આણંદ : આંકલાવની આસોદર ચોકડી પર બાતમી આધારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રોકેલી ટ્રકની તલાસી લેતા તેમાંથી 1.810 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ સંદર્ભે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો. આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, વાસદ તરફથી આસોદર ચોકડી તરફ ટ્રકમાં કેફી પદાર્થ ગાંજો ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહ્યો છે. આ બાતમી આધારે એસઓજીની ટીમ દ્વારા 27મીની મોડી રાત્રે આસોદર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી વાળી ટ્રક આવતા પોલીસે વાહનોની આડસ કરી ટ્રક રોકી હતી. પોલીસે ટ્રક ચાલકની અટક કરી પુછપરછ કરતાં તે સબ્બીરોદીન જલાલુદીન મલેક (રહે.બોરસદ મેવાડા ફલીયું, બોરસદ) હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં તલાસી લેતાં કેબીનમાં ડ્રાઇવર શીટની બાજુમાં મીણીયાના બે થેલાઓમાં ગાંજો મળી આવ્યો હતો. આ અંગે ટ્રક ચાલક સબ્બીરોદીન મલેકની સઘન પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને આ ગાંજો ઇદ્રીશઅલી હુસેન સૈયદ (રહે.સૈયદ ટેકરા, બોરસદ) અને મલેક (રહે. બેલીમ ટેકરા, બોરસદ) નામના શખસ જે વાસદ ચોકડી પાસે આવેલા મોર્ડન ચાની દુકાનની સામે બાઇક રીપેરીંગનું ગેરજ ચલાવે છે. તેણે મંગાવ્યો હોવાનું કબુલ્યું હતું. આથી, પોલીસે ગાંજો 1.810 ગ્રામ કિંમત રૂ.2,18,100, રોકડા, મોબાઇલ અને ટ્રક મળી કુલ રૂ.12.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો.