નથુરામ ગોડસેએ ગાંધીજીની એક વખત હત્યા કરી હતી, પણ કેટલાક આંધળા ગાંધી વિરોધીઓ તેમના વિચારોને સમજ્યા વિના ખોટા પ્રચાર વડે તેમની વારંવાર હત્યા કરી રહ્યાં છે.આ વિરોધીઓ માટે સોશ્યલ મીડિયા હાથવગું સાધન થઇ ગયું છે. વ્હોટ્સ એપ પર આજકાલ નથુરામ ગોડસેનું એક ભાષણ બહુ ફોરવર્ડ થઇ રહ્યું છે, જે તેણે પોતાના બચાવમાં કોર્ટમાં આપ્યું હતું. દુનિયાનો કોઇ પણ ખૂની પોતાનાં દુષ્કૃત્યને વાજબી ઠરાવતી દલીલો શોધી કાઢતો હોય છે. નથુરામ ગોડસેની દલીલોને સમજ્યા વગર કે ચકાસ્યા વગર ફોરવર્ડ કરનારાઓ ગાંધીજીને અન્યાય કરી રહ્યાં છે. ગોડસેને જો પોતાની વાત સાચી લાગતી હતી તો તેણે જાહેરમાં ગાંધીજી સાથે ચર્ચા કરવી જોઇતી હતી અને તેમને ખોટા સાબિત કરવા હતાં. જેઓ નૈતિક રીતે પોતાની વાતને સાચી પુરવાર ન કરી શકે તેમ હોય તેવા કાયરો જ બંદૂકનો ઉપયોગ કરતા હોય છે. અહીં નથુરામ ગોડસેએ ગાંધીહત્યાના સમર્થનમાં જે દલીલો કરી હતી તેનો પોઇન્ટ ટુ પોઇન્ટ ઉત્તર આપવાની કોશિષ કરવામાં આવી છે.
૧. નથુરામ ગોડસે માનતો હતો કે, ગાંધીજીની અહિંસા હિન્દુઓને કાયર બનાવી દેશે. આ માટે ગોડસે કાનપુરમાં ટોળાંની હિંસાના શિકાર થયેલા ગણેશ શંકર વિદ્યાર્થીનું ઉદાહરણ આપે છે. ગાંધીજી કહેતા હતા કે, હિન્દુઓએ પણ ગણેશની જેમ બલિદાન આપવા તૈયાર રહેવું જોઇએ. ગોડસે માનતો હતો કે, ગણેશ શંકર વિદ્યાર્થીની હત્યા મુસલમાનોનાં ટોળાંએ કરી હતી. હકીકત એ છે કે ગણેશની હત્યા મુસ્લિમોએ કરી હતી તેના કોઇ પુરાવા નથી. કાનપુરમાં ઇ.સ.1931માં કોમી રમખાણો થયાં હતાં તેમ ઇતિહાસ કહે છે. તેમાં કુલ 125 લોકો મરી ગયા હતા, જેમાં હિન્દુઓ તેમ જ મુસ્લિમોનો પણ સમાવેશ થતો હતો. આ 125 લોકોમાં ગણેશ શંકર વિદ્યાર્થી પણ હતો, જે કોંગ્રેસનો કાર્યકર હતો.
હિન્દુ પ્રજા હજારો વર્ષોથી બહાદુર પણ સમજદાર પ્રજા તરીકે જાણીતી છે. જો ગાંધીજી નામની એક વ્યક્તિ પોતાનાં વિચારોની તાકાત વડે હિન્દુઓને કાયર બનાવી શકતી હોય તો હિન્દુ પ્રજા દુનિયાની સૌથી નબળી પ્રજા હોવી જોઇએ, જે કોઇના પણ વિચારોથી પોતાનું શૌર્ય ભૂલી જાય. હકીકતમાં જેઓ નીડર હોય છે, તેઓ સહનશીલ અને ક્ષમાશીલ પણ હોય છે. ગોડસે જેવા કાયરો ડરપોક હોય છે, માટે તેમને હથિયારની જરૂર પડતી હોય છે. ગાંધીજી કાયર નહોતા.
