‘અપના દેશ અપના ડ્રિંક’, ઇન્ડિયાઝ ફર્સ્ટ સ્વદેશી કોલા સોશ્યોના ઉત્પાદનને 2023માં 100 વર્ષ પુરા થશે

ભારતના પ્રથમ સ્વદેશી કોલા તરીકે સોશ્યોનું નામ આજે દેશ-વિદેશમાં જાણીતું છે. સોશ્યોની ફોર્મ્યુલા શોધ અને ઉત્પાદનને આવતા વર્ષે એટલે કે 2023 માં 100 વર્ષ પુરા થશે મલ્ટીનેશનલ કંપનીઓ પેપ્સીકો અને કોકાકોલા તથા પારલેની તિવ્ર સ્પર્ધા વચ્ચે પણ સુરતમાં ઉત્પાદિત થતું ‘અપના દેશ અપના ડ્રિંક’ ટેગ લાઇનથી લોકપ્રિય બનેલું સોશ્યો માત્ર ટકી રહ્યું નથી પરંતુ સાત સમંદર પાર વિદેશમાં અનેક દેશો સુધી પહોંચ્યું છે.

હજુરી એન્ડ સન્સથી શરૂ થયેલી સોશ્યો વિમ્ટોની સફર કાશ્મીરા જીરા મસાલા, લેમી સુધી પહોંચી છે. કંપની હવે સોશ્યો હજુરી બેવરેજીસ પ્રાઇવેટ લિમીટેડના નામે ઓળખાય છે. કંપનીની બીજી સિધ્ધિ એ છે કે કાચની બોટલના સ્થાને પ્રથમવાર ફ્રિજ ડ્રિંક તરીકે કેનમાં ડ્રિંક આપવાની શરૂઆત પણ દેશમાં સોશ્યોએ કરી હતી. આ કંપની હવે કોલા અને કોલ્ડડ્રિંકથી આગળ વધીને બીજા અન્ય અને FMCG સેક્ટરમાં પ્રવેશી છે. સોશ્યો અને કાશ્મીરા જીરાનું નામ આવે એટલે તેના માલિક અબ્બાસ મોહસીન હજુરીનો જાણીતો ચેહરો સામે આવે છે. 1923માં સલાબતપુરા રોડ (હાલના હજુરી ચેમ્બર)થી હજુરી કોલ્ડડ્રિંક ડેપોથી શરૂ થયેલી સફર હવે ભાટપોર GIDCના બોટલિંગ પ્લાન સુધી પહોંચી છે. ત્યારે આજે પેઢીનામામાં હજુરી પરિવાર વિશે જાણીશું.

સોશ્યોની ફોર્મ્યુલા 1923માં શોધાઇ હતી
સોશ્યો હજુરી બેવરેજીસ પ્રાઇવેટ લિમીટેડની ત્રીજી જનરેશનના સંચાલક અબ્બાસ હજુરી કહે છે કે 1923માં સલાબતપુરા રોડ પર હજુરી કોલ્ડડ્રિંક ડેપોની શરૂઆત મારા કાકા અબ્બાસ અબ્દુલ રહીમ હજુરીએ કરી હતી. અમારા દાદા તેમની સાથે હતા આજ અરસામાં મારા પિતા મોહસિન અબ્દુલ રહીમ હજુરી પણ જોડાયા હતા. આ ફેક્ટરીમાં જ ભારતના પ્રથમ સ્વદેશી કોલા સોશ્યોની ફોર્મ્યુલા શોધાઇ હતી અને અહીંજ ઉત્પાદન શરૂ થયું હતું. તે સમયે સોશ્યો ઉપરાંત વિમ્ટો પીણુ પણ ખુબ લોકપ્રિય બન્યું હતું. અબ્બાસભાઇ રોચક વાત રજૂ કરતા કહે છે કે સોશ્યોનું મૂળ નામ શોક્યો હતું પરંતુ લોકો તેનું ઉચ્ચારણ સોશ્યો તરીકે જ કરતા હોવાથી 1957થી તેનું નામ સોશ્યો કરી દેવામાં આવ્યું હતું.

