હવે સરોગેસી પદ્ધતિથી માતા-પિતા બનવું સરળ નહીં હોય, આજથી સરોગેસી માટે આ કાયદો અમલમાં

સુરત: (Surat) નિ:સંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે સરોગેસી (Surrogacy) કરાવીને સંતાન પ્રાપ્ત કરતા હોય છે. ત્યારે ભારત સરકાર દ્વારા પણ સરોગેસી અંગે કાયદો (Law) બહાર પાડવામાં આવ્યો છે. જેની અમલવારી 25 જાન્યુઆરી-2022થી સમગ્ર દેશમાં શરૂ થઇ જશે. સરોગેસી બાબતે સુરતના નિષ્ણાત તબીબો સાથે વાત કરતાં તેમણે કાયદામાં રહેલી કેટલીક મહત્ત્વની બાબતો અંગે જણાવ્યું હતું કે, સરોગેસી કરવું કે નહીં એ અંગે પહેલાં તો શહેરની વ્યંધત્વની સારવાર કરતી હોસ્પિટલો માર્ગદર્શન આપી નિદાન કરતી હતી. જો કે, કાયદો અમલમાં આવતાં હવે હોસ્પિટલો સરોગેસી બાબતે સલાહ આપી શકશે નહીં. કારણ કે, ભારત સરકાર દ્વારા હવેથી સરોગેસી બોર્ડની રચના કરવામાં આવી છે. તેની પૂર્વ મંજૂરી લીધા બાદ જ યુગલો આગળ નિદાન કરાવી શકશે. અત્યાર સુધી સરોગેટ મહિલા એટલે કે જે પોતાની કુખમાં અન્ય પુરુષના સ્પર્મ થકી બાળકને જન્મ આપતી હતી તેમની સાથે કોન્ટ્રાક્ટ થતો હતો. સરોગેસી કરાવવા ઇચ્છતા યુગલો દ્વારા તેમને રૂપિયા પણ ચૂકવવામાં આવતા હતા. જો કે, કાયદો અમલી બનતાં તેમાં આ પ્રકારના કોન્ટ્રાક્ટ ઉપર રોક લાગશે.

સરોગેસી માટે ફિટનેસનું સર્ટિ. જરૂરી
સરોગેસી ક્લિનિકનું હવેથી રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. 25 જાન્યુઆરી-2022થી કાયદો સમગ્ર દેશમાં અમલમાં આવી જશે. સરોગેટ મધર માટે કાયદામાં એવું જણાવ્યું છે કે, જે સરોગેટ મધર બને છે તે પરિણીત હોવા જોઇએ. તેને સંતાન હોવા જોઇએ. તેમજ તેની ઉંમર 25થી 35 વર્ષની હોવી જોઇએ. જીવનમાં એક જ વખત સરોગેટ મધર બની શકાશે. જે મહિલા સ્પર્મ થકી સરોગેસી બાળકને જન્મ આપનારી હોય તે શારીરિક તેમજ માનસિક રીતે ફિટ છે તેનું પ્રમાણપત્ર પણ જરૂરી છે. સરોગેસી માટે ઇચ્છુક દંપતી પૈકી સ્ત્રીની ઉંમર 23થી 50 વર્ષ હોવી જોઇએ. તેમજ પુરુષની ઉંમર 26થી 55 હોવી જોઇએ. ઇચ્છુક દંપતીને દત્તક લીધેલું બાળક ન હોવું જોઇએ તેમજ કુદરતી બાળક પણ ન હોવું જોઇએ. – મેડિકોલીગલ એક્સપર્ટ ડો.વિનેશ શાહ

વ્યંધત્વ ધરાવતાં યુગલો માટે પડકાર ઊભા થશે
સરોગેસી માટે કોઇપણ પ્રકારનું પ્રલોભન આપી શકાશે નહીં. કાયદો આવવાથી બે પ્રશ્ન ઊભા થયા છે. પહેલા લોકો રૂપિયા ખર્ચીને સરોગેટ મધર શોધતા હતા. હવે એવું કરી શકાશે નહીં. જેને કારણે પણ કેટલાક પડકારો વ્યંધત્વ ધરાવતાં યુગલો માટે ઊભા થશે. સરોગેસી કરાવતાં પહેલાં સરકારે નક્કી કરેલા સરોગેસી બોર્ડમાંથી મંજૂરી મેળવીને તેનું સર્ટિફિકેટ હોસ્પિટલમાં રજૂ કરવું પડશે. – ડો.પૂજા નાડકર્ણી સિંગ, ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઇવીએફ સ્પેશિયાલિસ્ટ

સરોગેસી એટલે શું ?
સરોગેસી માટે એક સરોગેટ મધરને પસંદ કરવામાં આવે છે. તે મહિલાની કૂખમાં જે વ્યક્તિ પિતા બનવા માંગતો હોય તેના સ્પર્મનો ઉપયોગ કરવામાં આવે છે. જો આવી વ્યક્તિ પણ સક્ષમ ન હોય તો કોઇ ડોનર પાસેથી સ્પર્મનું દાન લેવામાં આવે છે.

Most Popular

To Top