ગોસિપ- પંચાત શબ્દ સાંભળતાં જ સામાન્ય રીતે મહિલાઓ નજર સમક્ષ આવે. મહિલાઓને પંચાત કરવાનું બહુ ગમે છે એવું કહેવાય છે. આપણામાં કહેવત છે કે ‘ચાર મળે ચોટલા ભાંગે ઘરના ઓટલા! મોટા ભાગે મહિલાઓની વાતચીતનું કેન્દ્ર અન્ય મહિલાઓની રીતભાત, રૂપરંગ, બોલવાની રીત, ફિગર, ડ્રેસિસ, વર્કપ્લેસ પર કોઈના પ્રમોશન, કોઇકના પ્રેમસંબંધો, સાસુવહુના સંબંધો વગેરે હોય છે. આ તો થઇ મહિલાઓની વાત પણ શું પુરુષો ગોસિપ નથી કરતા? ના, તેઓ પણ ગોસિપ તો કરે જ છે. એમને ગોસિપ સાંભળવામાં પણ રસ હોય છે. ગોસિપ નેગેટિવ જ હોય એ જરૂરી નથી. એ ન્યૂટ્રલ અને પોઝિટિવ પણ હોઇ શકે છે. શું પુરુષો પણ ગોસિપ કરવામાં પાછળ નથી? તેઓના ગોસિપના વિષયો શું હોય છે ?આ જાણવા અમે વાચકોના મંતવ્યો લીધાં. આવો જાણીએ તેમના જ શબ્દોમાં…
પુરુષો હેલ્ધી-ન્યુટ્રલ ગોસિપ કરે છે : શ્રુતિ પેટીવાળા
28 વર્ષીય શ્રુતિ પેટીવાળા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એ સર્ટિફિકેટ લાઈફ કોચ એન્ડ મેન્ટલ હેલ્થ ટ્રેનર તથા ‘ગ્રીનીઝ’ના કોઓનર છે. શ્રુતિ જણાવે છે કે, ‘‘સામાન્ય રીતે આપણે બધાં કામો સ્ત્રીઓ અને પુરુષોમાં કલાસિફાય કરતા હોઇએ છીએ પણ ગોસિપિંગ જેન્ડર ન્યુટ્રલ છે. સામાન્ય માન્યતા એવી છે કે ફકત સ્ત્રીઓને જ ગોસિપ કરવામાં રસ હોય છે પરંતુ પુરુષો પણ એટલી જ ગોસિપ કરતા હોય છે. ઘણા બધા સ્ટેટિસ્ટીકલ ડેટા અને રીસર્ચ પણ આ વાત પુરવાર કરે છે. જો કે પુરુષ અને સ્ત્રીના ગોસિપ ટોપિક્સમાં ફરક હોય છે. પુરુષોની ગોસિપના ટોપિક્સ ‘કરન્ટ અફેર્સ’, ‘પોલિટિકલ ઓપિનિયન્સ’, ‘સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ’, ‘પ્રોફેશનલ રીલેટેડ’ વગેરે હોય છે. પુરુષો ગોસિપ કરતી વખતે પોતાની વાત વધારે કરતા હોય છે. યુવાનો નેગેટિવ ગોસિપ વધુ કરે છે જયારે પુખ્ત પુરુષો હેલ્ધી કે ન્યુટ્રલ ગોસિપ કરતા હોય છે. પુરુષો પોતાનું સોશ્યલ સ્ટેટસ, અચિવમેન્ટસ, નોલેજની ડંફાસ મારવા પણ ગોસિપ કરતા હોય છે જે અમુક વખત મોટિવેશન કે પ્રેરણારૂપ પણ બની શકે. સરવાળે જયારે તમે કોઇ પુરુષને ફોન પર વાત કરતા કે ટોળામાં ગપ્પા મારતાં જુઓ તો એવું નહીં માનતા કે કોઇ કામની વાત કરે છે. એવું બને કે પંચાત પણ કરતા હોય.’’