૨. નથુરામ ગોડસે કહે છે કે, ઇ.સ.1919માં જનરલ ડાયરે કરેલા જલિયાંવાલા બાગ નરસંહારને કારણે આખો દેશ અંગ્રેજોની વિરુદ્ધમાં થઇ ગયો હતો. કેટલાક લોકો જનરલ ડાયર પર ખટલો ચલાવવાની માગ લઇને ગાંધીજી પાસે આવ્યા, પણ તેમણે ઇનકાર કરી દીધો હતો. આ વાત તદ્દન કપોળકલ્પિત છે. જનરલ ડાયર પર મુકદ્દમો ચલાવવાની સત્તા ગાંધીજી કે કોંગ્રેસના કોઇ નેતા પાસે હતી જ નહીં. માટે ગાંધીજી પાસે આવી દરખાસ્ત લઇને આવવાનો કોઇ મતલબ જ નહોતો. ગાંધીજીએ કોંગ્રેસ કાર્યકરોને એટલી જ સલાહ આપી હતી કે હિંસાનો જવાબ હિંસા હોઇ શકે નહીં. ૩. નથુરામ ગોડસે આક્ષેપ કરે છે કે, ગાંધીજીએ મુસ્લિમોના ખિલાફત આંદોલનને ટેકો આપીને ભારતનાં રાજકારણમાં સાંપ્રદાયિકતાનું ઝેર ઘોળ્યું. હકીકતમાં ગાંધીજીએ ખિલાફત આંદોલનને ટેકો આપીને મુસ્લિમોને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવા સમજાવી લીધા હતા. ખિલાફત આંદોલનને ટેકો આપીને ગાંધીજીએ ભારતમાં હિન્દુ-મુસ્લિમ એકતા હાંસલ કરી હતી.
૪. નથુરામ ગોડસે કહે છે કે, ગાંધીજી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસી અટકાવી શકતા હતાં, પણ તેઓ તેમ કરવા તૈયાર નહોતા. હકીકત એ છે કે ગાંધીજી ભારતના વાઇસરોય નહોતા કે સ્વાતંત્ર્ય સેનાનીઓની ફાંસીની સજા માફ કરી શકે. તેમના હાથમાં તેવી કોઇ સત્તા નહોતી. હકીકતમાં ગાંધીજીએ તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિન સમક્ષ ફાંસીની સજા માફ કરવા રજૂઆત કરી હતી, પણ તેનું પરિણામ આવ્યું નહોતું. ગાંધીજી અહિંસાના પૂજારી હોવાથી સ્વતંત્રતા મેળવવા માટે કોઇ પણ પ્રકારની હિંસાના વિરોધી હતા; તે માટે તેમને દોષ હરગિઝ દઇ શકાય નહીં. ૫. નથુરામ ગોડસે કહે છે કે, ગાંધીજીએ કહ્યું હતું કે ભારતના ભાગલા તેમના મૃતદેહ પર પડશે, પણ ઇ.સ. 1947 14મી જૂને દિલ્હીમાં મળેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં તેમણે દેશના ભાગલાના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. આ હડહડતું જૂઠાણું છે.
હકીકતમાં ઉપરોક્ત બેઠકમાં ગાંધીજી ભાગલાની વિરુદ્ધમાં જ બોલ્યા હતા, જેમાં જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા અને બાદશાહ ખાન જેવા નેતાઓએ પોતાનો સૂર પૂરાવ્યો હતો. હકીકતમાં જવાહરલાલ નેહરુએ અને સરદાર પટેલે ગાંધીજીને અંધારામાં રાખીને અંગ્રેજોનો ભાગલાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો તેનો ગાંધીજીને કારમો આઘાત લાગ્યો હતો. માટે તેમણે લાચારીવશ દેશના ભાગલા સ્વીકારી લીધા હતા. ૬. નથુરામ ગોડસે કહે છે કે, પાકિસ્તાને ઇ.સ. 1947ની 22મી ઓક્ટોબરે કાશ્મીરમાં ભારત સામે યુદ્ધ છેડી દીધું હતું તો પણ ગાંધીજીએ પાકિસ્તાનને કુલ 75 કરોડ પૈકી બાકીના 55 કરોડ રૂપિયા અપાવવા આમરણ ઉપવાસ કર્યા હતા. હકીકતમાં ગાંધીજીના ઉપવાસ હિન્દુ-મુસ્લિમ રમખાણોના અંત માટે હતાં. ગાંધીજીની વાત એટલી જ હતી કે, આપણે કોઇને વચન આપ્યું હોય તો પાળવું જોઇએ. ઉપવાસ પાછળનો તેમનો ઉદ્દેશ પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા અપાવવાનો નહોતો માટે જ સરકારે પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો તે પછી પણ તેમના ઉપવાસ ચાલુ રહ્યાં હતાં.