હજુરી પરિવારે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં નુકસાન થતા પીણાના વેપારમાં ઝંપલાવ્યું હતું
અબ્બાસ હજુરી કહે છે કે ઘણા ઓછા લોકો જાણે છે કે હજુરી પરિવારનો મૂળ વેપાર રેસ્ટોરન્ટનો હતો. ચોકબજાર ગાંધીબાગ પાસે અત્યારે જે ક્વોલિટી રેસ્ટોરન્ટ છે તે તે જમાનામાં હજુરી પરિવારની વિહાર રેસ્ટોરન્ટ હતી. રેસ્ટોરન્ટનો વેપાર નહીં ચાલતા 1923માં સલાબતપુરા ખાતે હાલના હજુરી ચેમ્બરની જગ્યામાં હજુરી કોલ્ડડ્રિંક ડેપો શરૂ કરવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધીએ જ્યારે ઇન્ડિયનાઇઝેશનની મુવમેન્ટ શરૂ કરી ત્યારે મારા પિતા મોહસીન હજુરી તે મુવમેન્ટમાં જોડાયા હતા. સલાબતપુરા પછી 18 કોલ્ડડ્રિંક હાઉસ ઉભા કરવામાં આવ્યા હતા. 1952માં નવસારીની ફેક્ટરી શરૂ થઇ હતી અને 1960માં મુંબઇમાં બોટલિંગ પ્લાન્ટ શરૂ થયો હતો. 1965 દરમ્યાન રાજકોટ અને તે પછી અમદાવાદમાં ફ્રેન્ચાઇઝી બોટલિંગ પ્લાન્ટ શરૂ થયા હતા. ગુજરાતના પ્લાન્ટ ઉપરાંત ચેન્નઇ, બિજાપુર અને અમ્રાવતીમાં બોટલિંગ પ્લાન્ટ ફ્રેન્ચાઇઝી ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા. કેન ફેક્ટરી સુરતમાં સ્થાપવામાં આવી છે. 1984માં ભારતમાં જયારે કોઇ કલ્પના પણ કરતું ન હતું ત્યારે હજુરી પરિવાર કોલ્ડડ્રિંકનું કેન લઇને આવ્યું હતું.

1932માં સોશ્યો 6 પૈસા અને હજુરીના શરબત 3 પૈસામાં વેચાતા હતા
અબ્બાસભાઇ કહે છે કે બ્લેકન વાઇટના યુગમાં 1932માં સોશ્યો 6 પૈસામાં અને હજુરીના શરબત 3 પૈસામાં વેચાતા હતા. 1974માં સોશ્યોનો ભાવ 1.20 રૂ. અને સોડાનો ભાવ 50 પૈસા હતો. એ દર્શાવે છે કે સોશ્યોએ એક લિટરની કાચની બોટલથી લઇ પ્લાસ્ટિકની બોટલ અને ટીન સુધીની સફર ખેડી છે.

સોશ્યો સહિતની પ્રોડક્ટ્સનું વેચાણ ભારતમાં એક લાખ આઉટલેટ અને 18 દેશોમાં થાય છે: અલી અસગર હજુરી
જુરી પરિવારની ચોથી જનરેસનના યુવાન અલી અસગર હજુરી પૂણેની સિમ્બાયોસિસ કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી તેઓ 2010માં કંપનીમાં મેનેજીંગ ડિરેક્ટરપદે જોડાયા હતા. અને તે પછી સોશ્યોની વિદેશની સફર શરૂ થઇ હતી. અલી અસગર હજુરી કહે છે કે સોશ્યો હજુરી બેવરેજીસ કંપનીની સોશ્યો સહિતની 15 પ્રોડક્ટ અને 14 બ્રાન્ડ ભારતના એક લાખ જેટલા આઉટલેટમાં વેચાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, અને દક્ષિણ ભારતના રાજ્યોમાં તેનું વેચાણ છે તે ઉપરાંત અમેરિકા, કેનેડા, UAE, સાઉદી અરબ, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં પ્રોડક્ટનું વેચાણ થાય છે. કંપની ઝામ્બિયા અને અમેરિકામાં પણ પ્લાન્ટ ધરાવે છે. કંપની હવે રેડી ટુ ઇટ સેગ્મેન્ટમાં જઇ રહી છે તે ઉપરાંત સોસિસ, કેચપ, સ્કવોશ, જયુસ, ક્રશ, સોડા, કોલા અને કોલડ્રિંકમાં બિઝનેસ નેટવર્ક ધરાવે છે. સોશ્યો કલ્ટમાં કુલ 100 ફ્લેવરની પ્રોડક્ટ્સ કંપની પાસે ઉપલબ્ધ છે મોટા ભાગની પ્રોડક્ટ્સ ટીનમાં તબદિલ કરવામાં આવી છે. કંપની એનર્જી ડ્રિંકનું ઉત્પાદન કરી રહી છે.

હજુરીની હાલ સુધીની કહાણી

  • 1923 બ્રિટિશ પીણા વીમ્ટોના બોટલિંગ અને પોતાના પીણાના ફોર્મ્યુલેશન સાથે હજૂરી કંપનીની સ્થાપના
  • 1957 તેના પ્રખ્યાત પીણાનું નામ Socio બદલીને Sosyo કરવામાં આવ્યું.
  • 1984 સોશ્યો સહિતના પીણાઓ યુનાઈટેડ કિંગડમમાં બનાવવાનું શરૂ.
  • 2010 અપના દેશ અપના ડ્રીંકના સૂત્ર સાથે સ્વદેશી પીણું હોવાનું પોઝિશિનિંગ કરાયું.
  • 2011 હાલના ભાટપોર જીઆઈડીસી ખાતેનો હજૂરીનો પ્લાન્ટ અને મુખ્ય કાર્યાલય શરૂ
  • 2020 હજૂરીએ સ્કવોશ, સિરપ્સ, સોશિઝ અને રેડી ટૂ ઈટ મીલ લોંચ કર્યા