નોર્મલી સ્ત્રીઓ હસબન્ડસની વાત કરે છે પણ હસબન્ડસ વાઇફની વાત ખૂબ ઓછી કરે છે: રાજીવ અરોરા
35 વર્ષીય રાજીવ અરોરા સુરતમાં પોતાનો બિઝનેસ ધરાવે છે. તેઓ કહે છે પુરુષો પણ ગોસિપ કરે છે, મળે ત્યારે પણ અને ફોન પર પણ. મારા મતે પુરુષો મોટે ભાગે ટ્રાવેલિંગમાં શું કર્યું, પાર્ટીઝ એન્જોય કરી અને ગર્લ્સ વિશેની ગોસિપ કરવાનું પસંદ કરે છે. મને પર્સનલી ગોસિપ સાંભળવાનું વધારે ગમે છે. મોટે ભાગે હું બહુ બોલતો નથી પણ લોકોનું સાંભળીને આનંદ લઉં છું. એમનું કહેવું છે કે નોર્મલી સ્ત્રીઓ હસબન્ડસની વાત કરે છે પણ હસબન્ડસ વાઇફની વાત ખૂબ ઓછી કરે છે. કોઇ વાર કોઇને બહુ ગુસ્સો આવતો હોય તો જ વાઇફની વાત કરે છે. રાત્રે જમ્યા પછી અથવા સોલો ટ્રીપ્સ પર મળે છે તો કોલેજની વાતો ને મસ્તીમજાક જ વધારે થાય છે.’’
પુરુષો ગોસિપ કરે છે પણ સ્વીકારતા નથી: વ્યોમા ઝવેરી
31 વર્ષીય વ્યોમા વી. ઝવેરી M.Com, સર્ટિફાઈડ ફાઇનાન્શ્યલ પ્લાનર અને કવોલિફાઈડ પર્સનલ ફાયનાન્સ પ્રોફેશનલ છે. વ્યોમા કહે છે કે, ‘ગોસિપ’ શબ્દનો ઉપયોગ હંમેશાં છોકરીઓને અનુલક્ષીને કરવામાં આવે છે. ગોસિપ કરતી છોકરીઓને ગોસિપ સાંભળવામાં વધુ આનંદ આવે છે. છોકરાઓ ગોસિપ કરે તો છે પણ કોઇ દિવસ કબૂલ નથી કરતા અને અમુકને તો ખબર પણ નથી હોતી કે એ ગોસિપ કરી રહ્યા છે કારણ કે તેઓ ગોસિપને ‘ડિસ્કશન’નું લેબલ આપે છે. આ કહેવાતા ડિસ્કશનમાં વર્ક, વિમેન, પોલિટિકસ, અન્યો વિશે ચર્ચા અને તેમની પત્નીઓ શું વાત કરે છે તેનો સમાવેશ થાય છે પરંતુ પુરુષો દ્વારા થતી ગોસિપ ઘણીવાર કન્સ્ટ્રક્ટીવ પણ હોય છે અને એ તેમના ફ્રેન્ડઝ અને કલીગ્ઝ વચ્ચે હેલ્ધી બોન્ડસ રચે છે જયારે સ્ત્રીઓમાં એવું નથી હોતું. આથી હું કહીશ કે માત્ર મહિલાઓ ગોસિપ કરે છે એ સ્ટીરિયોટાઈપ માન્યતા તોડવા ‘Gossip guys’ શબ્દ પણ યોગ્ય છે. Men are also gulity of Gossiping.’’
પુરુષો મોટા ભાગે પોતાની સુપિરિયોરિટી સાબિત કરવા ગોસિપ કરે છે : ડો.નીલાક્ષભાઇ મુફતી
66 વર્ષીય નીલાક્ષભાઇ વલસાડમાં ડેન્ટિસ્ટ તથા ઓરલ એન્ડ મેક્ષીલોફેશ્યલ સજર્યન છે. તેઓ કહે છે કે, ‘‘પુરુષોને પણ ગોસિપ કરવું ગમતું જ હોય છે. સ્ત્રીઓ નોર્મલી કપડાં, ઘરેણાં, પરિવારજનો વિશે ગોસિપ કરે. એ લોકોની ગોસિપ ઘણે ભાગે બીજી સ્ત્રીની અદેખાઇમાંથી પણ પરિણમે છે. પુરુષોને મોટે ભાગે શેરમાર્કેટ, પોલિટિક્સ, સ્પોર્ટસ વગેરે જેવા ટોપિક પર ગોસિપ કરવી ગમે છે. ઘણી વાર પુરુષો ફ્રસ્ટ્રેટ થઇને પોતાની પત્નીના ગુસ્સા વિશે પણ વાતો કરતા કહે છે કે એનામાં ફલાણી આવડત છે નહીં, ગુસ્સો ખૂબ કરે છે. મને પણ ગોસિપ કરવી ગમે છે પણ પોલિટિક્સ, સ્પોર્ટસ વગેરે જેવા ટોપિકસ પર હોય છે. પુરુષો મોટા ભાગે પોતાની સુપિરિયોરિટી સાબિત કરવા અને એ લોકોને બીજા કરતાં વધારે જ્ઞાન છે એવું બતાવવા ગોસિપ કરે છે.
