નડિયાદ: કઠલાલમાં શનિવારના રોજ રાત્રીના સમયે હિન્દુ-મુસ્લિમ યુવકોના ટોળા વચ્ચે સોશ્યલ મિડીયામાં વિડિયો અપલોડ કરવા મુદ્દે તકરાર થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલાં મુસ્લિમોના ટોળાએ લાકડીઓ તેમજ ઘાતક હથિયારો વડે હુમલો કરી બે હિન્દુ યુવકોને ઈજા પહોંચાડી હતી. જ્યારે સામે પક્ષે એક મુસ્લિમ યુવક ઘાયલ થયો હતો. આ મામલે કઠલાલ પોલીસે બંને પક્ષોની ફરીયાદ લઈ કુલ નવ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કઠલાલમાં રહેતો ૨૭ વર્ષીય જ્યોતિન્દ્ર નરેશભાઈ ભાવસાર વડોદરા ખાતેથી ગત શનિવારના રોજ રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં મિત્ર પિન્ટુ રબારી, અમિત બારૈયા, અમિત વ્યાસ તેમજ અક્ષય રબારી સાથે આંટો મારવા નીકળ્યો હતો.
આ પાંચેય મિત્રો ગામમાં આવેલ કળીયાવાડના નાકેથી ચાલતાં-ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે ત્યાં આસીફ કારીગર, અનિસ ચૌહાણ, જીગર વ્હોરા અને સાદિલ સીરાજ વ્હોરા સહિત વીસેક જેટલાં મુસ્લિમો પાનના ગલ્લે એકઠાં થઈને ધંધુકામાં થયેલ યુવકની હત્યા બાબતે ખોટી વાતો કરી રહ્યા હતાં. દરમિયાન આ મુસ્લિમોના ટોળાનું ધ્યાન નજીકમાંથી પસાર થતાં જ્યોતિન્દ્ર અને તેના મિત્રો ઉપર ગયું હતું. જેથી તેઓએ ગમેતેમ અપશબ્દો બોલી જ્યોતિન્દ્ર અને તેના મિત્રોને ઉશ્કેર્યાં હતાં. તેમછતાં જ્યોતિન્દ્ર અને તેના મિત્રોએ મુસ્લિમોના ટોળા તરફ કોઈ ધ્યાન આપ્યું ન હતું. જોકે, ગામનું વાતાવરણ ડહોળવા માંગતાં મુસ્લિમોના ટોળાએ જ્યોતિન્દ્ર અને તેમના મિત્રો સાથે બોલાચાલી કરી હતી અને આ હિંદુઓ આપણાં વિશે ખોટી વાતો કરી, ખોટા વિડિયો મોબાઈલમાં અપલોડ કરતાં હોવાનો આક્ષેપ મુકી ઝઘડો કર્યો હતો.
જે તે વખતે જ્યોતિન્દ્ર અને તેના મિત્રોએ મુસ્લિમોના ટોળાને સમજાવી, વાતાવરણ ખરાબ ન કરવા જણાવ્યું હતું. તેમછતાં મુસ્લિમોનું ટોળા પૈકી આસીફ કારીગરે હાથમાંની લાકડી જ્યોતિન્દ્રના માથાના ભાગે ફટકારી દીધી હતી. તેમજ મહંમદ ચૌહાણે તલવાર કાઢી અક્ષય રબારીને મારી હતી. જેથી બંને જણાં લોહીલુહાણ થઈ ગયાં હતાં. તે વખતે ટોળાએ આ હિંદુઓને અહીંથી જીવતા જવા દેવાના નથી તેમ કહી ઉશ્કેરણી કરી હતી. જેથી મુસ્લિમોનું ટોળું હિન્દુ યુવકોને મારવા ઘસી આવ્યું હતું. આ મામલે જ્યોતિન્દ્ર ઉર્ફે જય દેવીદાસ ઉર્ફે નરેશભાઈ ભાવસારની ફરીયાદને આધારે કઠલાલ પોલીસે આસીફ સફીભાઈ કારીગર, અનિસ મહંમદમીયાં ચૌહાણ, જીગર વ્હોરા અને સાદિલ સીરાજ વ્હોરા સહિત મુસ્લિમોના ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.