નવી દિલ્હી: જાન્યુઆરીનું (January) છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં ભારે ઠંડી પડી રહી છે. પાછલાં એક દાયકામાં સૌથી વધુ ઠંડી આ વર્ષે પડી રહી હોવાનો અહેસાસ લોકો કરી રહ્યાં છે અને હવે ક્યારેય ઠંડી જાય તેની રાહ જોઈ રહ્યાં છે, ત્યારે હવામાન વિભાગની (IMD) નવી આગાહીએ લોકોને ધ્રુજાવી મુક્યા છે. હવામાન વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે તે અનુસાર હજુ થોડા દિવસ ભારે ઠંડી પડશે. એટલું જ નહીં અત્યારે છે તેના કરતા તાપમાનનો પારો વધુ ઘટશે.
- પંચમઢીમાં તાપમાનનો પારો ઘટીને 1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો, ઉત્તર-પશ્ચિમી અને મધ્ય ભારતમાં 10થી 20 કિલોમીટરને ઝડપે પવન ફૂંકાયો
- તાપમાનનો પારો હજુ 2થી 3 દિવસ ઘટે તેવી શક્યતા, જેની અસર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી વર્તાશે
- દેશના અનેક રાજ્યોમાં વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ
હવામાન વિભાગના એલર્ટ (Alert) અનુસાર મધ્ય અને પશ્ચિમ ભારતમાં (Western India) ઠંડીનું પ્રમાણ વધશે. કોલ્ડ વેવના (Cold Wave) કારણે રાત્રિના સમયમાં તાપમાનનો પારો હજુ 2થી 3 દિવસ ઘટશે, જેની અસર મધ્યપ્રદેશથી (Madhya Pradesh) લઈ મહારાષ્ટ્ર (Maharashtra) સુધી વર્તાશે. ગુજરાતમાં પણ આગામી 2થી 3 દિવસ ઠંડી (winter) વધારે રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના પંચમઢીમાં શુક્રવારે તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ઉત્તર-પશ્ચિમી અને મધ્ય ભારતમાં 10થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તાપમાનમાં વધુ 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. મધ્યપ્રદેશમાં કોલ્ડવેવની અસર છે. છત્તીસગઢ અને વિદર્ભમાં પારો ઘટ્યો છે.
હવામાન વિભાગ અનુસાર વિદર્ભ, ઉત્તરીય-મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ અને ગુજરાતમાં કોલ્ડવેવ રહેવાની શક્યતા છે. તે ઉપરાંત આગામી 4 દિવસ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને છત્તીસગઢમાં કોલ્ડવેવમાંથી રાહત મળશે નહીં.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
ઠંડી અને કોલ્ડ વેવ ઉપરાંત હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સામાન્ય વરસાદની સંભાવના છે. તમિલનાડુ, પોંડિચેરી, કેરળમાં પણ વરસાદ પડી શકે છે.