મહાત્મા ગાંધીનો વારસો

ગાંધીજી યુગ પુરુષ હતા. તેઓ આજના ભારત અને વિશ્વ માટે મોટો વારસો છોડતા ગયા છે. આજે ગાંધી નિર્વાણ દિવસ છે તેથી તેમને યાદ કરીએ. જો કે આજે સમય અને સંજોગો એટલા બધા બદલાયા છે કે આજની પેઢીને ગાંધીજી અપ્રસ્તુત લાગે. તેનું એક કારણ એ છે કે આજના યુવાનો અને યુવતીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી,મેનેજમેન્ટ,કોમ્પ્યુટર, ડીજીટલ જર્નાલીઝમ અને ઇન્ટરનેટ,ઇલેકટ્રોનિકસ મ્યુઝીક, લો,એવીએશન અને સ્પેસ સાયન્સ જેવા વિષયો ભણીને દેશની કાયાપલટ કરી રહ્યાં છે. તેઓ આવતી કાલના ગુજરાત અને ભારતની આશા છે. જો કે બીજી તરફ ભારતમાં આતંકવાદ, ધર્માંધતા, ઉગ્ર રાષ્ટ્રવાદ, કોમી વૈમનસ્ય,અસહિષ્ણુતા,લાંચરૂશ્વત અને ગરીબી તથા બેકારી વકરી રહ્યાં છે.

આશ્ચર્યજનક વાત એ છે કે ભારત અને ગુજરાતમાં એક તરફ કરોડોપતીઓ અને સાધન સંપન્ન મધ્યમવર્ગી વ્યવસાયકારીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે અને બીજી તરફ ભણેલા બેકારો,ગરીબો અને અર્ધનગ્ન અને અર્ધભૂખ્યા બાળકોની સંખ્યા પણ વધતી જાય છે. ઝડપથી વિકસતા જતા ભારતમાં નૈતિક મૂલ્યોની ભારે ખોટ છે. ગાંધી યુગ દરમિયાન દેશવાસીઓ ભદ્ર આજ કરતા ઘણાં ગરીબ હતાં. આમ છતાં નૈતિક મૂલ્યોએ તેમને આઝાદીની લડત માટે તેમજ પોતાના આંતરિક દૂષણો સામે સંઘર્ષ કરવા પ્રેર્યા હતા. બીજે આઘે નહીં જતા તમે જો સુરત, નવસારી, વલસાડ, ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના નગરો ઉપરાંત ગાંમડાઓમાં વસેલા ગાંધીજીના ગ્રાસરૂટસ વર્કર્સની પ્રવૃત્તિ તરફ નજર નાંખશો તો પણ સમજાશે કે સંઘર્ષમય જીવન દરમિયાન પણ તેમનું જીવન કેવું ભર્યું ભર્યું હતું. જીવનમાં ખાલીપો નહોતો. કોઇ પણ દેશ કે સમાજ ગમે તેટલો સમૃધ્ધ હોય, પણ નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય આરોગ્ય વગર બધું અધુરું  રહેવાનું. આ દ્રષ્ટિએ ગાંધી અને ગાંધી યુગ આજે પણ પ્રસ્તુત છે. અત્રે થોડાક જ મુદ્દાઓ સાદા અને સરળ ભાષામાં રજૂ કર્યા છે.

1. ગાંધીનું માદળિયું:

ગાંધીએ ‘માદળિયાં દ્વારા દેશને સર્વોદયનો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું હતું: ‘હું તમને એક માદળિયું (તાવીજ) આપું છું. તમને જયારે પણ શંકા થાય અથવા તો એમ લાગે કે તમારૂં હું પદ તમારી ઉપર ચઢી બેઠું છે ત્યારે તમે આ કસોટી અજમાવજો. તમે જે સહુથી ગરીબ અને નિ:સહાય માસને જોયો હોય તેનો ચહેરો યાદ કરજો મને ત્યાર પછી તમારા હૃદયને પૂછી જો જો કે હાલ તમે જે કામ કરી રહ્યાં છો તે પેલા ચીથરેહાલ માણસને કેટલું કામ લાગશે. શું તમારી પ્રવૃત્તિથી તેને લાભ થશે. શું તમારા કાર્યો ગરીબને એનું ભાગ્ય બદલવામાં મદદરૂપ થશે. બીજા શબ્દોમાં તમારા કાર્યો દ્વારા શું દેશનાં ગરીબો ‘સ્વરાજ’નો અનુભવ કરી શકશે. તો પછી તમારી શંકાઓ અને અહમ્‌ ઓગળી જશે.’

