વલસાડ : વલસાડ (Valsad) નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા આશરે 3-4 વર્ષ પહેલા ફાળવવામાં આવેલું ઓટોમેટીક (automatic) કચરા ભરવાનું વાહન (Garbage Filling Vehicle) કલ્યાણ બાગ નજીક પાર્ક કરી દેવાયું છે. મળતી માહિતી મુજબ કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા ફાળવાયેલા આ આધુનિક વાહનનો ઉપયોગ કરતાં પાલિકાના કોઈપણ કર્મચારીને આવડતું નથી. જેને લઈ વર્ષોથી બંધ હાલતમાં પડ્યું પડ્યું કાટ ખાઈ રહ્યું છે. ઉપરાંત આ વાહનને ટ્રાફિકથી ધમધમતા કલ્યાણ બાગ સર્કલ પાસે પાર્ક કરી દેવાયું હોવાથી અહીં રોજબરોજ ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે. શું તંત્રના શાસકો કે અધિકારીઓને આ ડબ્બો થઈ રહેલું આધુનિક વાહન આંખે ચડતું નહીં હોય…. ?
ડમ્પિંગ સાઇટ કમ્પોસ્ટ પીટ નવા સરપંચે તોડી નાંખી
વલસાડ : વલસાડ તાલુકાના ડુંગરી (Dungari) ગામે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બનાવાયેલી ડમ્પિંગ સાઇટની કમ્પોસ્ટ (Dumping site compost) પીટ હાલમાં જ નવા ચૂંટાયેલા ગામના સરપંચે કોઈપણ જાતની પરવાનગી લીધા વગર જેસીબીથી તોડી નાંખતા વિવાદ વકર્યો છે. આ ઘટના અંગે માજી સરપંચે વલસાડ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
નવા સરપંચે પરવાનગી લીધા વગર જેસીબીથી તોડી નાંખતા વિવાદ, માજી સરપંચની તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત
વલસાડ તાલુકાના ડુંગરી ગામના માજી સરપંચ સમીરભાઈ ગોવિંદભાઈ પટેલે તાલુકા વિકાસ અધિકારીને કરેલી રજૂઆત જણાવ્યું છે કે, ડુંગરી ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડુંગરી ૬૬ કેવી સબ સ્ટેશન આગળ આવેલ ડમ્પીંગ સાઈટ ખાતે કમ્પોસ્ટ પીટ બનાવવામાં આવી હતી. હાલમાં જ નવા ચૂંટાયેલા મહિલા સ૨પંચ દ્વારા તા.૨૩/૦૧/૨૦૨૨ ના રોજ ચાર્જ લીધાના બીજા જ દિવસે આ કમ્પોસ્ટ પીટ જેસીબી દ્વારા તોડી નાંખવામાં આવી હતી. કોઈપણ જાતના દેખીતા કારણ વગર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અબિયાનના શુભ હેતુથી બનાવવામાં આવેલી આ કમ્પોસ્ટ પીટ કોઈપણ જાતના ઠરાવ કે ૫૨વાનગી વગર તોડી પાડતાં ડુંગરી ગ્રામ પંચાયતના મનસ્વી કા૨ભા૨ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ડમ્પિંગ સાઈટની કમ્પોસ્ટ પીટ તોડી નાખનાર સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માગણી માજી સરપંચે ટીડીઓને કરી છે.