99 વર્ષે પણ 1923 જેવો સોશ્યોનો ટેસ્ટ જાળવી રાખી દેશની ટોપ 100 બ્રાન્ડમાં સ્થાન જાળવી રાખ્યું છે : અબ્બાસ હજુરી
સોશ્યો, કાશ્મીરા જીરા મસાલાને દેશ-વિદેશમાં નામના અપાવનાર અબ્બાસ મોહસીન હજુરી કહે છે કે 90ના દાયકામાં પેપ્સીકો, કોકાકોલા અને પારલે વચ્ચે જ્યારે કોલ્ડવોર શરૂ થઇ ત્યારે એક તબક્કે એવું લાગ્યું હતું કે સોશ્યોની સારી બ્રાન્ડ વેલ્યુ હોવા છતાં માર્કેટમાંથી ફેકાઇ જઇશું, પરંતુ બાપ-દાદાની મેહનત આમ એળે ન જાય તે માટે જાત મેહનત જીંદાબાદના સૂત્રને સાકાર કરવા ટ્રકમાં બેસીને અમે જાતે માલ વેચવા જતા હતા. અને લોકોને ‘અપના દેશ અપના ડ્રિંક’ તથા ભારતનું પોતીકુ ડ્રિંક ખરીદવા સમજાવતા હતા. 1990થી 2000 સુધીનો દાયકો કંપની માટે ખુબ વિકટ હતો. ભારતમાં વિશ્વની આ સૌથી મોટી કોલ્ડડ્રિંક વોરમાં અમે જાત મેહનતે ટકી શકયા એટલું જ નહીં ભારતની ટોપ 100 બ્રાન્ડમાં સ્થાન જાળવી રાખ્યું તેનો શ્રેય અમે માતૃભૂમિ સુરતના પાણી અને વડિલોને આપીએ છે. કંપની આજે 20 લાખ કેરેટ વર્ષે વેચાણ કરે છે. ગુજરાતમાં તેનો માર્કેટ શેર મલ્ટીનેશનલ કંપનીઓ સામે 29 ટકાથી વધુ છે કંપની 15 મેન્યુફેચરીંગ યુનિટ અને 16 ફ્રેન્ચાઇઝી સાથે ભારતના 350 શહેરો અને ટાઉનમાં નેટવર્ક ધરાવે છે.

વંશવેલો

  • અબ્બાસ અબ્દુલ રહીમ હજુરી
  • મોહસીન અબ્દુલ રહીમ હજુરી
  • અબ્બાસ મોહસીન હજુરી
  • અલીઅસગર અબ્બાસ હજુરી

IPLમાં સ્પોન્સરશીપ ધરાવનાર સોશ્યો એકમાત્ર સ્વદેશી કંપની છે
સોશ્યો બેવરેજીસના M.D. અલી અસગર હજુરી કહે છે કે IPLમાં સ્પોન્સરશીપ ધરાવનાર સોશ્યો એકમાત્ર સ્વદેશી કંપની છે. રોયલ ચેલેન્જરર્સ બેંગ્લોરને કંપનીએ સ્પોન્સરશીપ આપી છે ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી, મેક્સવેલ અને યજુવેન્દ્ર ચહલ તેનું પ્રદર્શન કરે છે.

જવાહરલાલ નેહરૂથી નરેન્દ્ર મોદી સુધીના નેતાઓ સોશ્યોના ચાહક રહ્યા છે
સ્વદેશી પીણુ તરીકે ભારતના લોકો સોશ્યોને ચાહે છે માત્ર લોકો નહીં પરંતુ જવાહરલાલ નેહરૂથી નરેન્દ્ર મોદી સુધીના નેતાઓ સોશ્યોના ચાહક રહ્યા છે. 1962માં જવાહરલાલ નેહરૂ નવસારીના કછોલીમાં રહેતા સ્વતંત્રા સેનાનીને મળવા આવ્યા ત્યારે તેઓ સુરત આવ્યા હતા. ત્યારે તેમણે ડિનર સાથે સોશ્યોના ઘુંટડા પીધા હતા. સોશ્યો પીધા પછી તેમણે પોતાના સાથીઓને સવાલ કર્યો હતો કે ‘આ પાણી દિલ્હીમાં મળતું નથી’ એમ કહી ખડખડાટ હસી પડયા હતા. એવી જ રીતે અમદાવાદમાં યોજાયેલા એક્ઝિબિશનમાં નરેન્દ્ર મોદી સોશ્યોના સ્ટોલ પર આવ્યા ત્યારે તેમણે અલી અસગર હજુરીને જોઇ કહ્યું હતું કે ‘સુરતનું સોશ્યો-હજુરીનું સોશ્યો પીવડાવશો નહીં ?’ એવો સવાલ કરતા તેમને ગ્લાસમાં સોશ્યો પીવડાવામાં આવ્યું હતું એટલું જ નહીં તેમને સોશ્યોની કેટલીક બોટલો પ્રેમથી ભેટમાં આપવાની વાત કરતા તેમણે દિલથી સ્વીકારી હતી એવી જ રીતે સલમાનખાન અને બાદશાહ સુરતમાં આવ્યા હતા ત્યારે સોશ્યોના ટીન એક પછી એક ગટકી ગયા હતા.

Most Popular

To Top