દેશમાં કોરોના વેક્સિનેશન ડ્રાઈવને એક વર્ષ પૂર્ણ થયું છે. 16 જાન્યુઆરી, 2021ના રોજ દેશમાં કોવિડ સામે રક્ષણ આપવા અર્થે વેક્સિનેશનની શરૂઆત થઈ હતી. આજે દેશની અડધોઅડધ પ્રજાને બંને ડોઝ થઈ ચૂક્યા છે અને પોણા ભાગની વસતી એક ડોઝ મેળવી ચૂકી છે. વેક્સિનેશન માટે 35000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. દેશમાં સૌથી પહેલાં ‘સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા’ની કોવિશિલ્ડને મંજૂરી મળી હતી. ત્યાર બાદ ‘ભારત બાયોટેક’ નિર્મિત કોવિક્સિનને અનુમતિ આપવામાં આવી હતી. તે પછી રશિયાની સ્પુતનિક વીને પણ ભારતમાં મંજૂરી મળી છે. એક વર્ષમાં આ અભિયાનમાં શ્રેષ્ઠ કામ થયું છે અને તેમાં મહત્ત્વની ભૂમિકા હેલ્થ વર્કર્સની રહી છે. તેમણે ગામેગામ જઈને વેક્સિનેશન કર્યું. ક્યાંક પગપાળા, તો ક્યાંક હોડી દ્વારા અને ઊંટ, ઘોડા પર મુસાફરી કરીને પણ હેલ્થ વર્કર્સ વેક્સિનેશન આપવાના ડેસ્ટિનેશન સુધી પહોંચ્યા છે. દેશની કેટલીક જગ્યાઓ પર પહોંચવું પડકાર છે ત્યાં પણ વેક્સિનેશન થયું છે. કોરોના મહામારી ખૂણેખૂણે પહોંચી છે તેથી લોકોને સુરક્ષિત કરવાનું વેક્સિનેશન દ્વારા જ થઈ શકે એમ હતું; તેથી ખૂણેખૂણે હેલ્થ વર્કરોએ પહોંચીને વેક્સિનેશન કર્યું છે.
વર્ષ અગાઉનું ચિત્ર યાદ કરશો તો ખ્યાલ આવશે કે ઑનગ્રાઉન્ડ હેલ્થ વર્કર્સ કેવી રીતે ખડેપગે રહ્યા. પહેલાં તેમના પર ટેસ્ટ કરવાની જવાબદારી રહી પછી વેક્સિનેશન કરવાનું તેમનાં શિરે આવ્યું. વેક્સિનેશન ડ્રાઇવ દરમિયાન હેલ્થ વર્કર્સના અનુભવોથી પસાર થઈએ તો જાણ થાય કે સરકારનું નેટવર્ક કેટલું મજબૂત રીતે ગોઠવાયેલું છે. સરકારી મિશનરી દ્વારા ક્યાંક કામ મોડું થયું હશે પણ તેઓ પહોંચ્યા જરૂર છે. રાજસ્થાનના અંતરિયાળ ગામોમાં હેલ્થકેર વકર્સ ઊંટની સવારી દ્વારા લાંબું અંતર કાપીને પહોંચ્યા છે. હેલ્થ વર્કર બહેન ઊંટ પર બેસીને રસી આપવા બાડમેર જિલ્લાના એક દૂરસુદૂરના ગામમાં જઈ રહ્યાં છે તે તસવીર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શૅર કરી હતી. વેક્સિનેશન અભિયાન અંતર્ગત આ તસવીરનું મહત્ત્વ છે પણ સ્વાસ્થ્ય મંત્રીએ તે શૅર કરી ત્યારે તે કંઈ નવીન બાબત નહોતી. તે અગાઉ પણ સ્વાસ્થ્ય વિભાગની ટીમ નવ કલાક સુધી ટ્રેક કરીને અરૂણાચલ પ્રદેશની 14,000 ફીટની ઊંચાઈએ પહોંચી હતી. અરૂણાચલની આ જગ્યા તવાંગ જિલ્લામાં આવેલી છે જ્યાં 16 વ્યક્તિઓને વેક્સિનેશન અર્થે વિશેષ કવાયત કરવામાં આવી હતી.
