બેક બાઈટિંગ પીઠ પાછળ કોઈની પણ બૂરાઈ કરવી – ખરાબ ટેવ

મનુષ્ય માત્રમાં જાતજાતની ટેવો હોય છે. કોઈને હંમેશ જૂઠું બોલવાની ટેવ, કોઈને હંમેશાં ફરિયાદ કરવાની ટેવ તો કોઈને હંમેશાં બીજાને સલાહ આપવાની ટેવ. કોઈને ચોરી કરવાની ટેવ તો કોઈને કામચોરીની ટેવ. પ્રત્યેકને કંઈક ને કંઈક ખાસિયતો હોય છે. આપણે જન્મથી સાથે આદતો લઈ આવતા નથી. જેવી સોબત તેવી અસર. ઘર-સગાંવહાલાં, મિત્રોની સાથે આદતો કેળવાય છે, વિકસે છે. કેટલીક સારી આદતો પણ હોય – જ્યારે કેટલીક આદતો ખરાબ પણ હોઈ શકે. બેક બાઈટીંગ – પીઠ પાછળ કોઈની પણ બૂરાઈ કરવી એ ખરાબ ટેવ છે.

દોસ્તીનો સંબંધ હંમેશાં વિશ્વાસ ઉપર જ ટકી રહે છે. જીવા અને પ્રીષા બંને ખાસ સખીઓ. જીવાને પ્રીષા ઉપર અતૂટ વિશ્વાસ તે પ્રીષા માટે પોતાનો જાન પણ ન્યૌછાવર કરવા તૈયાર. પરંતુ પ્રીષા જીવાનું હંમેશ ખરાબ જ ઈચ્છતી હોય જીવા કોલેજમાં ભણવામાં તેજસ્વી હંમેશ રેન્કર. તેની પ્રગતિ જોઈ પ્રીષા જલતી હોય અને બીજી સખીઓ આગળ એને નીચી પાડતાં કહે એના પપ્પા ગવર્મેન્ટ ઓફિસર છે એટલે લાગવગથી ફર્સ્ટ આવે છે. પ્રીષાએ તેની દોસ્તીનો પણ વિચાર ન કર્યો. પોતાની બીજી સખીઓ વચ્ચે તે હંમેશાં જીવાને મતલબી, ચાલબાજ, ભુખ્ખડ અને કોણ જાણે કેવાં કેવાં વિશેષણોથી સંબોધતી હતી…. ! પણ એક દિવસ જીવાને ખબર પડી ગઈ, તેનું મન ખાટું થઈ ગયું તેણે પ્રીષા સાથેનો સંબંધ ઓછો કરી નાંખ્યો માત્ર ઔપચારિક જ બનાવી દીધો અને માત્ર હાય હેલો પૂરતો જ સંબંધ રાખ્યો. આમ પીઠ પાછળ ભૂલથીય દોસ્તની બૂરાઈ કરવી જોઈએ નહીં એના કરતાં પીઠ પાછળ જો વખાણ કરવામાં આવે તો સંબંધો વધારે મજબૂત બને છે.

દોસ્તી સિવાય પણ ભલેને ઘર હોય અથવા ઓફિસ, કોઈ પણ જગ્યાએ બેક બાઈટીંગ અંતર વધારવાનું જ કાર્ય કરે છે. કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે મોઢા ઉપર તો બહુ વખાણ કરે. અમારી પરીશી ઓફિસમાં જોબ કરે છે. એના બોસના મોઢા પર તો વખાણ કરતા થાકતી નથી પણ તેમની પીઠ પાછળ તેમના ઢગલાબંધ અવગુણો ગણાવવા બેસી જાય છે. બોસને જ્યારે ખબર પડી કે પરીશી પોતાની સામે  સારું સારું બોલે છે પણ પીઠ પાછળ તો  ખૂબ બૂરાઈ કરે છે ત્યારે તેને ખૂબ સહન કરવાનો વખત આવ્યો. બેક બાઈટિંગ કરનારા કોઈ પણ કર્મચારીને બોસ ક્યારેય પસંદ કરતા નથી.

પિયરમાં જઈને સાસરાવાળાં વિશે બેક બાઈટિંગ કરનારી યુવતીઓનું માન આપોઆપ ઘટી જાય છે એ વાત બહુ સ્વાભાવિક છે. એ જ રીતે સાસરામાં જઈને પિયરવાળાં વિશે આડુંઅવળું બોલનાર યુવતીઓને પણ બહુ સારી સમજવામાં આવતી નથી. સો ગણી ઘાતક હોય છે. આ બેક બાઈટિંગ….. ! સમજદાર માણસો ક્યારેય બેક બાઈટિંગનો સહારો લેતાં નથી. અમારા ભાનુકાકી બધાની પીઠ પાછળ ડબલ ઢોલકી બજાવતાં જાય. એમને એવી ટેવ સવારસાંજ ઓટલે બેસે બધાને કેમ છો કરતાં જાય – શું નવાજૂની ? દરેકની તારીમારી કરે ને વાતનું વતેસર કરે. જેને ગાડે બેસે એના જ ગીત ગાય તેવા તકવાદી અને તકલાદી. ભગવાને એમને પણ આપણી જેમ એક જ જીભ આપી છે પણ કોઈની પીઠ પાછળ બૂરાઈ કરવી હોય તો તેમની એક જ જીભ હજાર જીભોનું કામ કરતી હોય છે. નારદવેડા તો એટલા ચોર ને કહે ‘નાશ’ અને શાહુકારને કહે ‘પકડ’ એવી બેવડી કુટેવ પોતાનું કામ સાધે. આવી એમની આદતથી ઘણી વાર ઘણાં ઘરોમાં ઝઘડા થયા – ઘર ભાંગ્યા. પરિણામે તેમના છોકરા તેમના પર ખૂબ ગુસ્સે થાય. ઘણી વાર એમના છોકરાએ એમને ટોક્યા કે તારી આ બેક બાઈટિંગની આદત છોડ પણ આદત સે મજબૂર…. ! પરિણામ એક દિવસ એવું આવ્યું કે છોકરા – વહુ એમને ગામમાં એકલાં મૂકી જુદાં થઈ ગયાં.

