વ્યારા: (Vyara) તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની (South Gujarat) જીવાદોરીસમાન તાપી નદી (Tapi River) ઉપર ઉકાઈ જળાશય યોજનાની સ્થાપના તા.૨૯-૦૧-૧૯૭૨ના રોજ રૂ.૧૩૬ કરોડનાં ખર્ચે ડેમના બાંધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેનું લોકાર્પણ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના હસ્તે ઇ.સ.૧૯૭૨માં કરવામાં આવ્યું હતું. શનિવારે ઉકાઈ ડેમને (Ukai Dam) ૫૦ વર્ષ પૂરાં થતાં સુવર્ણ ઉત્સવ હેઠળ ઉકાઇ સિંચાઇ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા તાપી નદિના કિનારે ઉકાઈ ડેમના દીર્ઘાયુ માટે સૂર્ય પૂત્રી તાપી મૈયાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની મોટી નદીઓ પૈકી તાપી નદીના વિશાળ જળરાશીને દરિયામાં વહી જતું અટકાવીને આ ઉકાઈ યોજના બહુહેતુક યોજના રૂપે ઉકાઇ ડેમનું નિર્માણ કરાયું છે. સિંચાઇ, જળવીજ ઉત્પાદન, મત્સ્ય ઉત્પાદન, અંશતઃ પૂર નિયંત્રણ સિંચાઈ યોજના છે. જેમાં સમગ્ર ગુજરાતની સિંચાઈ યોજનાઓમાં સંગ્રહ થતાં પાણીનાં જથ્થાના ૪૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાનાં જળાશયમાં કુલ ૭,૪૧૪ મી. ઘનમીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાના પાણીનો ઉપયોગ સુરત, વલસાડ, નવસારી તેમજ ભરૂચ જિલ્લાની કુલ ૩.૭૯ લાખ હેક્ટર જમીનમાં સિંચાઈ માટે, ઔદ્યોગિક એકમોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા, પીવાના પાણી તરીકે ઉપરાંત ૮૫૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા થર્મલ પાવર સ્ટેશનની કુલિંગ સિસ્ટમ માટે કરવામાં આવે છે. હાલ ઉકાઇ ડેમ દ્વારા સિંચાઇ, જળ-વિદ્યુત ઉત્પાદન, મત્સ્ય ઉછેર, પીવાના પાણીની ઉપલબ્ધિ, ઔદ્યોગિક એકમોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. આ ડેમના નિર્માણ થકી ૩૦,૩૫૦ હેક્ટર ખેતીલાયક જમીન, ૭૪૮૫ હેક્ટર જમીન બીન ખેતીલાયક, ૨૨૨૬૦ હેક્ટર જંગલની જમીન સહિત કુલ ૧૭૦ ગામડાં ડુબાણમાં ગયાં હતાં.
એશિયામાં સૌથી લાંબો માટીયાર (અર્ધન) બંધ
ઉકાઈ બંધની કુલ લંબાઈ ૪,૯૨૬.૮૩ મીટર છે. જે પૈકી ૮૬૮.૮૩ મી. ચણતરબંધ તેમજ ૪,૦૫૮ મી. લંબાઈનો માટીયાર બંધ છે. જે સમગ્ર એશિયામાં સૌથી લાંબો માટીયાર બંધ છે. તાપી નદીમાં આવતા પૂરને નાથવા માટે ઉકાઈ ડેમમાં ૫૧ X ૪૮.૫ ફૂટ માપના કુલ ૨૨ દરવાજા મૂકવામાં આવેલા છે. દરેક દરવાજામાંથી મહત્તમ જળ સપાટીએ (૩૪૫ ફૂટ) ૫૧,૧૪૧ ઘન ફૂટ પ્રતિ સેકન્ડનો પ્રવાહ પસાર કરી શકાય છે. આ દરવાજાઓ દ્વારા તાપી નદીમાં આવતા મહાપૂર ઉપર નિયંત્રણ કરી મર્યાદિત માત્રામાં હેઠવાસમાં પાણી છોડી સુરત મહાનગરને પૂર દ્વારા થતી હાલાકીથી બચાવી લેવામાં આવે છે. તાપી નદીમાં આવતા વર્ષો-વર્ષના નાના-મોટા પૂરને ઉકાઇ બંધના જળાશયમાં સમાવી લેવામાં આવે છે. સને ૧૯૭૨થી અત્યાર સુધીમાં ૧૭ વખત તાપી નદીમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. તા.૯/૮/૨૦૦૬ના રોજ ૯.૧૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
ડેમની સુવર્ણજયંતી નિમિત્તે સત્યનારાયણની પૂજાનું આયોજન કરાયું
આજે ઉકાઇ ડેમની સુવર્ણ જયંતી નિમિતે સમગ્ર તાપી સિંચાઇ વિભાગ દ્વારા સત્યનારાયણની પૂજાનું આયોજન કરી ડેમ વધુમાં વધુ લોકોને ઉપયોગી બની સુરક્ષિત રહે અને અને લોકો માટે આજીવિકાનું માધ્યમ બની રહે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય ઇજનેર દ.ગુ. એમ.આર.પટેલ, અધિક્ષક ઇજનેર ઉકાઇ એસ.આર.મહાકાળ, કા.પા.ઇ.ઉકાઇ ડેમ જે.એમ.પટેલ સહિત સિંચાઇ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉકાઇ ડેમના અધિકારીઓ અને સિંચાઇ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.