આંદામાન-નિકોબારના ટાપુઓ બંગાળના સાગરમાં આવેલા છે. દેશની જમીની સરહદથી આંદામાન-નિકોબાર ટાપુઓ 1200 કિલોમીટર દરિયામાં છે. અહીંયા 100% વેક્સિનેશન થઈ ચૂક્યું છે. આંદામાન-નિકોબારમાં અંદાજે 836 નાના-મોટા ટાપુઓ આવેલા છે, જે 800 કિલોમીટરના વિસ્તારમાં છે. ઉપરાંત અહીં ગાઢ જંગલો છે, પર્વતીય વિસ્તારો છે અને સાથે વાતાવરણ પ્રતિકૂળ થતાં વાર લાગતી નથી. આ બધા જ પડકારોને સર કરીને હેલ્થ વર્કરોએ આંદામાન-નિકોબારના તમામ લોકોને વેક્સિનેશન પાર પાડ્યું છે. આંદામાનમાં કેટલાક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં રહેતાં મૂળવાસી ક્યારેય બહાર આવતાં નથી, તેમ છતાં તેઓ કોરોનાથી ઇન્ફેક્ટેડ થયા હતા. આવા ટાપુઓ પર પ્રવાસ કરનારાઓ પણ ટેસ્ટિંગ કર્યા પછી જ પ્રવાસ ખેડી શકતાં તેમ છતાં આવા ટાપુઓ પર સાઠ મૂળવાસી કોરોના પોઝિટિવ આવ્યા હતા એટલે અહીંયા પણ વેક્સિનેશન કરવાની જરૂર હતી અને તે કામ સુપેરે પાર પડ્યું.
વેક્સિનેશન માટેના પડકાર માત્ર ભૌગોલિક નહોતા, બલકે કેટલીક જગ્યાએ લોકોની માન્યતા પણ વેક્સિનેશન માટે અંતરાય ઊભો કરતી હતી. રાજસ્થાનના અજમેરમાં કોવિડ હેલ્થ આસિસ્ટન્ટ નરેન્દ્ર કુમાવતને એવો જ અનુભવ થયો. નરેન્દ્ર કુમાવત નાગેલાવ ગામમાં કલબેરીયોકા ડેરા નામે એક જગ્યાએ વેક્સિનેશન અર્થે ગયા હતા. અહીં મહદંશે સાપ પકડનાર વિચરતી જાતિના લોકો રહે છે. નરેન્દ્ર એક કમલા નામની બહેનના ઘરે ગયા, ત્યાં વેક્સિનની વાત કરી તો તેમનો એક પ્રશ્ન હતો કે કોઈ મરશે તો તેની જવાબદારી કોની? કમલા અને તેનો પરિવાર એમ પણ ઇચ્છતા હતા કે સરકાર વેક્સિન લગાવવા પૈસા આપે અને જો કશું પણ થાય તો તેનું લખાણેય આપે. કમલાને આ બધું સમજાવ્યા છતાં તે ઘરમાં જઈને ટોપલીમાં રાખેલો સાપ લઈને આવી અને નરેન્દ્ર સામે ટોપલી ખોલીને સાપ સામે મૂક્યો. તેમણે સાપ છોડવાનો ડર પણ દાખવ્યો. જો કે અંતે નરેન્દ્ર અને તેમની ટીમ કમલાના પરિવારને વેક્સિન લેવા માટે સમજાવી શક્યા.
જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઑફ કન્ટ્રોલનાં ગામડાંઓમાં વેક્સિનેશન કરવું સરળ નહોતું. સામાન્ય સંજોગોમાં પણ અહીંયા કોઈ પણ અભિયાન હાથ ધરવું હોય તો તે પડકાર હોય છે. કોરોના વેક્સિનેશન તો ઝડપથી કરવાનું હતું અને તે પણ નિશ્ચિત સમયગાળામાં એટલે અહીંયાનાં ગામોમાં વેક્સિનેશન અર્થે સૈન્યની મદદ લેવી પડી. આ અભિયાનના ભાગ રૂપે પુંચ જિલ્લામાં લાઈન ઑફ કન્ટ્રોલ પાસે આવેલાં અંતિમ ગામ કેરાનીમાં હેલ્થ વર્કરની ટીમ પહોંચી હતી. આ ગામમાંથી લોકો શહેરમાં આવીને વેક્સિન લે તે અશક્ય હતું તેથી હેલ્થ વર્કરની ટીમ જ ત્યાં પહોંચી. આ દરમિયાન આંતકવાદી પ્રવૃત્તિની આશંકા નકારી શકાય એમ નહોતી. આ જોખમે પણ વેક્સિનેશન થયું.
