પુરાવા નહીં હોય તેમને ઉંચી કિંમતે ડમી ગ્રાહકના નામનું સીમ વેચવાનું કૌભાંડ સુરતમાંથી ઝડપાયું

સુરત: (Surat) પાંડેસરામાં ડમી ગ્રાહકોને (Dummy Customer) પ્રિએક્ટિવ સીમકાર્ડ વેચાણ કરતા એજન્ટને એસઓજીએ 11 ડમી પ્રિએક્ટિવ સીમકાર્ડ સાથે ઝડપી પાડ્યો હતો. સીમકાર્ડ (Sim Card) ખરીદી કરવા આવતા જે ગ્રાહકો પાસે પુરાવા નહીં હોય તેમને ઉંચી કિંમતે ડમી ગ્રાહકના નામનું સીમ વેચાણ કરતો હતો.

શહેરમાં ડમી ગ્રાહકના નામે એક્ટિવ કરેલા પ્રિ-એક્ટિવેડ સિમકાર્ડનું વેચાણ કરતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આવા સિમકાર્ડનો ગેરકાયદેસર પ્રવૃતિ માટે ઉપયોગ થતો હોય છે. પોલીસ કમિશનરની સૂચના બાદ એસઓજીની ટીમે તપાસ કરતા પાંડેસરા તેરેનામ રોડ લક્ષ્મીનગર ખાતે રહેતો વિશાલ શર્મા નામનો શખ્સ પાંડેસરા નેમનગર પાસે જાહેર રોડ ઉપર ટેબલ તથા છત્રી રાખી અલગ અલગ કંપનીના સિમકાર્ડ વેચવાનો ધંધો કરતો હોવાની બાતમી મળી હતી. તથા તેની પાસે સીમ કાર્ડ લેવા આવતા ગ્રાહકોની જાણ બહાર તેમના નામે એક્ટિવ કરેલા સિમકાર્ડ પોતાની પાસે રાખી જે લોકો પાસે પોતાના આઈ – ડી પ્રુફ ન હોય તેવી વ્યક્તિ પાસે વધુ પૈસા લઇ આવા એક્ટિવ કરેલા સિમકાર્ડ વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે રેડ કરી આરોપી વિશાલ જંગબહાદુર શર્મા (ઉ.વ.18, રહે – પ્લોટ નં ૧૩૩, લક્ષ્મીનગર, તેરેનામ રોડ પાંડેસરા તથા મુળ ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી એસઓજીએ વીઆઈ તથા એરટેલ કંપનીના અગાઉથી એક્ટિવ કરેલા 11 સીમકાર્ડ કબજે લીધા હતા.

વધારે કમિશન મેળવવાની લાલચે સોફ્ટવેરનો દુરૂપયોગ કર્યો
આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે વીઆઈ તથા એરટેલ કંપનીમાં સિમકાર્ડ વેચાણ કરવા માટે મહિને 9 હજારમાં એજન્ટ તરીકેની નોકરી કરે છે. પરંતુ વધુ સિમકાર્ડ વેચવાથી વધુ કમિશન તેમજ પ્રિ-એક્ટિવ સિમકાર્ડ વેચવાથી વધારે પૈસા મળશે તે લાલચે તેણે વીઆઈ કંપની તરફથી આપવામાં આવેલા સ્માર્ટ કનેક્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને કંપની તરફથી આપવામાં આવતી આઈ – ડી તથા પાસવર્ડ મારફતે એપ્લિકેશનમાં લોગઈન થઈ સિમકાર્ડ ખરીદી કરવા આવતા ગ્રાહકો પાસેથી તેમનો આધાર કાર્ડ નંબરની વિગત મોબાઈલ એપ્લિકેશનમાં કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરી તે ફોર્મમાં ગ્રાહકનો ફોટો અપલોડ કરતો હતો અને સિમકાર્ડ એક્ટિવ કરતો હતો.

ગ્રાહકની જાણ બહાર એક્ટિવ કરેલું બીજું સીમ ડમી ગ્રાહકને વેચતો હતો
આ દરમ્યાન તે ગ્રાહકની જાણ બહાર એનકેન પ્રકારે ઉપર મુજબ પ્રોસેસ કરી બીજુ ફોર્મ ભરી તેના નામે બે સિમકાર્ડ એક્ટિવ કરાવતો હતો. તે પૈકીનું એક સિમકાર્ડ એક્ટિવ કરી ગ્રાહકને આપી તથા તેના નામનું બીજુ સિમકાર્ડ એક્ટિવ પોતાની પાસે રાખી મુકતો હતો. બાદમાં તેને એક્ટિવ કરેલા સિમકાર્ડ જે લોકો પાસે પોતાના નામના કોઈ ઓળખના પુરાવા ન હોય તેવી વ્યક્તિઓને ઉંચી કિંમતે વેચાણ કરતો હતો.

Most Popular

To Top