અમારાં મણિમાસી પણ એવાં જ. દીકરા આગળ આખો દિવસ વહુની બૂરાઈ જ કર્યા કરે. આખો દિવસ કકળાટ કરવાની ટેવ – તારી બાયડીમાં કંઈ વેતો નથી, કામ કરવાની આવડત નથી. આખો દિવસ મોબાઈલમાં ચોંટી રહે છે. કોઈ કામની ગતાગમ નથી. સાવ ટાઢી પથરા જેવી છે. કોઈ કામનો નિકાલ જ નહીં. હું તો એનાથી થાકી ગઈ છું અને રાત્રે બેડરૂમમાં પત્ની સાસુની પતિ આગળ સાસુની બૂરાઈ કરવા લાગે. સાથે નણંદ-જેઠાણી-બધાંની પીઠ પાછળ બૂરાઈ-વાંક કાઢવા બેસી જાય.

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. જેનામાં ભાવનાઓ અને લાગણીઓ પણ છે. સમાજ વ્યવસ્થા લાગણીના સંબંધોના આધારે ટકી રહે છે. સંબંધોની દોરી ઘણી કાચી હોય છે. સહેજ ઝટકો લાગે તો પણ તે તૂટી જાય છે. એવા સંજોગોમાં દરેક પગલું સાચવી સાચવીને મૂકવું પડે છે, પરસ્પર સ્નેહ અને વિશ્વાસથી આ દોરી વધારે મજબૂત થાય છે એ જ પ્રમાણે બેક બાઈટિંગ જેવી કુટેવ તેને એટલી નિર્બળ અને કમજોર બનાવી દે છે કે જેના પરિણામે તે ક્યાં તો તૂટી જાય છે અથવા તેમાં હંમેશા માટે એવી મડાગાંઠ પડી જાય છે કે જે ક્યારેય ઉકેલી શકાતી નથી. આથી સમજદાર માણસોએ તો આ કુટેવથી દૂર રહેવામાં જ ભલાઈ છે.

તો વાચકમિત્રો ! બેક બાઈટિંગ – એટલે કે પીઠ પાછળ કોઈની પણ બૂરાઈ કરવી એ એક ખૂબજ ખરાબ ટેવ છે પણ વ્યકિત વિશે તેની ગેરહાજરીમાં ગમેતેમ બોલવું એ સારી વાત તો નથી જ… ! છતાં પણ આપણે બધા સારી વ્યકિત હોય કે ખરાબ વ્યકિત બધાની બેક સાઈડ જોવામાં હોંશિયાર છીએ. બેક બાઈટિંગ – દોસ્તીની જાની દુશ્મન. દરેક વ્યકિતને દોસ્તોની જરૂરત અને ઈચ્છા હોય છે. દોસ્તીને કારણે તે પોતાના મિત્ર પાસે અપેક્ષા રાખે છે કે જીવનના દરેક પડાવ ઉપર અને તેના દરેક કદમ ઉપર તેનો સાથ આપે.

એવા સંજોગોમાં પીઠ પાછળ તેની આલોચના કરવામાં આવે તો તે તેના આ વિશ્વાસને જરૂર ઠેસ પહોંચાડે છે અને ત્યાંથી જ સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ જાય છે. દોસ્તી હોય કે સમાજ વ્યવસ્થાનો કોઈપણ સંબંધ ગમે તેમ બોલીએ તે પણ પીઠ પાછળ, એ કેટલું યોગ્ય ? સંબંધોને કાચની માફક જાળવવા પડે. આવી આદતો બદલી શકાય છે. થાંભલાને વળગી રહીએ અને કહીએ કે થાંભલો મને છોડતો નથી શું કરું ? આદત બદલવાની જરૂર છે, મનનો સંયમ રાખવાની ટેવ જરૂરી છે. સારી ટેવો – આદતોથી માણસની ઈજ્જત આબરૂ વધે છે. આવી ખરાબ આદતને લીધે માણસ ધિક્કારને પાત્ર પણ બની શકે છે. તો મિત્રો ! સારી આદતો કેળવવા કટિબધ્ધ બનો બેક બાઈટિંગ ત્યજો…. !

Most Popular

To Top