સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ આપનારા ખાન સર વિરૂદ્ધ વિદ્યાર્થીઓને ભડકાવવા બદલ કેસ નોંધાયો

પટના: (Patna) પોતાની અનોખી શૈલીથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ આપનારા અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય એવા ખાન સર (Khan Sir) વિરુદ્ધ સોમવારના રોજ પટનાના પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં (Police station) કેસ નોંધાયો છે. આ કેસ તેમના વિરૂદ્ધ યુવાનોના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકાવવા બદલ નોંધવામાં આવ્યો છે. રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) એનટીપીસી (NTPC) પરિણામ અને પરીક્ષાની નવી સૂચનાઓને લઈને યુવાનોમાં ભારે ગુસ્સો છે અને છેલ્લા ઘણા દિવસોથી માત્ર બિહારમાં જ નહીં, પરંતુ દેશના ઘણા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. 26 જાન્યુઆરીએ બિહારના ગયામાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ટ્રેનના કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. જે દરમિયાન પોલીસે ખાન સર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. ખાન સર ઉપરાંત, એસકે ઝા, નવીન, અમરનાથ, ગગન પ્રતાપ, ગોપાલ વર્મા અને બજાર સમિતિના વિવિધ કોચિંગ ઓપરેટરો સામેપણ કેસ નોંધવામાં આવ્યો છે. આ લોકો વિરુદ્ધ ષડયંત્રની સાથે IPCની કલમ 147, 148,149,151,152,186, 187, 188, 330, 332, 353, 504, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કહેવાય છે કે પોલીસે અનેક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે.

બિહારમાં ગત સોમવારે પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલથી શરૂ થયેલા વિદ્યાર્થીઓના આંદોલને મંગળવાર સુધી હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મંગળવારે વિદ્યાર્થીઓએ આરામાં સ્ટેશનના પશ્ચિમ ગુમતી પર પાર્ક કરેલી આરા-સાસારામ એક્સપ્રેસના એન્જિનમાં આગ લગાવી દીધી હતી. જે બાદ એન્જિનની અંદરનો આખો ભાગ બળીને રાખ થઈ ગયો હતો. પાયલટ રવિ કુમારે ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. નવાદામાં તોફાની વિદ્યાર્થીઓએ રેલ્વે મેન્ટેનન્સ વાહનને આગ લગાડી અને પાટા ઉખેડી નાખ્યા હતા. આ પછી પોલીસે અહીં 500 અજાણ્યાઓ પર FIR નોંધી છે. આ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી છે. તેમજ 28 લોકોને જામીન બાદ મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, પોલીસે અહીં હંગામો મચાવવા બદલ 32 લોકોની અટકાયત કરી હતી, જેમને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા.

શું છે મામલો?
આરઆરબી અને એનટીપીસીએ થોડા દિવસો પહેલા બે પરીક્ષાઓની જોગવાઈ સાથે તાજી સૂચનાઓ બહાર પાડી હતી ત્યારપછી વિરોધ ફાટી નીકળ્યો હતો. સૂચનામાં જણાવાયું હતું કે જેઓએ અગાઉની પરીક્ષા પાસ કરી છે અને પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે તેમને મુખ્ય પરીક્ષા પાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉની પરીક્ષાને પ્રાથમિક પરીક્ષા તરીકે ગણવામાં આવશે. આ બાબતે ખાન સરે તેમની યુટ્યુબ ચેનલમાં કહ્યું હતું કે, “તમે અગાઉની પરીક્ષા પાસ કરનારાઓ પર વધારાનો પરીક્ષાનો બોજ નાંખ્યો છે. જો તેઓ મુખ્ય પરીક્ષા માટે તૈયાર હોય તો પણ તેઓ એક મહિના કરતાં ઓછા સમયમાં તેની તૈયારી કેવી રીતે કરી શકે? મુખ્ય પરીક્ષા માટે એક મહિના કરતાં ઓછા સમયમાં તૈયારી શક્ય નથી.”

Most Popular

To Top