કેમ છો?
મજામાં ને?
લગ્નની સીઝન ચાલુ થઇ ગઈ પરંતુ કોરોના રંગમાં ભંગ પાડી રહ્યો છે. લોકોએ લગ્નના પ્રસંગો ઓછા લોકોમાં કરવા પડશે. આ વખતે લગ્નનું આમંત્રણ નહીં આવે તો ખુશ થવાનું. ભલે આ વખતે કોરોનાની ગંભીર અસર ઓછી છે પરંતુ ટોળામાં ભેગા થઇને જાતે પગ પર કુહાડી મારવાની જરૂર ખરી? સન્નારીઓ, દીકરીના લગ્ન માટે વડીલો કેટલીક તકિયા કલમ જેવી માન્યતાઓને રજૂ કરીને દીકરીને હતોત્સાહ કરે છે. ભણીને જોબ કરતી દીકરીઓ વહેલી પરણવા નથી ઇચ્છતી એટલે પેરન્ટ્સનું પ્રેશર વધે છે તેઓ એક જ સવાલ વારંવાર કરશે અત્યારે લગ્ન નહીં કરે તો કયારે કરશે? લગ્ન યોગ્ય ઉંમરે થવા જોઈએ એ વાત સાચી પરંતુ લગ્નની સાચી ઉંમર ત્યારે જ આવે કે દીકરી એના પૂરા મનથી લગ્ન માટે તૈયાર હોય. આજે પેરન્ટ્સે સમજવું જરૂરી છે કે દીકરી લગ્ન માટે તૈયાર ન હશે અને એની મરજી વિરુદ્ધ ઉતાવળે લગ્ન કરાવશો તો એ સેટ નહીં થાય.
વળી, પેરન્ટ્સનો લગ્ન માટે મેન્યુપુલેટ કરવાનો બેસ્ટ ડાયલોગ હોય છે કે ‘અમારા ગયા પછી તને કોણ જશે? ઇન્ડીપેન્ડન્ટ બનીને લગ્ન કરવા ઈચ્છતી છોકરીને સમય આપવો પડે. એ માટે ઇમોશનલ બ્લેકમેઇલ ન કરાય અને જે છોકરી પહેલેથી જ લગ્ન ન કરવાનું કે અમુક ઉંમરે કરવાનું મન બનાવી ચૂકી છે તેને લગ્નના પ્લસ-માઈનસ બતાવાય. ઇચ્છા વિરુદ્ધ લગ્ન માટે પ્રેશર ન કરાય. મોટી ઉંમરની છોકરી સાથે કોઇ લગ્ન ન કરે એવી બીક પણ આજની છોકરીઓને લાગતી નથી.
લગ્ન માટે ઉતાવળા પેરન્ટ્સ દીકરીઓને કહેતા હોય છે કે બેટા, સારું ઘર છે. છોકરો બરાબર છે. લગ્ન કરી લે. બાકીનું લગ્ન પછી ભણજે. સવાલ એ છે કે કેટલા ભારતીય ફેમિલીમાં લગ્ન પછી વહુને ભણવાની તક મળે છે? લગ્નનાં બે- વર્ષમાં સારા દિવસની ચર્ચા થતી હોય ત્યાં લગ્ન પછી ભણવાનું આશ્વાસન વાંઝણું છે. બહુ નસીબદાર વહુને આવો ચાન્સ મળે છે. લગ્ન એ વ્યક્તિને નિખરવા, જીવનને સમજવા, લાઈફને શેર કરવા કે સામાજિક સલામતી માટે જરૂરી છે પરંતુ સમય બદલાતાં પેરન્ટ્સે પણ એમનો સૂર બદલવો પડશે.
નવા જમાનાની મમ્મીઓએ હવે કહેવું પડશે કે બેટા, લગ્ન જરૂરી છે પરંતુ ફરજિયાત નથી. એ એક લાઈફનો ભાગ છે. એક જીવન જીવવાનો ઓપ્શન છે. તારે લગ્ન કરવા કે ન કરવા અને કોની સાથે કરવા એ તારો નિર્ણય છે. તેથી સમજી-વિચારીને પગલું ભરજે. અમે સારુંખરાબ તને બતાવીશું. તારા નિર્ણયમાં, તારાં સુખદુ:ખમાં અમારો સપોર્ટ રહેશે. બાકી તારી ઈચ્છા. ન પ્રેશર, ન ઇમોશનલ બ્લેકમેઇલીંગ. આજની યુવતીઓને પોતાનાં સુખદુ:ખ, પોતાની લડાઈ, પોતાનો રસ્તો ખુદ નક્કી કરવો છે. તેથી પેરન્ટ્સ માટે સાક્ષીભાવ રાખ્યા સિવાય કોઇ ઓપ્શન નથી.
