ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓનો સમય બાકીરહ્યો છે ત્યારે સત્તાધારી ભાજપ અને રાજ્ય સરકાર ઇલેક્શન મોડમાં આવી ગયેલા જણાય છે. જ્યારથી વિજયભાઇ રૂપાણીની સરકારને આખેઆખી હટાવીને એમને બદલે ભૂપેન્દ્રભાઇ પટેલની બિનઅનુભવી સરકારને મૂકવામાં આવી ત્યારથી જ ઇલેક્શનનાં તેવર દેખાતાં હતાં.રૂપાણી સરકાર થકી આ વખતની ચૂંટણીની વૈતરણી પાર નહીં થઇ શકે એવો પાકો અહેસાસ થઇ જતાં સરકારને તાબ઼ડતોબ બદલી નાખવામાં આવી. જો કે તેની સામે કોઇ કરતાં કોઇએ કંઇ ચું કે ચાં પણ ન કરી એ જ દર્શાાવછે કે મોવડીમંડળની ગુજરાત ભાજપ પર કેવી જબરી પકડ છે અને અહીંના સત્તાધારી પક્ષના નેતાઓ પણ કેટલા કમિટેડ છે! જો કે આ સઘળી ઉથલપાથલ કહો કે ફેરબદલ કહો, પણ એને ત્યારે જ સાર્થક ગણી શકાય જ્યારે એનું પરિણામ ભાજપની તરફેણે આવે.
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં તો પાર્ટી પોતાના ચિંહ્ન પર લડી ન હોવાથી તેને કંઇ વાંધો ન આવ્યો, પરંતુ એ પછી જે રીતને હિલચાલ રાજ્યના રાજકીય મોરચે જોવા મળી રહી છે, તે જોતાં એટલું તો સ્પષ્ટ રીતે સમજાઇ શકે છે કે ગુજરાત ભાજપને પહેલાંના જેટલો આત્મવિશ્વાસ હવે રહ્યો નથી. એટલે જ જે રીતે દરેક બાબતને ચૂંટણીની એરણ પર મૂકીને ચકાસવામાં આવી રહી છે, તેમાં પાર્ટીમાંનાં કેટલાંક જુથોની જાણે જોઇને બાદબાકી કરવામાં આવી રહી હોવાની છાપ સ્પષ્ટ રીતે ઉપસી રહી છે. ૨૬મી જાન્યુઆરીનો ધ્વવંદનનો કાર્યક્રમ હોય કે પાર્ટીના અન્ય કોઇ નાન મોટા સંગઠનને લગતા પણ કાર્યક્રમો કેમ ન હોય, જુના જોગીઓને બાદ કરવાનો સિલસિલો સતત રીતે શરૂ થયેલો છે. આમાં છેવટે પાર્ટીને જ નુકસાન થવાનું છે એ વાતને જાણે ઉપરથી નીચે સુધી ગણકારવામાં આવતી નથી.
આમ તો 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી માટે વન સાઇડેડ લડાઈ હોવાનું લાગતા વળગતાઓ સમજી રહ્યા છે. પરંતુ તેમાં પાર્ટીની દેવાઇ ન જાય એની કોઇ ચિંતા કરતું હોય એવું એટલા માટે લાગતું નથી કે દરેકને પોતાનો ફાયદો લેવો છે. બોર્ડ નિગમોના પદાધિકારીઓનાં રાજીનામાં લઇ લેવાની વાત પણ આવી જ સ્થિતિની નિપજ લાગે છે. મોટા ઉપાડે સરકારી બોર્ડ નિગમોમાંથી કેટલાંકનાં રાજીનામાં લઇ લેવાયાં અનેએ પણ એક જ જુથના મનાતા મહાનુભાવોનાં લેવાયાં, જેથી એવી છાપ ઊભી થઇ રહી છે કે પાર્ટીમાં ચોક્કસ જુથોનો સફાયો કરવાનો જાણે અભિક્રમ શરૂ થયો છે. આથી અનેક જુના જોગીઓ અસલામતી અનુભવી રહ્યા છે. મંત્રીપદ હોય કીબોર્ડ નિગમોના હોદ્દા હોય, રાજીનામાં આપી દેવાયા પછી કોઇ કોઇને કંઇ પૂછતું
નથી. અત્યારે તો વિધાસનભાની ચૂંટણી માટેની ટિકિટોની પસંદગીની પ્રક્રિયા પાછલે બારણે જાણે શરૂ થઇ ગઇ હોય એવો માહોલ ઊભો થવા બેઠો છે. દરેકને એવું છે કે ભાજપને નામે અમે તો ચુંટાઇ જઇશું. દરેકને ભર્યું ભાણું દેખાઇ રહ્યું છે. કોઇને કંઇ ઓછું ખપતું નથી.પીરસેલી થાળી જમવાની છે, પણ આ પીરસેલી થાળી જામવાવાળા વધુ હોવાથી જેને ટુકડો નહીં મળે એ પીએમ મોદીના મંત્રને અપનાવશે – ખાઈશ નહીં તો ખાવા દઈશ પણ નહીં! નહીં સમજ્યા? એટલે ભાજપે વિપક્ષી પાર્ટીઓ સાથે નહીં, પણ ઘરનાં વિરોધીઓ સામે જ લડવાનું છે એવી સ્થિતિ આકાર પામતી જાય છે. કોન્ફિડન્સ ઘટતો જાય છે ને કોન્સેન્સન્સ વિનાની કોન્ફ્લિક્ટ વધતી જાય છે.