છોકરીઓની કુંડળી નીકળી જાય: રેખા શેઠના
58 વર્ષીય રેખા શેઠનાએ B.Sc. LL.B કર્યું છે. ગૃહિણી રેખા જણાવે છે કે, ‘સામાન્ય રીતે સ્ત્રીઓ ગોસિપ કરવા માટે બદનામ છે પણ પુરુષો પણ એમાંથી બાકાત નથી. ઉંમર પ્રમાણે તેમની ગોસિપના વિષયો બદલાતા જાય છે. યુવાનોની ટોળકી જામી હોય તો કોલેજ અને સોસાયટીની બધી જ છોકરીઓની કુંડળી નીકળી જતી હોય છે. કદાચ એવું પણ બને કે ઘરના સભ્યો કરતાં એમની પાસે જેતે છોકરી વિશે વધુ માહિતી હોય. ચાળીસી વટાવી ગયેલા વફાદાર હોવાના નાટક કરે પણ અંદરોઅંદરની ગુસપુસમાં છોકરીઓ તો આવી જ જાય. આ ઉપરાંત ઓફિસના કલીગના પ્રમોશન, બોસ સાથે રીલેશન, ધંધામાં રાતોરાત માલામાલ થઇ ગયેલા લોકોની ચર્ચા થાય. આધેડ ઉંમરના લોકોની વાત જ ન થાય. કોઇ પણ વિષયમાં ગરમાગરમ ચર્ચા થાય. તેઓ કોઇ પણ વિષયની ચર્ચા-પંચાતમાં ભાગ લઇ શકે. છેલ્લાં થોડાં વર્ષોથી તો મોબાઈલ, ટિવટર, ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પર પણ ગોસિપનો આનંદ ઉઠાવાતો હોય છે. જો કે કયારેક આ ગોસિપને કારણે સંબંધો પણ તૂટી શકે છે.’’
‘સ્વર્ગ’ માં બધા જ પ્રકારની પંચાત થાય: યતિનકુમાર આહિર
34 વર્ષીય યતિનકુમાર આહિર પલસાણા નિવાસી છે અને વ્યવસાયે ખેડૂત છે. તે કહે છે,‘‘અમારે ત્યાં એક જગ્યા છે જયાં બધાં ભેગા થાય. એને ‘સ્વર્ગ’ નામ આપ્યું છે. એ જગ્યાને બધા બહુ લકી માને છે. ત્યાં જ બેસી બધાં કામની વાતો અને ગોસિપ કરે છે. અમારે ત્યાં વિવિધ પ્રકારની પંચાતીઓ થાય છે જેમ કે કોઇ લગ્નપ્રસંગમાં ખૂબ નાચ્યું હોય તો એના પર ગોસિપ થાય, કોઇની વાઇફ જોબ કરતી હોય તો બીજાને એમ થાય કે એને કમાતી વાઇફ છે ને મારે મારી વાઇફને ખર્ચ આપવો પડે છે. કોઇની વાઇફ એકટિવા ચલાવતી હોય ને પોતાની ન ચલાવતી હોય તો પણ તે ચર્ચાનો વિષય બને છે. યતિનભાઇ કહે છે મને પણ ગોસિપિંગ ગમે છે. મને બધાને ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં સલાહ આપવાનું ને કામધંધાની વાતોમાં વધારે રસ પડે છે. અમારે ત્યાં મૂળ ખેતી વ્યવસાય તરીકે હોય પરંતુ બધા સાથે મળે એટલે બધી જ પ્રકારની વાતો થાય અને બધા પ્રકારની વાતો કરવાનો આનંદ અમે લઇએ.’’