સુરતમાં સાસુ-સસરાએ વિધવા વહુ સાથે એવું કામ કર્યું કે સમાજ જોતો રહી ગયો, વિધવા પુત્રવધુની ખુશીનો પાર ન રહ્યો

સુરત: (Surat) ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ દીકરી ને ગાય દોરે ત્યાં જાય’ પણ આ કહેવતને ચાર ચાસણી ચડે એવું ઉદાહરણ શહેરના એક પરિવારે પૂરું પાડ્યું છે. દીકરીને બદલે પોતાની વહુને વળાવી પરિવારે સમાજને એક નવી જ રાહ ચીંધી છે. પુત્રના (Son) મોત (Death) બાદ એકલી પડી ગયેલી વહુને પરિવારે દીકરી ગણી પરિવારમાં રાખી અને સારું પાત્ર મળતાં નવા ઘરે ભીંની આંખે વળાવી હતી.

  • પાલિકાના આરોગ્ય ખાતામાં રહેતા દિનેશ વિરાસના પુત્ર મોહનના લગ્ન અમરોલીની રીટા સાથે થયા હતા
  • લગ્નના બે વર્ષ બાદ 2012માં કમળાના લીધે મોહનનું મોત થયું અને રીટા વિધવા થઈ
  • પુત્ર ગુમાવ્યાનાં 9 વર્ષ બાદ સાસુ-સસરાએ બીજાં લગ્ન માટે સંમતિ આપી દીકરીની જેમ વળાવી, જાતે કન્યાદાન કર્યું

વેડ રોડ વિરામનગર સોસાયટીમાં રહેતા દિનેશભાઇ વિરાસના પુત્ર મોહન વિરાસનું સને-2012માં ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. 24 વર્ષીય મોહનભાઈને કમળો થઈ જતાં તેમની સારવાર શરૂ કરાઈ હતી. જો કે, તેમની તબિયત વધુ બગડ્યા બાદ એ મોતને ભેટ્યા હતા. વર્ષ-2010માં મોહનનાં લગ્ન અમરોલી શ્રીરામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા વિશ્રામ ભીખાભાઇ પરમારની પુત્રી રીટા સાથે થયાં હતાં. લગ્નના બે જ વર્ષના ટૂંકા ગાળામાં મોહનનું માંદગીમાં નિધન થતાં પુત્રવધૂ રીટાની જવાબદારી તેનાં માતા-પિતા ઉપરાંત સસરા દિનેશભાઇ વિરાસ અને સાસુ લીલાબેને ઉપાડી હતી. બંને પરિવારોએ દુઃખની ઘડીમાં રીટાને મનોબળ પૂરું પાડ્યું હતું.

સાસુ-સસરાએ તો સગી પુત્રીની જેમ જ રાખી હતી. બ્યુટીપાર્લરનું કામ કરતી રીટા પણ પતિના નિધન બાદ સાસુ-સસરાની સાર સંભાળ લેતી હતી. પતિ મોહનના નિધનનાં 9 વર્ષ બાદ સસરા દિનેશભાઈને પુત્રવધૂનું બાકીનું જીવન કોઈના સહારા સાથે પસાર થાય તેવો વિચાર આવ્યો અને રીટાનાં લગ્ન માટે યુવક શોધવાની તૈયારી કરી. તેણીનાં માતા-પિતા અને સાસુ સસરાએ આ વિચારને આગળ વધારી પોતે જ કન્યાદાન કરવાનું નક્કી કર્યું અને ગઈ તા.20 જાન્યુઆરી-2022માં રીટાએ ફરી વખત લગ્ન કરી માતા-પિતા અને સાસુ-સસરાનાં આશીર્વાદ મેળવ્યાં હતાં. સરદાર માર્કેટ પાસેની એક રેસ્ટોરન્ટમાં રીટાએ બીજાં લગ્ન કરી તેના જીવનની નવેસરથી શરૂઆત કરી છે. ત્યારે સસરા દિનેશભાઈના આ પ્રયાસને સામાજિક રીતે લોકો આવકારી રહ્યા છે.

પુત્ર ગુમાવ્યો તેનું દુ:ખ છે, પણ પુત્રવધૂને દીકરી તરીકે વળાવી તેનું ભવિષ્ય ઊજળું બને તેનો આનંદ પણ છે
પુત્રવધૂને દીકરી માની તેનું કન્યાદાન કરનાર દિનેશભાઈ વિરાસે જણાવ્યું હતું કે, હું સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવું છું. મેં મારો પુત્ર ગુમાવ્યો તે દુઃખ કાયમ રહેશે. પણ પુત્રવધૂ રીટાના ભવિષ્યનો વિચાર કરીને મારે સગી દીકરી તો નથી ત્યારે હું જ એનો પિતા બનીને કન્યાદાન કરું તેવી ઈચ્છા રીટાનાં માતા-પિતાની હતી.

સાસુ-સસરાએ મને સગી દીકરીની જેમ સાચવી
રીટાએ જણાવ્યું હતું કે, સગી પુત્રીની જેમ મને 9 વર્ષ સુધી સાચવીને મારી નાની-મોટી જરૂરિયાત પૂર્ણ કરનાર સાસુ-સસરાને હું મારાં માતા-પિતા જેટલું જ માન-સન્માન આપું છું અને આપતી રહીશ. મારા દુ:ખના સમયમાં તેઓ હરહંમેશ મારી પડખે રહ્યા છે અને દીકરી તરીકે મને મારા સારા ભવિષ્ય માટે કન્યાદાન પણ તેમણે કહ્યું છે.

Most Popular

To Top