ગાંધીનું તાવીજ તો એક અર્થાલંકાર છે. તેને સિધ્ધ કરવા ગાંધીજીએ અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્ર સાથે જોડીને આર્થિક વિચારસરણી અપનાવેલી અને અજમાવેલી. તેમણે મૂડીવાદી અને સામ્યવાદી રીતરસમોનાં વિકલ્પ તરીકે આર્થિક વિચારસરણી અપનાવેલી. તેના પાયામાં આજે જનપ્રિય થયેલું, પણ અપૂર્ણ રહેલું નીચેનું સૂત્ર હતું: ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ.’

2. ટ્રસ્ટીશિપનો સિધ્ધાંત:

આજે ઘણા બૌધ્ધિકોને આ સિધ્ધાંત કાલ્પનીક અને તરંગી (યુટોપિઆ) લાગે.પણ આજના બેરોકટોક મૂડીવાદે સર્જેલું અકરાંતીયાપણું, ખાઉધરાપણું અને આર્થિક અસમાનતાએ માઝા મૂકી છે. આજે અબજોપતીઓ અને તેની સાથે નવોદીત મધ્યમવર્ગી વ્યવસાયકારોની સંખ્યા વધી છે. પણ તેની સાથે શિક્ષિત બેકારોની સંખ્યા પણ વધી છે. આજે આઝાદીના 75 વર્ષ પછી પણ આજે દેશનાં 37 ટકા લોકો ગરીબી રેખા હેઠળ પશુ જેવું જીવન જીવી રહ્યાં છે. અસંખ્ય બાળકો પૌષ્ટિક આહાર વગર લાચારીથી જીવી રહ્યાં છે. આવા સંજોગોમાં ગાંધીવાદી અર્થશાસ્ત્ર જો ખાઉધરી મૂડીવાદી વ્યવસ્થા અને માનવ હિંસાથી ભરેલી સામ્યવાદી વ્યવસ્થાનાં વિકલ્પ તરીકે યોગ્ય લાગે તો તે વિચારવા લાયક છે. શરાબીના એક ઉકેલ તરીકે ગાંધીજીએ ટ્રસ્ટાશિપનો સિધ્ધાંત બતાવ્યો હતો. તે મુજબ ધનિકોએ સ્વૈચ્છિક રીતે તેમણે રળેલા ધનનો થોડોક હિસ્સો દેશના કલ્યાણ અને ઉત્થાન માટે ફાળવવો જરૂરી છે. રાજય તો સત્તાનું આંધળું માનવ યંત્ર છે. તેમાં સત્તા પર ચીટકી રહેવા માટે સગવડીયું પાર્ટી પોલિટીકસ હોય છે. રાજય આ કામ નહીં કરે. તેથી ધનિક વ્યકિતઓએ અને બીઝનેસ કોર્પોરેશન્સે સમજીને તેમની નૈતિક અને સામાજિક જવાબદારી બજાવવી જરૂરી છે. ગાંધીજી પોતે કહેતા કે‘હું ધનિકો પાસેથી ફંડફાળા ઉઘરાવું છું, પણ કામ ગરીબો માટે કરૂં છું.’

આજે ગાંધીવાદી અર્થશાસ્ત્ર તથા‘ગાંધીગીરી’ ઘણાંને વાસ્તિવક અને રેશનલ કરતા ‘પોયેટીક’ જરૂર લાગે પણ આજે ખૂદ યુરોપ અને અમેરિકામાં‘વેલ્ફેર ઇકોનોમીકસ’નું આંદોલન ચાલી રહ્યું છે. તે ‘ધી ન્યુ ઇકોનોમિક મુવમેન્ટ’ તરીકે પણ જાણીતું છે. નોબેલ વિજેતા આમર્ત્ય સેને તેને ટેકો આપ્યો છે.ગાંધીવાદી રીતરસમો નવા સ્વરૂપમાં પશ્ચિમમાં પાંગરી રહી છે. તેનો મુદ્રાલેખ આ છે: ‘Together we can Change the Rules to Make the Economy work for Everyone’’. ગાંધીએ આ જ વાત તેમના જમાનામાં કહી અને આચરી બતાવી હતી.

3. ગાંધીજીનો બહુસાંસ્કૃતિક વાદ:

બહુસાંસ્કૃતિકવાદ (મલ્ટીકલ્ચરાલીઝમ) શબ્દ અને તેનો ખ્યાલ આધુનિક છે. તે 1960નાં દાયકામાં પશ્ચિમના દેશોમાં જન્મ્યો હતો. તે મુજબ દેશમાં વસતિ વિવિધ કોમો અને વંશીય જૂથોને તેમનો ધર્મ, રીતરિવાજ, માન્યતાઓ અને ભાષા પાળવાનો અધિકાર છે. ખાસ કરીને લઘુમતી જૂથોને આ વાત વધારે લાગુ પડે છે. એશિયા અને આફ્રિકામાંથી લાખોની સંખ્યામાં કેનેડા, બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્થળાંતર થતા જયારે ડાયસ્પોરીક માઇનોરીટીઝનાં અધિકારોનો સવાલ ઉભો થયો ત્યારે મલ્ટી કલ્ચરાલીઝમ ચર્ચાનો વિષય બન્યો. બીજી તરફ ભારત પરાપૂર્વથી બહુ સાંસ્કૃતિકવાદને વરેલું છે. આ દેશમાં હિંદુ અને જૈન ઉપરાંત બૌધ્ધો, મુસ્લીમો, શીખો, ખ્રિસ્તીઓ, ઇશ્વરવાદીઓ અને નીરીશ્વરવાદીઓ સૈકાઓથી વસવાટ કરે છે. તેથી જયારે બ્રિટીશ શાસકોએ ભાગલાવાદી નીતિ અપનાવી ત્યારે ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિની લાંબી પરંપરાને સજીવન કરી અને તેને ‘સર્વધર્મ સમભાવ’નું નામ આપ્યું. ‘સર્વધર્મસમભાવ’નો ખ્યાલ પશ્ચિમના મલ્ટીકલ્ચરાલીઝમ કરતા ઘણો પાકટ અને કલ્યાણમય છે. તે ‘વિવિધતામાં એકતા’ની ભાવના પર રચાયો છે. આજના કોમી વેરઝેરનાં સંદર્ભમાં આ બાબતને વધારે સારીરીતે ઉપસાવવા 1909માં ગાંધીજીએ પ્રસિધ્ધ કરેલ ગ્રંથ ‘હિંદ સ્વરો’માંથી એમના શબ્દો ટાંકીશું:

‘એક પ્રજા થઇને રહેનાર માણસો એકબીજાના ધર્મમાં માથુ નથી મારતા. જો માથુ મારે તો સમજવું કે તેઓ એક સીવીલ પ્રજા થવાને લાયક નથી. જો હિંદુ એમ માને કે આખું હિંદુસ્તાન હિંદુઓથી જ ભરેલું હોય તો તે સ્વપ્ન સમજવું. છતાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, જેઓ આ દેશમાં મુલક કરીને વસ્યા છે તેઓ એક દેશી,એક મુલ્કી ભાઇ છે. તેમણે એકબીજાને ભાઇ ગણીને એક થઇ રહેવું પડશે.’ સંજોગોમાં જીવનના અંત સુધી ગાંધીજીએ કોમી એખલાસની ભાવના ટકાવી રાખવા સંઘર્ષો કર્યા અને ઉપવાસો પણ કર્યા,અને છેવટે હિન્દુ-મુસ્લિમ એકતા માટે પોતાના જાનની પણ આહૂતી આપી.

જો કે અંતમાં મહંમદઅલી ઝીણા, એમનો ભાગલાવાદી પક્ષ મુસ્લિમ લીગ અને બ્રિટીશરો સફળ થયા હતાં અને પાકિસ્તાનનું સર્જન કરીને જ જંપ્યા હતા. હિંદના ભાગલા પહેલાંનો તેમજ સ્વતંત્ર ભારતનો કોમી ઇતિહાસ એટલો બધો ઝેરીલો અને કડવો છે કે આજે ભારતનાં મોટા ભાગના હિંદુઓ મુસલમાનોને ભાગલાવાદી ગણે છે. ગમે તે કારણ હોય, હકીકત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી હિંદુત્વની ભાવના પર રચાયેલો ઉગ્ર રાષ્ટ્રવાદ મુસ્લિમ-વિરોધી છે. જો કે આજે ખરી જરૂરીયાત હિન્દુત્વ-આધારીત આક્રમક રાષ્ટ્રવાદની નહીં પણ દેશમાંથી ગરીબી અને બેકારી હઠાવવાની છે. દેશની વિવિધ કોમોએ આંતરીક ભેદભાવો ભૂલીને એક સંપ થયા વગર છૂટકો જ નથી. જો આપણે એકતા સાધીશું તો ટકીશું, જો વિભાજીત થઇશું તો પડી ભાંગી જઇશું.