નક્સલ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં વેક્સિનેશન કરવું તે સરકાર માટે મુશ્કેલ કાર્ય હતું. આ વિસ્તારમાં સરકારી એજન્સી પ્રત્યે અવિશ્વાસ હોય, ઉપરાંત સુરક્ષાના પ્રશ્નો અર્થે લશ્કરી દળોની મદદ વિના ત્યાં જવું પણ હિતાવહ ન હોય પણ આ કિસ્સામાંય છત્તીસગઢ અને ઝારખંડના નક્સલ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં 100% વેક્સિનેશન પર પહોંચી શકાયું. આમ થવાનું એક કારણ કોરોનાથી નક્સલી આગેવાનો પણ ગંભીર રીતે બીમાર થયા હતા. નક્સલીઓએ પોતાની સારવાર માટે ડૉક્ટરો પાસે ઓનલાઈન મદદ માંગવાની પણ વાતો ફરતી થઈ હતી. સર્વત્ર પ્રસરેલા ડરથી પણ કેટલાંક અતિ જોખમી સ્થળે સરળતાથી વેક્સિનેશન થઈ શક્યું છે. ઓડિશામાં મલકાનગીરી જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડન્ટે નક્સલીઓને વેક્સિનેશન અને કોરોના ઇલાજ અર્થે સરેન્ડર કરવાનો વિકલ્પ પણ આપ્યો હતો.
દેશમાં શહેરો મોટાં થયાં છે, કોમ્યુનિકેશનની ક્રાંતિ આવી છે, ટ્રાન્સપોર્ટેશન સુધર્યું છે અને જાગ્રતિ આવી છે તેમ છતાં વેક્સિનેશન કરવાનું કામ સરળ થયું નથી. વેક્સિનેશન કેવી રીતે થાય છે તેમાં ઝારખંડની વીસ વર્ષની માંતીદેવીની સ્ટોરી વાઇરલ થઈ હતી. માંતીદેવી કોરોના વેક્સિનેશન નહીં પણ બાળકોની રસી આપવા ગામેગામ જાય છે. તેઓ પોતાના બાળક સાથે પાછળ બાંધીને વેક્સિનેશન કરતાં જ પણ આ દરમિયાન તેઓ દિવસના સરેરાશ પચ્ચીસ કિલોમીટર ચાલતાં. તેઓની ડ્યૂટી મહદંશે જંગલ વિસ્તારમાં હતી અને અઠવાડિયામાં છ દિવસ તેઓ લાગલગાટ આ કામ કરતાં. જંગલમાં બાળકને લઈને ગામેગામ ફરીને માંતીદેવીએ વેક્સિનેશન કર્યું છે. આ માટે તેઓ પર્વતો આંબ્યા, નદીઓમાંથી પગપાળા પસાર થયા. અહીંનું વેક્સિનેશન માંતીદેવી જેવાં જ હેલ્થવર્કર કરી શકે, જેઓ આવી જગ્યાએ વર્ષોથી કામ કરતાં હોય. નવાસવા સજ્જ લોકો પણ અહીંયા ગોથું ખાઈ જાય.
અલ્ટીમેટલી પૂરી વ્યવસ્થા ઓનગ્રાઉન્ડ આવાં સજ્જ લોકોથી ચાલી રહી છે તેવું વેક્સિનેશન પ્રોગ્રામથી જાણી શકાય. વેક્સિનેશન કરવા અર્થે તેમને કોઈ ઝાઝું વળતર નથી મળતું પરંતુ તેમ છતાં જોખમ લઈને પૂરી નિષ્ઠાથી તેમણે તે કામ કર્યું છે. તમિલનાડુના નીલગીરી પર્વતીય પ્રદેશોમાં આદિવાસીઓને વેક્સિન આપવા માટે તો સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થા સાથે મળીને તેમની બોલીમાં ગીત સુધ્ધાં રચવામાં આવ્યાં. અહીંયા વેક્સિનેશન કાર્યક્રમ કરતાં અગાઉ ઓરિએન્ટેશન માટે કામ થતું. આવા અનેક પડકારો સાથે વર્ષભર વેક્સિનેશન કાર્યક્રમ ચાલતા રહ્યા. વેક્સિનેશનનમાં જે પડકાર આવ્યા તેનો તો આ માત્ર ઉપરછલ્લો અંદાજ છે, બાકી તો ઓનગ્રાઉન્ડ મુશ્કેલી તો જ્યારે ખુદ હેલ્થવર્કર્સ લખે કાં તો તે બયાન કરે ત્યારે જ આવે. અત્યારે તો માત્ર તેમની આવી સ્થિતિમાં કામ કરવાની તસવીરો જ આપણી પાસે છે.