રેલવેમાં ભરતી બાબતમાં બિહારમાં અને ઉત્તર પ્રદેશમાં યુવાનોનાં જે હિંસક તોફાનો ફાટી નીકળ્યાં છે, તેના મૂળમાં દેશમાં વધી રહેલી બેકારી અને હતાશા છે. આ યુવાનોની મુખ્ય ફરિયાદ રેલવેની પ્રવેશ પરીક્ષાની ટેકનિકલ ખામીઓ અને ભરતીની પ્રક્રિયા સામે છે, પણ તેમની મુખ્ય સમસ્યા બેરોજગારી છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં કુલ ૨,૮૩,૭૪૭ નોકરીઓ જાહેર કરવામાં આવી હતી, જેના માટે આશરે ચાર કરોડ યુવાનો દ્વારા અરજી કરવામાં આવી હતી, પણ તેમાંના ૧.૩૨ લાખને જ નોકરી મળી શકી છે. બીજા શબ્દોમાં નોકરી માટે અરજી કરનારા ૩.૯૮ કરોડ ૬૮ લાખ યુવાનો હતાશાનો ભોગ બન્યા હતા. તાજેતરમાં ૩૫,૨૮૧ જગ્યાઓ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી તેના માટે ૧.૨૫ કરોડ યુવાનો દ્વારા અરજી કરવામાં આવી હતી. દર ૧૦૦ ભારતીયે એકે નોકરી માટે અરજી કરી હતી. યુવાનોની મુખ્ય ફરિયાદ એ છે કે જે નોકરીમાં ૧૨મું ધોરણ પાસ માગવામાં આવે છે તેમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉમેદવારોને તક આપવી ન જોઈએ. તેને કારણે સ્પર્ધા અસમાન બની જાય છે.
રેલવેની ભરતી પ્રક્રિયામાં ક્યાં ગરબડ થઈ? તે સમજવા માટે તેમાં થોડા ઊંડા ઊતરવું પડશે. ૨૦૧૯માં રેલવે ભરતી બોર્ડ દ્વારા ૩૫,૨૮૧ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મગાવવામાં આવી હતી. આ ભરતી નોન ટેકનિકલ સ્ટાફની હતી, જેમાં જુનિયર ક્લાર્ક, ટ્રેન આસિસ્ટન્ટ, ગાર્ડ, સિનિયર ટાઇમકીપર, સ્ટેશન માસ્ટર વગેરેનો સમાવેશ થતો હતો. આ હોદ્દાઓ માટે મહત્તમ પગાર મહિને ૩૫,૦૦૦ રૂપિયાનો હતો. ૩૫,૨૮૧ જગ્યાઓ માટે રેલવેને સવા કરોડ કરતાં પણ વધુ અરજીઓ મળી હતી. રેલવે દ્વારા તેમની પરીક્ષા બે તબક્કામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સવા કરોડ યુવાનોની પરીક્ષા કોમ્પ્યુટરના આધારે લઈને તેમાંથી સાત લાખ યુવાનો નક્કી કરવાના હતા. તેમની બીજા તબક્કાની પરીક્ષા લઈને ૩૫,૨૮૧ની પસંદગી કરવાની હતી. રેલવે દ્વારા પહેલા તબક્કાની પરીક્ષાનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં તેમાં આશરે સાત લાખ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, પણ હકીકતમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સાત લાખ કરતાં ઘણી ઓછી હતી.
સાત લાખ વિદ્યાર્થીઓને પાસ કરવા પાછળનો તર્ક એવો હતો કે દર ખાલી જગ્યાદીઠ ૨૦ વિદ્યાર્થીને અંતિમ રાઉન્ડ સુધી પહોંચવાની તક મળવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓએ એક કરતાં વધુ પોસ્ટ માટે પરીક્ષાઓ આપી હતી. ઘણા વિદ્યાર્થીઓ દ્વારા ચાર-ચાર પોસ્ટ માટે પરીક્ષાઓ આપવામાં આવી હતી અને તેઓ બધી પરીક્ષાઓમાં પાસ થયા હતા. તેને કારણે હકીકતમાં પરીક્ષા આપનારા સવા કરોડ પૈકી સવા લાખ વિદ્યાર્થીઓ જ પહેલા તબક્કામાં પાસ થયા હતા. આ ગરબડને કારણે દરેક ખાલી જગ્યાદીઠ સરેરાશ ત્રણ ઉમેદવારોને જ છેલ્લા રાઉન્ડમાં પહોંચવાની તક મળી હતી. તેને કારણે નપાસ થયેલા વિદ્યાર્થીઓ હતાશામાં આવી ગયા હતા. વિદ્યાર્થીઓની હતાશાનું બીજું કારણ પરીક્ષાની પ્રક્રિયા પૂરી કરવામાં થયેલો અસહ્ય વિલંબ હતો. આ પરીક્ષાના ફોર્મ છેક ૨૦૧૯માં ભરાવવામાં આવ્યા હતા. પરીક્ષા ૨૦૧૯ના સપ્ટેમ્બર મહિનામાં લેવાની હતી, પણ કોઈ કારણસર લેવાઈ શકી નહોતી.
