દરેક વર્ષ પૂર્વેની એક ઘટના યાદ આવે છે. વાત બિહારની છે. 1917 માં બિહારમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ત્યાંના પ્રશાસકોએ એક પરિપત્ર પાઠવી શાળાના શિક્ષકોને ‘ટોયલેટ ડ્યૂટી’ સોંપી હતી. ટોયલેટ ડ્યૂટી એટલે લોકો ખુલ્લી જગ્યામાં બેસી ટોયલેટ ન કરે તે માટે શિક્ષકોએ સવાર સાંજ ચેકીંગ માટે નીકળવું અને ખુલ્લામાં શૌચક્રિયા કરતા સ્ત્રી પુરૂષોના ફોટા પાડીને સત્તાધીશોને પહોંચાડવા. શાસકોએ પરિપત્રમાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં ગંદકી વધી ગઈ છે. એથી ખુલ્લી જગામાં હાજતે જતા લોકોને રોકવા માટે આવું કરવાની ફરજ પડી છે. હેતુ શુદ્ધ હતો તેની ના નહીં પણ તેમાં સાધનશુદ્ધિ ન હતી. શિક્ષકોનું કામ શાળામાં ભણાવવાનું હોય છે. તેમણે વહેલી સવારે હાથમાં કેમેરો લઈને જાહેરમાં શૌચક્રિયા કરતા લોકોના ફોટા પાડવા એ કોઈ એંગલથી યોગ્ય ન હતું. એક શિક્ષકે વ્યંગ કરેલો: ‘અમારી પાસે તો બાળકોને ભણાવવાની ઓવરલોડ જવાબદારી છે. સમયસર કોર્સ પૂરો ન થાય તો અમારે બાળકોને સવાર સાંજ એક્સ્ટ્રા બોલાવવા પડે છે. જ્યારે નેતાઓ તો મોટેભાગે નિરર્થક વિવાદમાં જ સંસદના સમયની બરબાદી કરતા હોય છે. તેઓ આ કામ ઉપાડી લે તો તેમના સમયનો સદુપયોગ થયેલો કહેવાય. અન્ય શિક્ષકોએ પણ કહ્યું હતું: ‘શિક્ષક તરીકે અમારે બાળકોને સ્વચ્છતાના પાઠો ભણાવવાના હોય પણ લોકો સ્વચ્છતા જાળવે છે કે નહીં તે જોવા માટે અમારે જ કેમેરો લઈને નીકળવાનું હોય તો તે શિક્ષકના પદને લાંછન લગાડે એવી બાબત છે.
જોકે આવા અર્થહીન તરંગી તુક્કા લાંબુ ટકતા નથી.ખૂબ વિરોધ થતાં પછી એ ફતવો પાછો ખેંચવામાં આવ્યો હતો. ઊંડુ વિચાર્યા વિના આવા ફતવાઓ બહાર પાડવામાં આવે ત્યારે પહેલો વિચાર એ જ આવે છે કે કયા“અક્કલ–મંદ”બિરાદરને આવો“મહાન” વિચાર આવ્યો હશે? લોકોએ જાહેરમાં શૌચક્રિયા માટે બેસવું ન પડે તેનો યોગ્ય ઉપાય એ જ કે જાહેર શૌચાલયોની અપૂરતી સંખ્યાને ધ્યાનમાં લઈને નવા શૌચાલયો બનાવવા. તેને બદલે આવા અક્કલ વગરના આયોજનથી તેમણે થૂંકેલું ચાટવું પડે છે. અને કાયદો પાછો ખેંચવાની ઘડી આવે છે. બિહારના શિક્ષકસંઘે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સ્પષ્ટ જણાવ્યું હતું કે જો અમે સવારે શૌચક્રિયા કરવા બેસતા લોકોના ફોટા પાડવા બેસીશું તો બાળકોને ભણાવવાની મુખ્ય કામગીરી કોણ બજાવશે? શિક્ષકોની ચિંતા કોઈ એંગલથી ખોટી ન હતી. સરકારને પણ મોડે મોડે ભૂલનો ખ્યાલ આવ્યો. એથી છેવટે એ વાહિયાત ફતવો સરકારે પાછો ખેંચવો પડ્યો.
દોસ્તો, માત્ર બિહાર જ નહીં, ગુજરાત સહિતના બીજા ઘણાં રાજ્યોમાં શિક્ષકોને આવા અણછાજતા કામો સોંપવામાં આવે છે. શિક્ષકો પાસે વસતી ગણતરીનું કામ કરાવવામાં આવે છે. કેટલીક ખાનગી શાળાઓમાં જોબલેસ શિક્ષકો પાસે દસ હજારના વાઉચર પર સહી કરાવવામાં આવે છે અને તેના હાથમાં માત્ર ચાર હજાર મૂકવામાં આવે છે. તે માથુ ઉંચકવા જાય તો તેને નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. શિક્ષક દેશનો સાચો સૈનિક છે. અંગ્રેજોના શાસનમાં પણ તેનું આટલી હદે શોષણ થતું નહોતું.એક પત્રકારે સરકારને સોંસરવો સવાલ કરેલો કે જાહેરમાં થતી શૌચક્રિયાની સરકારને એટલી જ ચિંતા હોય તો સુરત જેવા મહાનગરોમાં ગૌરવપથ પર હંમેશાં ગાય,બળદ,ભેંસ અને બકરાંના ટોળાં બેઠેલાં રહે છે. એ પણ એક પ્રકારની ગંદકી જ કહેવાય. તેને માટે સરકારે કેટલા કેમેરા ફાળવ્યા? ફોટા પાડવાનો પ્રારંભ ત્યાંથી જ કરોને..! શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોને કારણે દેશમાં સેંકડો વાહનચાલકો કમોતે મરે છે તે સરકારને કેમ દેખાતું નથી? એ જાહેર ગંદકી નથી તો બીજું શું છે..? નેતાઓ દેશ ભક્તિ કે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ જેવા વિષયો પર ભાષણો ઠોકતા રહે છે. અને તેમની સભાઓ ફ્લોપ ન રહે તે માટે ટ્રકો ભરીને લોકોને ત્યાં ખાલવવામાં આવે છે.
આજે શાળા કોલેજોમાં ઘણાં શિક્ષકો ઈરાદાપૂર્વક લેટ આવે છે અને ઈમરજન્સી છે એવું કહીને ટીચર્સ રૂમમાંથી જ બારોબાર છૂ થઈ જાય છે. એ તમામ બાબતોને અતિ હીનકક્ષાની શૈક્ષણિક ગંદકી ગણી કડક પગલાં લેવાં જોઈએ. એવું પણ જોવા મળે છે કે ચૂંટણીમાં ઊભેલો ગરીબ માણસ ચૂંટાયા બાદ રાતોરાત માલદાર બની જાય છે. (એવો જાદુ તો કે.લાલ પણ કરી શકતા ન હતા) કેટલાંક રાજકારણીઓ તરેહ તરેહના દાવ પેચ અજમાવી ચૂંટણી જીતી જાય છે પછી વિજય રેલી કાઢે છે. તેમાં પ્રજા જે તે નેતાને ખભે બેસાડીને વિજયયાત્રા કાઢે છે. સમાજમાં છડેચોક પ્રવર્તતી આવી બધી અસ્વચ્છતા અખબારોના પાને છપાય છે પણ સરકારને તે પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફૂરસદ નથી. સરકાર તેને વિરોધપક્ષની ચાલ ગણી નજરઅંદાજ કરી દે છે.