છોકરીઓ લગ્ન ટાળે છે કારણ કે એમને એમની કરિયર પર પૂર્ણવિરામ નથી મૂકવું. એમની મહત્ત્વાકાંક્ષાઓ આસમાનને સ્પર્શે છે. કિચન, બાળકો ઇનલોઝ વગેરેમાં જ એ આખી જિંદગી પૂરી કરવા નથી ઈચ્છતી. એને ખુદને એક્સ્પ્લોર કરવી છે ત્યારે પેરન્ટ્સે સમજાવવું પડે કે લગ્ન એ કરિયરનું ફૂલસ્ટોપ નથી. લગ્ન પછી આજે સ્ત્રીઓએ કરિયરમાં ખાસ કોમ્પ્રોમાઈઝ નથી કરવું પડતું. એ ઇચ્છે તો બંને જગ્યાએ બેલેન્સ જાળવી શકે છે. હા, શરૂઆતમાં થોડી સ્ટ્રગલ કરવી પડે. બાકી આજે પતિ અને સાસરિયાં વહુને જોબ માટે સપોર્ટ કરે જ છે. લગ્ન પછી અનેક સ્ત્રીઓ ટોચ પર પહોંચી હોય એવાં ઉદાહરણો ભારતીય સમાજમાં પણ છે.
મોડર્ન યુવતી લગ્નથી ડરે છે કારણ કે એણે વડીલોના લગ્નમાં અસમાનતા જોઈ છે. પુરુષ ઊંચો અને સ્ત્રી નીચી, ઘરનું કામ તો પુરુષ ન જ કરે. આવી છોકરીઓને સમજાવવું પડે કે હવે સમાજ અને પુરુષ બંને બદલાયા છે. હવે પતિ ઓર્ડર છોડવાને બદલે હેલ્પ કરે છે. પત્નીનાં કામનું મૂલ્ય બહુધા પુરુષો સમજે છે. લગ્ન પછી મોડર્ન હસબન્ડ પતિની વાત સાંભળે છે, સ્વીકારે છે અને સન્માન પણ આપે છે. લગ્ન ટકાવવા માટે મહેનત કરવી જોઈએ, બાંધછોડ કરવી જોઈએ એ સાચું પરંતુ અન્યાય, ઘરેલુ હિંસા અને માનસિક અત્યાચાર ન જ સહન કરાય. લગ્નમાં શોષણનું કોઇ જ સ્થાન નથી. લગ્ન ટકાવવા આ બધું સહન કરવું જરૂરી નથી. લગ્નથી ડરતી દીકરીને મા-બાપે આ વાત પણ ગળે ઉતારવી પડશે અને ન કરે ભગવાનને તારા જીવનમાં આવી કોઇ સમસ્યા ઉદ્દભવે તો આ ઘરના દરવાજા ખુલ્લા છે. આ ઘર તારું જ છે. આવાં કોઇ કારણસર ડિવોર્સ લેવા પડે તો એનાથી તારી જિંદગી અટકવાની નથી. સંબંધો તૂટવા એ પીડાજનક છે પરંતુ જિંદગી ખૂબસૂરત છે. એક પીડા આખી જિંદગીની મજા બગાડી નહીં શકે.
અને છેલ્લે લગ્નથી આત્મનિર્ભરતા નાશ જ પામે એવું નથી. હા,એની દિશા થોડી બદલાય છે. સાથે રહેતી બે વ્યક્તિ એકબીજાને પૂછીને નિર્ણય લે એ પરાવલંબિતા નહીં સહજીવન છે. લગ્નમાં જેટલું ગુમાવવું પડે છે એટલું સામે મળે પણ છે અને લગ્ન એ મોટો પડકાર છે, સતત ચાલતી એકઝામ છે. એમાં પડવા માટે બહાદુરી જોઇએ, સમજણ અને સ્નેહ જોઇએ. લગ્ન એ હારીને જીતવાની કળા છે. લગ્ન એ ખાધું-પીધું ને રાજ કર્યું જેવી પરીકથા નથી પરંતુ લગ્નમાં સ્ત્રીની હાલત રાક્ષસોથી ઘેરાયેલી રાજકુમારી જેવી પણ નથી. આજે લગ્નમાં સ્ત્રી શાસન ચલાવતી કુંવરી જેવી મજબૂત બનતી જાય છે. જે રાજમહેલ અને રાજસભા બંને સંભાળી શકે છે. રાઈટ? શું માનવું છે તમારું?
– સંપાદક