છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં ડિજિટલ કરન્સીનું ચલણ વધ્યું છે. તેમાં પણ ક્રિપ્ટો કરન્સીએ માઝા મુકી છે. દિવસેને દિવસે ક્રિપ્ટો કરન્સીના ભાવો વધી રહ્યાં છે. બિટકોઈનની એક સમયે જે સામાન્ય કિંમત હતી તે હવે લાખોમાં પહોંચી છે. અન્ય ક્રિપ્ટો કરન્સીના ભાવો પણ આસમાને આંબી રહ્યા છે. જાણકારોના મતે ક્રિપ્ટો કરન્સીમાં કાળું નાણું ઠલવાતું હોવાને કારણે તેના ભાવો વધી રહ્યાં છે. ક્રિપ્ટો કરન્સીના વધતા ભાવોને કારણે હવે વિશ્વમાં ક્રિપ્ટો કરન્સી પર કડકાઈ લાવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ક્રિપ્ટો કરન્સી પર કડકાઈ કરવામાં આવશે તો તેના ભાવો કાબુમાં આવશે. ભારત, અમેરિકા અને રશિયા સહિતના દેશો ક્રિપ્ટો કરન્સી પર કડકાઈ લાવવા માટે આયોજનો કરી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા તો ક્રિપ્ટો કરન્સીને નિયમન કરવા માટે કાયદા બનાવવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે કોઈપણ કરન્સી હોય તેની પર જે તે દેશની રિઝર્વ બેંકનું જ આધિપત્ય હોવું જોઈએ.
જો તેમ નહીં થાય તો ફુગાવો વધવાની સંભાવના રહેલી છે. અમેરિકા દ્વારા ક્રિપ્ટો કરન્સી પર કેવી રીતે કડકાઈ કરી શકાય અને જો તેની પર પ્રતિબંધ મુકવા હોય તો શું થઈ શકે? કેટલું જોખમ રહે અને કડકાઈ કરવાથી કેટલો ફાયદો થાય? તેની ચકાસણી કરવા માટે પણ ફેડરલ એજન્સીઓને કામગીરી પણ સોંપી દેવામાં આવી છે. આ અહેવાલ આવ્યા બાદ સંભવત: આગામી મહિના સુધીમાં અમેરિકાની બાઈડન સરકાર દ્વારા ક્રિપ્ટો કરન્સી પર કડકાઈ માટે ડિજિટલ એસેટ્સ માટે નીતિની જાહેરાત પણ કરવામાં આવશે. માત્ર અમેરિકા જ નહીં પરંતુ રશિયા દ્વારા પણ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકી દેવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. અમેરિકા અને રશિયા ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવા માટે વિચારી રહ્યા છે પરંતુ ચીન, બાંગ્લાદેશ, ઈજિપ્ત, ઈરાક, કતાર, ઓમાન, મોરોક્કો, અલ્જિરિયા અને ટ્યુનિશિયા દ્વારા તો ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દુનિયાના 42 દેશ ક્રિપ્ટો કરન્સી મામલે અવઢવમાં છે. જે બતાવે છે કે આ દેશ પૈકી કેટલાક દેશ આગામી દિવસોમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકી દે તો નવાઈ નહીં હોય.
મોટાભાગના દેશ ક્રિપ્ટો કરન્સીને કરન્સી માનતા જ નથી. આ દેશો દ્વારા ક્રિપ્ટો કરન્સીને ગેરકાયદે માનવામાં આવે છે. આ દેશ એવું માને છે કે ક્રિપ્ટો કરન્સી એ હાલની નાણાકીય વ્યવસ્થાની સામે મોટું જોખમ છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકના વડા ક્રિસ્ટીન લેગાર્ડેએ તો ક્રિપ્ટો કરન્સીને હવાલા કૌભાંડ અને સટ્ટાબાજી તરીકે ગણાવ્યું છે. જ્યારે અમેરિકાના નાણામંત્રી પણ ક્રિપ્ટો કરન્સીને ગેરકાયદે માને છે. ક્રિપ્ટો કરન્સીની હેરફેર ઓનલાઈન થતી હોવાથી તેનો ઉપયોગ આતંકવાદીથી માંડીને અન્ય ખોટી પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે તેવો મોટો ભય રહેલો છે. ઉપરાંત ઓનલાઈન હેકિંગ દ્વારા ક્રિપ્ટો કરન્સીની ચોરી પણ થઈ શકે છે.
થોડા સમય પહેલા દિલ્હી પોલીસે લોકોના ક્રિપ્ટો વોલેટ હેક કરીને તેને આતંકી જુથમાં મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ પૈસા હમાસના આતંકી જુથને મોકલવામાં આવતા હતા. જેને કારણે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની જરૂરીયાત ઊભી થઈ છે. દુનિયામાં પ્રત્યેક નાણા વ્યવસ્થાની સમાંતર કાળા નાણાંની ઈકોનોમી પણ ચાલતી જ હોય છે. ક્રિપ્ટો કરન્સીમાં મોટાભાગે કાળા નાણાંનું જ રોકાણ થવાની સંભાવના રહેલી છે. જેને કારણે અનેક દેશો દ્વારા ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવાની વિચારણા કરવામાં આવી રહી છે. ભારતે પણ વહેલી તકે ક્રિપ્ટો કરન્સીને નિયંત્રણ હેઠળ લાવવાની કે પછી તેની પર પ્રતિબંધ મુકવાની જરૂરીયાત છે. એવું અનુમાન છે કે ભારતમાંથી ક્રિપ્ટો કરન્સીમાં 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. પરંતુ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ મોટા જોખમ બરાબર છે. જેથી દરેક રોકાણકારો સાવધ રહે અને દરેક દેશ દ્વારા ક્રિપ્ટો કરન્સીને નિયંત્રિત કરવામાં આવે તે જરૂરી છે.