એમાં પણ જ્યારથી આમઆદમી પાર્ટીવાળા ગુજરાતમાં વધુ સક્રિય થયા ત્યારેથી ભાજપનો કોન્ફિડન્સ ડગમગી રહ્યો હોવાની છાપ ઊભી થઇ રહી છે. આમઆદમી પાર્ટીએ સીધો સુરત પર પહેલો છાપો માર્યો હોઇ ભાજપનો ઉચાટ વધેલો છે. સુરતના પાટીદાર સમુદાયને આમઆદમી પાર્ટીએ મોટો ટાર્ગેટ કરેલો હોઇ ભાજપ વધુ સર્તક બને્લો છે. જોકે મહેશભાઇ સવાણી આમઆદમી પાર્ટીમાંથી નીકળી જતાં ભાજપ માટે એક આશ્વાસન જરૂર ર્સજાયું છે, પરંતુ પાટીદાર સમુદાયમાં હજુ પણ ખાસ કરીને યુવાવર્ગમાં ભાજપ પ્રત્યે અણગમાની લાગણી જણાય છે, જે ભાજપની નેતાગીરીને માટે માથાના દુ:ખાવા સમાન બનેલી છે.
એમાં પણ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમુદાયના દિગ્ગજ નેતા નરેશભાઇ પટેલ તાજેતરમાં ખોડલધામ (કાગવડ)ના પાટોત્સવના નિમિત્તે સુરત આવ્યા અને વરાછામાં એમને જે આવકાર મળ્યો, તે જોતાં ભાજપના કંઇક નેતાઓનાં ભવાં ઊચાં થઇ ગયાં છે. એટલે જ એ ગતિવિધિનો લાભ લેવા માટે આમઆદમી પાર્ટીવાળા આગળ આવે એ પહેલાં ખુદ કોંગ્રેસ પાર્ટી મેદાનમાં દોડી આવી છો. કોંગ્રેસ દ્વારા નરેશભાઇ પટેલને પોતાની તરફ ખેંચવા માટેના પૂરા પ્રયાસો થઇ રહ્યા હોવાની વાતો બહાર આવતાં ભાજપમાં ઉચાટ શરૂ થયો છે. ગુજાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશભાઇ ઠાકોર આ બાબતે સક્રિય જણાઇ રહ્યા છે. આમ તો કોંગ્રેસ અનેક જુના જોગીઓને પાછા લાવવા માગે છે, જેમાં પાટીદાર અનામતચ આંદોલન વખતનાા કેટલાક જાણઈતા ચહેરાઓ ઉપરાંત માજી મુખ્યમંત્રી અને કદાવર નેતા શંકરસિંહ વાઘેલાનું નામ પણ છે.
વાઘેલા અને નરેશભાઇ પટેલ બંનેને પાર્ટીમાં લેવા પાછળનો કોંગ્રેસનો ઇરાદો ક્ષત્રિય અને પાટીદાર બંનેનું સમતુલન કરવાનો જણાય છે. જો કે નરેશભાઇ પટેલ ઘણા પાકટ આગેવાન છે. અતાર સધી અનેક ચૂંટણીઓ ગઇપણ તેમણે પોતાનું મન એકંદરે કળવા દીધું નથી. આ વખતે તેઓશું કરે છે તેના પર ઘણો મદાર છે. ભાજપ પણ તેમને પોતાની સાથે લઇ જવા માગે છે. તાજેતરમાં પેપર લીક કરવાની ઘટનાઓથી જાણીતા બનેલા આમઆદમી પાર્ટીનું સર્મથન ધરાવતા યુવરાજસિંહ પણ નરેશભાઇના સંપર્કમાં હોવાની વાતો બહાર આવતાં વળી નવુંપરિમાણ ઉમેરાયું છે. નરેશભાઇને કોંગ્રેસ ઉપરાંત આમઆદમી પાર્ટીવાળા પણ પોતાની સાથે ખેંચી જવા માગે છે. આમાં નરેશભાઇ શું કરે છે તેના પર અનેકની મીટ મંડાયેલી છે. જો કે પાટીદાર સમુદાયને લાગે વળગે છે, ત્યાં સુધી છેક ૧૯૯૫ની સાલથી તેઓ ભાજપની સંગાથે છે.
એનુું કારણ એ પણ છે કે ભાજપને વિનિંગ પાર્ટી તરીકે જોવામાં આવે છે. આ વખતની ચુંટણીમાં આ આકલન જેટલું જે પાર્ટીની તરફે રહેશે, પાટીદાર સમુદાય એની સંગાથે રહેશે એમાં બે-મત નથી. કોરોનાના સેકન્ડ વેવમાં ગુજરાતમાં થયેલી ખાનાખરાબીને લઇને ભાજપનું મોવડીમંડળ ડરેલું છે. લોકોનો સરકાર સામેનો રોષ છે. પીએમઓ પોર્ટલ પર ગુજરાતમાંથી મળેલી હજારો ફરિયાદોને લઈને ખુદ મોદી હલી ગયા હતા. તેનો ડર પણ ગુજરાતને લઈને સતાવી રહ્યો છે. અને એટલા માટે જ ચૂંટણીના માત્ર દોઢ વર્ષ પહેલાં જ ગુજરાતમાં ઓપરેશન શરૂ થયેલાં છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.