સુરત: મોટીવેડ ગામમાં રહેતી વૃદ્ધાને અને તેમની ભત્રીજીને મલ્હાર ફેન્સી ઢોસાનો એક યુવક બાઈક ઉપર ઘરે મુકવા જઈ રહ્યો હતો. વેડગામ નાયકાવાડ પાસે કૂતરા પાછળ દોડતા યુવકે બાઈક ડિવાઈડર પરથી કૂદાવતા વૃદ્ધા નીચે પટકાઈ હતી. જ્યાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડતા મોત નીપજ્યું હતું.
- કતારગામ ઢોસા સેન્ટર પર નોકરી કરતો પ્રવીણ ગઢિયા સાથે કામ કરતા 71 વર્ષીય મનુબેનને ઘરે મુકવા જતો હતો ત્યારે અકસ્માત નડ્યો
- ડિવાઈડર પરથી કૂદાવાના લીધે બેલેન્સ ગુમાવતા મનુબેન કંથારીયા બાઈકથી નીચે પટકાયા અને તેમનું મોતનું નિપજ્યું
બનાવ અંગે મળતી માહિતી મુજબ મોટીવેડ ગામમાં આવેલી કૃષ્ણ સ્ટ્રીટમાં રહેતા 71 વર્ષીય મનુબેન ડાહ્યાભાઈ કંથારીયા છેલ્લા ત્રણ વર્ષથી કતારગામ ખાતે મલ્હાર ફેન્સી ઢોસામાં કામ કરતા હતા. તેમની ભત્રીજી કવિતા પણ તેમની સાથે કામ કરવા જતી હતી. મલ્હાર ફેન્સી ઢોસાના પ્રવીણભાઈ ગઢિયાએ રાત્રી દરમિયાનમાં મનુબેન અને કવિતાને ઘરે મુકવા આવતા હતા. ત્યારે ગુરૂવારે રાત્રે વેડગામ નાયકાવાડ પાસે કુતરાઓ પાછળ દોડતા પ્રવીણભાઈએ બાઈક ડિવાઇડર પરથી કુદાવી દીધી હતી. બેલેન્સ ગુમાવતા વૃદ્ધા નીચે પટકાઈ હતી.અને તેને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વરાછા બ્રિજ પરથી 80 ફૂટ નીચે પટકાયેલા રેસ્ટોરેન્ટ માલિકનું સારવાર દરમિયાન મોત
સુરત: વાલક પાટીયા પર આવેલી રેસ્ટોરન્ટના માલિક ઘરે જતી વખતે બાઈક ઓવરબ્રિજની રેલિંગ સાથે ભટકાતા વરાછા ઓવરબ્રિજ ઉપરથી નીચે પટકાયા હતા. દસ દિવસની સારવાર બાદ આજે તેમનું મોત નીપજ્યું હતું. બ્રિજ પરથી નીચે પટકાયાની ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એલ.એચ.રોડ વરાછા ઝોન ઓફિસની સામે માનસી પેલેસમાં રહેતા ભરતભાઈ વિરજીભાઇ લાખણકિયા વાલક પાટિયા ખાતે અન્નપૂર્ણા નામની રેસ્ટોરેન્ટ ધરાવે છે. ગત 17 જાન્યુઆરીએ ભરતભાઈ કામ પતાવી રેસ્ટોરેન્ટ પરથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે હીરાબાગ રોમન પોઇન્ટ કોમ્પ્લેક્સની સામે ઓવરબ્રિજ ઉપરથી પોતાની બાઇક લઇ પસાર થતી વખતે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતા બાઇક ઓવરબ્રિજની સાઈટની રેલિંગ સાથે અથડાઈ હતી. ભરતભાઈ લગભગ 80-100 ફૂટ બ્રિજ ઉપરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દસ દિવસની સારવાર બાદ ગઈકાલે મોતને ભેટ્યા હતા. કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરતભાઈ બ્રિજ પરથી નીચે પટકાયા તે દ્રશ્યો લાઈવ સીસીટીવીમાં કેદ થતા વાયરલ થયા છે. ભરતભાઈને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર પરિલ છે. બંને પુત્રીઓના લગ્ન થઈ ગયા છે.