાં અવાજ કરતી હતી અને હસતી હતી. તેને જોઈને વેદાંત અને મોક્ષા મનોમન હસી રહ્યાં હતાં. ત્યાં અચાનક એક ગાય રસ્તા ઉપર દોડી જેના કારણે મોક્ષાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. મોટરસાઈકલ છૂટી નહોતી છતાં અચાનક મારવી પડેલી બ્રેકને કારણે વેદાંતે બેલેન્સ ગુમાવ્યું છતાં તેને પોતાના કરતાં પોતાની દીકરીની ચિંતા હતી. તેથી જ તેણે એકિસલેટરવાળો હાથ હેન્ડલ ઉપરથી છોડી એક હાથે ટાંકી ઉપર બેઠેલી મોક્ષાને પકડી લીધી હતી. એક હાથે દીકરી અને એક હાથે બેલેન્સ સંભાળે તે પહેલાં તેનું મોટરસાઈકલ રોડ ડિવાઈડર સાથે અથડાયું અને ત્રણેય રોડ ઉપર પટકાયાં. જો કે વેદાંતે આયશાને મજબૂત રીતે પોતાના હાથે પકડી છાતીસરસી ચાંપી હતી, જેના કારણે તેને ઘસરકો પણ પડયો નહીં.
પાછળ બેઠેલી મોક્ષા પડ્યા પછી પણ સફાળી બેઠી થઈ ગઈ કારણ કે તેને પણ આયશાને કંઈ થઈ જશે તેની ચિંતા હતી. તે ઘડીએ વેદાંત પાસે આવી ત્યારે મોક્ષા ડરને કારણે રડી રહી હતી. જયારે વેદાંતનું માથું ડિવાઇડર સાથે અથડાયું હતું. જેના કારણે તે પડતાંની સાથે જ બેભાન થઈ ગયો હતો. મોક્ષા ડરી ગઈ હતી. જો કે તે ઘરની નજીક હોવાને કારણે તેણે તરત કુશાગ્રને ફોન કરી ત્યાં બોલાવી લીધો અને તેઓ તેને નજીકમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયાં. જયાં પહોંચતા ડોક્ટરે બ્રેઈન હેમરેજ હોવાની શંકા વ્યકત કરી સીટીસ્કેન કરાવવા કહ્યું હતું પણ તે પહેલાં કુદરતે પોતાનો રિપોર્ટ આપી દીધો. વેદાંતની સારવાર શરૂ થાય તે પહેલાં તેના શ્વાસ ખૂટી પડયા. મોક્ષા ભાંગી પડી. કુદરતને પણ કયારેક મશ્કરી સૂઝે છે તેની તેને ખબર નહોતી. – ઘરમાં બધાં રડી રહ્યાં હતાં ત્યારે આયશા કુશાગ્ર પાસે હતી. તે પણ રડતી હતી. આ એક એવી ઘટના હતી કે આયશાને પોતાના અને બીજાના રડવાના કારણની ખબર પડતી નહોતી. વેદાંત તો ચાલ્યો ગયો. જનાર કયારેય એકલો પડતો નથી પણ તેની યાદો પાછળનાને ભૂલવા દેતી નથી. જે નથી તેની યાદો પીડા આપનારી હોય છે.
વેદાંતના મૃત્યુનો આઘાત તેનાં મમ્મી-પપ્પાને લાગે તે સમજાય તેવો હતો પણ તેમને પોતાના પુત્રના મૃત્યુ કરતાં મોક્ષા વિધવા થવાની વેદના વધારે હતી કારણ કે મોક્ષા હજી ૨૭ વર્ષની હતી. વેદાંતની ગેરહાજરીએ સમયની ગતિ ધીમી કરી દીધી હતી. રાત અને દિવસ વર્ષ કરતાં પણ લાંબા લાગતાં હતાં. વેદાંત ગયા પછી આયશા કુશાગ્રને છોડતી નહોતી. આ દુર્ઘટનાને છ મહિનાનો સમય વીતી ગયો. મોક્ષાનાં માતા-પિતા અને સાસુ-સસરા ભેગા થયાં કારણ કે મોક્ષા આખી જિંદગી આવી રીતે પસાર કરે તે તેમને મંજૂર નહોતું. તેઓ ઈચ્છતાં હતાં કે તે પોતાની જિંદગીની નવી શરૂઆત કરે પણ જ્યારે આ અંગે મોક્ષાને કહેવામાં આવ્યું ત્યારે તે રડી પડી અને તેણે વેદાંતનાં મમ્મી-પપ્પાને હાથ જોડી વિનંતી કરી કે તેઓ તેને આ ઘરમાંથી જવાનું ક્યારેય કહેશે નહીં કારણ કે તે ઘરમાં વેદાંત નહોતો પણ તેની હાજરીનો અહેસાસ આજે પણ અકબંધ હતો. તેને કુશાગ્રે પણ સમજાવી. મોક્ષાએ તેની વાત માનવાનો પણ ઈનકાર કર્યો.
મોક્ષાની ચિંતા તેના પરિવારના સભ્યોને હોય તે સ્વાભાવિક હતું પણ વેદાંતનું મિત્રવર્તુળ પણ એવું હતું કે તેઓ પણ મોક્ષાને ફરી સંસાર માંડવા સમજાવી રહ્યાં હતાં. મોક્ષાને પણ ખબર હતી કે જિંદગીની આટલી લાંબી સફર એકલા કાપવી સહેલી નથી છતાં જિંદગી પણ કંઈ ઘર-ઘર રમતાં ઢીંગલા-ઢીંગલીનો ખેલ નહોતો કે ઇચ્છા થાય ત્યારે ૨મી શકાય. તેને પોતાના કરતાં આયશાની ચિંતા કોરી ખાતી કારણ કે હમણાં તો કુશાગ્ર એકલો હોવાને કારણે આયશાને સમય આપી શકતો હતો પણ જ્યારે તેનો સંસાર શરૂ થશે ત્યારે તેના માટે આ શકય નહીં બને. મોક્ષાની જિંદગી એક એવા મુકામ ઉપર આવી ઊભી હતી, જાણે દરિયાકિનારે ઊભા રહી તમે દરિયા તરફ નજર કરો ત્યારે દૂર દૂર સુધી પાણી જ નજરે પડે, કયાંય ધરતી ના દેખાય. મોક્ષાને સમજાવી થાકેલા વેદાંતના મિત્રોએ એક દિવસ કુશાગ્રને મળવા બોલાવ્યો. વેદાંત ગયા પછી તેના માટે મોટાભાઈના મિત્રો જ તેના સલાહકાર હતા. તેમણે કુશાગ્રને બેસાડી મોક્ષા અંગે વાત કરી ત્યારે તેણે પણ તેમના જેવી ચિંતા વ્યકત કરી, પોતાની ભાભી લગ્ન કરી લે તેવો મત વ્યક્ત કર્યો હતો પણ જયારે વેદાંતના મિત્રે કુશાગ્રને મોક્ષા સાથે લગ્ન કરી લેવા કહ્યું ત્યારે તેને આઘાત લાગ્યો હતો કારણ કે કયારેય તેણે પોતાની ભાભી અંગે આ પ્રકારનો વિચાર કર્યો જ નહોતો અને પાછો તે મોક્ષા કરતાં પાંચ વર્ષ નાનો હતો.
આ વાત સાંભળી તે થોડી વાર સૂનમૂન બેસી રહ્યો. પહેલી વાર આ દિશામાં તેણે વિચારવાની શરૂઆત કરી હતી. તેને મોક્ષા ગમતી હતી પણ ભાભીના સ્વરૂપમાં પરંતુ હવે તેને પત્ની તરીકે જોવાની હતી. તેણે વિચાર કર્યા પછી સામે પ્રશ્ન કર્યો કે, “તમે ભાભીને આ અંગે પૂછ્યું છે ?’’ હજી મોક્ષા સાથે વાત કરવાની બાકી હતી પણ તે સહેલી નહોતી. તેના માટે વેદાંતના મિત્રોની પત્નીઓ ભેગી થઈ બપોરના સમયે મોક્ષાને મળવા ગઈ. તેમણે હિંમત કરી કુશાગ્ર અંગે વાત કરી ત્યારે જાણે તેને કોઈ ઝેરી સાપ કરડી ગયો હોય તેમ તેનો ચહેરો સફેદ પડી ગયો. જો કે ત્યારે તેણે ના પાડી નહોતી તેથી આશા હતી. આ અંગે ઘરના વડીલોએ પણ ચર્ચા કરી. તેમને પણ કોઈ વાંધો નહોતો પરંતુ સવાલ હતો મોક્ષાની હા પાડવાનો. તેને જયારે આ અંગે ઘરના વડીલોએ પૂછ્યું ત્યારે તે રડી પડી પણ કોઈ જવાબ આપ્યો નહીં.
તેના કારણે તેના મનમાં શું ચાલી રહ્યું છે તે કહેવું મુશ્કેલ હતું. આ વાતને ત્રણ મહિના વીતી ગયા. કુશાગ્ર માનસિક રીતે મોક્ષાને સ્વીકારવા તૈયાર થઈ ગયો હતો. એક દિવસ સાંજે કંઈક ખરીદી કરવા માટે કુશાગ્ર અને મોક્ષા સાથે બહાર નીકળ્યાં ત્યારે રસ્તામાં કુશાગ્રે પોતાની મોટરસાઈકલ ઊભી રાખી મોક્ષા સામે જોયું. પહેલી વખત મોક્ષાને કુશાગ્રની નજર જુદી લાગી. તેણે નજર ફેરવી લીધી એટલે કુશાગ્રે મોક્ષાનો હાથ પકડ્યો. વેદાંત હતો ત્યારે ઘરમાં મસ્તી કરતી વખતે અનેક વખત કુશાગ્રે મોક્ષાનો હાથ પકડ્યો હતો પણ આજે જે રીતે હાથ પકડ્યો હતો તે સ્પર્શ જુદો જ હતો. મોક્ષાના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ પણ તેણે કુશાગ્રે પકડેલો હાથ છોડાવ્યો નહીં. બંને વચ્ચે એક પણ શબ્દનો સંવાદ થયો નહોતો. છતાં અનેક વાત કહેવાઈ ગઈ હતી અને તેના ઉત્તરો પણ અપાઈ ગયા હતા. વેદાંતના મિત્રોની હાજરીમાં કોર્ટમાં મોક્ષા અને કુશાગ્રે સાથે સહીઓ કરી. મોક્ષા બીજી વખત પરણી વેદાંતના ઘરે આવી હતી. આ વાતને પાંચ વર્ષ થઈ ગયાં અને આયશાની સાથે રમવા માટે તેનો નાનો ભાઈ ઉદય આવી ગયો છે.