દક્ષિણ આફ્રિકા અને ત્યારબાદ ગાંધીજીએ વિવિધ પંથો, કોમો, ધર્મો અને વર્ગોના માણસો સાથે વાર્તાલાપો સર્જીને પ્રશ્ન ઉકેલ્યા હતા. તેઓ રાજયને ઇશ્વરદત્ત કે ધર્મગુરૂઓ આધારીત થીયોક્રેટીક સંસ્થા નહીં પણ લોકશાહીવાદી સેકયુલર સંસ્થા ગણતા હતાં. ગાંધીજી ધર્મને રાજકારણ સાથે જરૂર જોડતા હતાં પણ તેની સાથે તેઓ દૃઢપણે માનતા હતાં કે રાજય પૂરેપૂરું ધર્મનિરપેક્ષ હોવું જોઇએ. ધર્મગુરુઓ કે ધાર્મિક સંસ્થાઓ સાથે રાજયનું કોઇ વિધિવત જોડાણ હોવું જોઇએ નહીં, તેમજ ધાર્મિક સંસ્થાઓને કોઇપણ પ્રકારનો રાજકીય કે આર્થિક ટેકો રાજયે આપવો જોઇએ નહીં. રાષ્ટ્રીય એકતાનો મુખ્ય આધાર કોઇ એક ધર્મ નહીં પણ વિવિધ પ્રકારના લોકો તેમજ સેકયુલર,રેશનલ અને પ્રોગ્રેસીવ વિચારો વચ્ચેનું આદાનપ્રદાન છે. ગાંધીજીનું એક વિશિષ્ટ પ્રદાન એ હતું કે એમણે અહિંસા, સહિષ્ણુતા, ધર્મ, અધ્યાત્મ, નીતિભાવના, રાજકારણ, સમાજકારણના તારો ખેંચી ખેંચીને તે માનવકલ્યાણ સાથે જોતર્યા હતા. આજે તેની ખોટ વર્તાય છે.

4. ગાંધીજી અને તેમના પાયાના કાર્યકરો:

આઝાદી પ્રાપ્ત કરવા તેમજ રચનાત્મક કાર્યો કરવા ગાંધીજીએ હજારોની સંખ્યામાં ગ્રાસરૂટસ વર્કર્સની મદદ લીધી હતી. હકીકતમાં ગાંધીજીને નિ:સ્વાર્થ અને આત્મસમર્પણની ભાવનાવાળા કાર્યકરો તેમની દક્ષિણ આફ્રિકાની લડત વખતે મળ્યા હતાં અને મોટે ભાગે તે સુરત અને દક્ષિણ ગુજરાતના હતાં. દક્ષિણ ગુજરાત માટે આજે પણ આ એક ગૌરવ અનુભવવા જેવો વિષય છે. બેરીસ્ટર ગાંધી જયારે દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે તથા હિંદીઓનાં નાગરિક અને રાજકીય અધિકારો માટે સત્યાગ્રહો કરી રહ્યાં હતાં ત્યારે પ્રાગજી દેસાઇ, અહમદ કાછલીયા,મનસુખલાલ નાઝર અને સોરાબજી અડાજણીયા જેવા પાયાના કાર્યકરો ઉપરાંત સેંકડોની સંખ્યામાં કોળી પટેલો તેમની પડખે રહ્યાં હતાં. 1915માં ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા પછી પણ કલ્યાણજી મહેતા,કુંવરજી મહેતા, દયાળજી દેસાઇ, ખંડુભાઇ દેસાઇ, મીઠુબહેન પીટીટ, જયોત્સનાબહેન શુકલ, કાનજીભાઇ દેસાઇ અને ઝીણાભાઇ દેસાઇ જેવા અસંખ્ય પાયાના કાર્યકરો સાંપડયા હતા.

કોટલા મહેતા અને અમરસિંહ ગામીત જેવા આદિવાસી નેતાઓ પણ પાયાના કાર્યકરો હતાં.બારડોલી સત્યાગ્રહ અને વેડછી આંદોલન તેમના સહકાર વગર સફળ થઇ શકયું ના હોત. ઇતિહાસમાં મોટા મોટા આંદોલનો માત્ર ટોચના નેતાઓએ નથી કર્યા, તે વિશાળજનતાએ, સામાન્ય લોકોએ કર્યા છે. ગાંધીજી આ વાત જાણતા હતાં.સ્વતંત્ર ભારત પ્રત્યેના ગાંધીના વીઝનને દક્ષિણ ગુજરાતના નિ:સ્વાર્થ સ્ત્રી પુરૂષો અને વિદ્યાર્થીઓએ ઓપ આપ્યો હતો. દક્ષિણ ગુજરાતનો આમ આદમી ઇતિહાસ ઘડવામાં અગ્રેસર હતો. બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતો અને આદિવાસીઓ અગ્રેસર હતાં. વિશાળ દ્રષ્ટિએ જોઇએ તો યુગપુરુષ ગાંધીના વારસો સામાન્ય માણસો સાથેના સંપર્ક દ્વારા વધારે ઉન્નત બન્યો છે. સામાન્ય માણસો પણ પરિવર્તનના પ્રવાહકો હતા. દક્ષિણ ગુજરાતનો પ્રજાકીય વારસો આજે યાદ કરવા જેવો જ છે.

Most Popular

To Top