પહેલા તબક્કાની પરીક્ષા ૨૦૨૦ના ડિસેમ્બરથી ૨૦૨૧ના જુલાઈ દરમિયાન લેવામાં આવી હતી. તેનાં પરિણામો ૨૦૨૨ના જાન્યુઆરીમાં જાહેર કરવામાં આવ્યાં હતાં. પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં ૬ મહિનાનો સમય લાગ્યો હતો. રેલવે ભરતી બોર્ડ કહે છે કે સવા કરોડ યુવાનોએ પરીક્ષા આપી હોવાથી પરિણામો તૈયાર કરવામાં વિલંબ થયો હતો. પરીક્ષાની પ્રક્રિયા બે વર્ષ કરતાં વધુ સમય ચાલી હોવાથી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો અધીરા બની ગયા હતા. તેમાં પણ પ્રથમ તબક્કામાં માત્ર ૧૦ ટકા યુવાનો ઉત્તીર્ણ થયા હતા. બીજા તબક્કાની પરીક્ષા ૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવવાની હતી. તેને પણ મુલતવી રાખવામાં આવી છે. આ કારણે લાખો યુવાનો હતાશ થઈ ગયા હતા.
રેલવે ભરતી બોર્ડ દ્વારા જ્યારે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે પરીક્ષા બે જ તબક્કામાં લેવામાં આવશે. પહેલા તબક્કામાં આશરે સવા કરોડ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. તેમાં આશરે ૧૨.૫ લાખ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. તેમને બીજા તબક્કાની પરીક્ષા માટે લાયક ગણવાને બદલે તેમને પહેલા તબક્કાના બીજા લેવલની પરીક્ષા આપવાનું કહેવામાં આવ્યું હતું. તેને કારણે યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા, કારણ કે તેમણે ફાઇનલ પરીક્ષા આપતા પહેલાં એક વધુ કોઠો ભેદવાનો હતો, જેની તેમણે તૈયારી જ રાખી નહોતી.
અહીં મુખ્ય મુદ્દો પ્રવેશ પ્રક્રિયા નથી પણ દેશમાં વધી રહેલી બેકારી છે. ભાજપની સરકાર દેશના દરેક યુવાનોને રોજગાર આપવાનાં વચન સાથે સત્તા પર આવી હતી. ભાજપના સાત વર્ષના શાસનમાં બેકારીનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે. નેશનલ સેમ્પલ સર્વેના આંકડાઓ મુજબ ૨૦૧૭-૧૮માં દેશનો બેકારી આંક ૬.૧ ટકા પર પહોંચી ગયો હતો, જે ૧૯૭૨-૭૩ પછી વધુમાં વધુ હતો. આ આંકડાઓ ૨૦૧૯ની ચૂંટણી સુધી છૂપાવી રાખવામાં આવ્યા હતા. કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા અવિચારી રીતે લોકડાઉન લાદવામાં આવ્યું તેને કારણે બેકારીની પરિસ્થિતિ એકદમ વણસી ગઈ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડાઓ મુજબ દેશમાં નવી રોજગારી પેદા થવાના દરમાં આશરે ૬૦ ટકા જેટલો ઘટાડો થયો છે. ૨૦૧૬માં દેશના ૪૩ ટકા નાગરિકો પાસે આજીવિકાનું સાધન હતું. ૨૦૨૧માં તે ઘટીને ૩૭ ટકા થઈ ગયા હતા.
ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં બેકારીની સમસ્યા વધુ વિકરાળ છે. આ બે રાજ્યોના કરોડો કામગારો અન્ય રાજ્યોમાં દૈનિક મજૂરી કરતા હતા. લોકડાઉનને કારણે તેમની રોજગારી ઝૂંટવાઈ જતા તેઓ કરોડોની સંખ્યામાં પોતાના વતન પાછા ફર્યા હતા. આ બે રાજ્યોમાં ભાજપના મોરચાની સરકાર છે, પણ સરકાર પાછા ફરેલા મજૂરોને થાળે પાડવામાં નિષ્ફળ ગઈ હતી. તેમાંના કેટલાક મજૂરો પાછા ફર્યા હતા, કેટલાક ખેતીના કામમાં જોડાઈ ગયા હતા. બાકીના યુવાનો માટે એકમાત્ર આશા સરકારી નોકરી હતી. તે આશા પણ હવે નિરાશામાં પરિવર્તિત થઈ છે.
દેશમાં એક બાજુ ગરીબી વધી રહી છે, બેકારી વધી રહી છે, અને અસમાનતા પણ વધી રહી છે. ગરીબ માણસ આખો દિવસ મજૂરી કરીને પેટનો ખાડો ભરી શકતો નથી; જ્યારે ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિઓ એર કન્ડિશન્ડ કેબિનમાં બેઠા બેઠા રોજના ૧,૦૦૦ કરોડ રૂપિયા કમાઈ શકે છે. કોરોના મહામારી દરમિયાન દેશના જે ૨૦ ટકા સૌથી ગરીબ પરિવારો છે, તેમની દૈનિક આવકમાં ૫૩ ટકા જેટલો સરેરાશ ઘટાડો થયો છે. બીજી બાજુ જે સૌથી ધનવાન પરિવારો છે, તેમની દૈનિક આવકમાં ૪૦ ટકા જેટલો વધારો થયો છે. આ સમાચારો આજના યુવાનો અખબારોમાં વાંચે છે ત્યારે તેમના મગજમાં રોષ પેદા થાય છે. તેમાં રેલવેમાં નોકરીની આશા નિરાશામાં પરિણમે ત્યારે ભારેલો અગ્નિ ભભૂકી ઉઠે છે. સરકાર રામ મંદિર અને સીએએ જેવા મુદ્દાઓ દ્વારા યુવાનોનું ધ્યાન બીજે વાળવા માગે છે, પણ પેટની આગ કોઈ ભૂલી શકતું નથી. જો ભાજપ સરકાર ગરીબી, બેકારી અને મોંઘવારીની સમસ્યા દૂર નહીં કરે તો મતદારો તેને પાઠ ભણાવ્યા વિના રહેશે નહીં.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.