સુરત: (Surat) જાણીતા હેર સ્ટાઈલિસ્ટ (Hair Stylist) જાવેદ હબીબ (Javed Habib) એક મહિલાના વાળ કાપતી વખતે થૂંકતા હોવાનો ચકચારી વિડીયોના કારણે વાળંદ સમાજના મૂળભૂત ક્ષૌરકર્મ અને મહિલાનું અપમાન કર્યું હોવાથી જાવેદ હબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે સુરતમાં વાળંદ યુવા શક્તિ બ્યુટી સલોન એસો. દ્વારા શનિવારે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
દેશના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આયોજિત વર્કશોપ દરમિયાન જાવેદ હબીબ નામનો જાણીતો હેર સ્ટાઇલિસ્ટ મહિલાના વાળ કાપતી વખતે તેના ઉપર થૂંકતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. આવી કરતૂત બદલ જાવેદ હબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે શનિવારે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત અર્થે પહોંચેલા સુરતમાં વાળંદ યુવા શક્તિ બ્યુટી સલોન એસો.ના આગેવાનોએ જણાવ્યું હતું કે, વાળંદ સમાજ દ્વારા કરવામાં આવતી ક્ષૌરકર્મની કામગીરી પ્રવિત્ર છે. અને દરેક મહિલાનું સન્માન કરવું અમારી ફરજ છે. જેથી આ પ્રકારની વાળંદ સમાજને અપમાનિત કરતું કૃત્ય આચરનાર જાવેદ હબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
આ છે સમગ્ર ઘટના
ઉત્તરપ્રદેશના મુઝ્ઝફરનગર જનપદમાં હાઈવે ખાતે આવેલી એક હોટલમાં હેર કટિંગનો ટ્રેનિંગ સેમિનાર આયોજિત કરાયો હતો. આ સેમિનારમાં જાવેદ હબીબ એક બ્યૂટીશયનને વાળની સંભાળ રાખવાની તાલીમ આપતા ડેમોસ્ટ્રેશન આપી રહ્યાં છે. દરમિયાન હબીબે એક મહિલાને મંચ પર બોલાવી હતી અને મહિલાના વાળ ડ્રાઈ હોવાના લીધે તેના વાળ પર થૂંક દીધું હતું. જાવેદ હબીબની આ હરકતનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સંદર્ભે અલગ અલગ ચર્ચા થઈ રહી છે.
વર્કશોપમાં જાવેદ હબીબે મહિલાના વાળ પર થૂંકતી વેળા તેના થૂંકની ખાસિયત બતાવી હતી. તેઓ એવું કહેતાં પણ સાંભળવા મળ્યા હતા કે આ થૂંકમાં દમ છે. તે એમ પણ કહે છે કે વાળગંદા છે. કારણ કે શેમ્પૂ કર્યું નથી. ત્યાર બાદ મહિલાના વાળમાં કાંસકો ફેરવતા વર્કશોપમાં સામેલ અન્ય મહિલા અને પુરુષોને પૂછે છે કે જો વાળમાં પાણી ઓછું હોય તો.. અને ત્યાર પછી મહિલાના વાળમાં થૂંકતા નજરે પડે છે. આ આખીય હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે મહિલાના વાળમાં જાવેદ થૂંકે છે તે બડૌતમાં રહે છે. મહિલાએ વર્કશોપમાં ભાગ લીધો હતો. વીડિયો 3 જાન્યુઆરીનો હોવાનું જાણવા મળ્યું છે.