સંઘર્ષપૂર્ણ મેચમાં કોલિન્સને હરાવી બાર્ટી ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા બની

એશ બાર્ટીએ બીજા સેટમાં 5-1થી પાછળ થયા બાદ રમતમાં વાપસી કરતાં ડેનિએલ્લે કોલિન્સને 6-3, 7-6 (2)થી હરાવી ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલ જીતી હતી, આમ ઓસ્ટ્રેલિયન મહિલાઓ માટે પોતાના ગૃહ ગ્રેન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં 44 વર્ષના દુકાળનો અંત આવ્યો હતો. 1980માં વેન્ડી ટર્નબુલ બાદ ફાઈનલમા જગ્યા બનાવનાર બાર્ટી પ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા છે અને 1978માં ક્રીસ ઓ’નેલ બાદ તે પ્રથમ ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન બની છે.

ટોચના રેન્કની બાર્ટી પાસે હવે 3 સપાટીઓ પર મોટા ટાઈટલ છે, આ પહેલાં તેણે ગયા વર્ષે ગ્રાસ કોર્ટ પર વિમ્બલ્ડન અને 2019મા ક્લે કોર્ટ પર ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યા હતાં, હવે તેણે હાર્ડ કોર્ટ પર ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ મેળવ્યું છે. ‘આ મારા માટે સપનું સાચુ થવા જેવું છે’, એમ તેણે કહ્યું હતું. બાર્ટીએ પાંચમી ગેમ અને ત્યારબાદની ગેમમાં બ્રેક પોઈન્ટ મેળવી પ્રથમ સેટ જીત્યો હતો. પણ પોતાની પ્રથમ ગ્રેન્ડ સ્લેમની ફાઈનલમાં રમતા કોલિન્સે આક્રામક રમત દેખાડતા બીજા સેટમાં 5-1ની સરસાઈ મેળવી હતી. પણ બાર્ટીએ લગભગ આખા ભરાયેલા સ્ટેડિયમમાં દર્શકોથી પ્રેરાઈને વાપસી કરી હતી અને ત્યારબાદ તેણે 6માંથી 5 ગેમ જીતી હતી અને ટાઈટલ પોતાના નામ કર્યું હતું.ઓસ્ટ્રેલિયા ટેનિસની મહાન ખેલાડી એવોન્ને ગુલાગોંગ કાવલી જેમણે 7 ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે તેઓ સરપ્રાઈઝ ગેસ્ટ તરીકે હાજર રહ્યાં અને તેમણે નવી પેઢીની સ્ટાર ખેલાડી બાર્ટીને ચેમ્પિયન ટ્રોફી આપી હતી.

Most Popular

To Top