જીવનના અંતકાળે પણ શ્રીકૃષ્ણનો જે સત્સંગ કરે તેને મુકિત મળે

કંસ રાજાને એક વાતની જાણ ન હતી કે ગોકુળમાં ઉછરી રહેલો બાળક સાક્ષાત પરબ્રહ્મ છે. અજ્ઞાનને વશ થઇને ભલે પૂતનાને બાળહત્યાનું કાર્ય સોંપ્યું પણ એ કાર્ય પાર કેવી રીતે પડશે? કંસની વિદાય લઇને ગોકુળ પાછા જઇ રહેલા નંદને વસુદેવનો ભેટો થાય છે – પરસ્પર સુખદુ:ખની વાતો થાય છે અને છેવટે વસુદેવ નંદબાવાને ચેતવે છે કે ગોકુળમાં ઉત્પાતો થવાની શંકા છે એટલે ભય પામીને નંદ વેળાસર ગોકુળ જવાની તૈયારીઓ કરે છે.પૂતના તો માયાવી હતી એટલે રાક્ષસી રૂપે તો જાય નહીં એટલે તેણે અસામાન્ય સૌંદર્ય ધરાવતી યુવતીનું રૂપ લીધું. પ્રેમાનંદ એનું અસામાન્ય વર્ણન કરે છે અને તત્કાલીન શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇને સાંભળે છે. અહીં જે વર્ણન કરવામાં આવ્યું છે તે સાથે સાથે તત્કાલીન શ્રોતાઓની રુચિની કક્ષા પણ સૂચવી જાય છે-

શણગાર – સાજે રૂપ રાજે, ગાજે ઘૂઘર પાય,

ઠમક અણવટ, ઝમક ઝાંઝર, ચમક વહાની થાય.

આપણે જોઇ શકીશું કે પ્રેમાનંદ શબ્દાલંકાર અને અર્થાલંકારનો સ્વામી છે. કવિ કાન્તે ભલે તેને જોડકણાં રચનારા કવિ તરીકે ઓળખાવ્યા પણ એ જોડકણાં ન હતાં. હા-વર્ણનો પરંપરાગત છે પણ ત્યાં ભાષાનું અપૂર્વ સૌંદર્ય જોવા મળે છે. દા.ત.

કંઠણ ખળકે, ચૂડી ચળકે, થાય ગોફણાનું ગાન;
કદલીપત્ર વાંસો વિરાજે, છે પેટ પોયણપાન.
ભર્યો પરિમળ, નાભિ નિર્મળ, રોમાવળી પંકજ – તંત
મુકતામાળ હીંચે દુગદુગી, ઊઠે છબી શોભાવંત.
હવે વિરોધ કઇ રીતે પ્રેમાનંદ ઉપસાવે છે?
આ અને આવું બેનમૂન વર્ણન કર્યા પછી એ બધાનો છેદ ઉડાડી દે છે.
આ સુન્દરીના વક્ષ:સ્થળનું વર્ણન જુઓ –
શું કુચ કળશ બે કનકના છે સુધાએ સંપૂર્ણ!
કેસરબોળી ઝીણી ચોળી, દીસે તે ગોરું વર્ણ.
આની પડઘે આ સુંદરીનું સાચું સ્વરૂપ આલેખે છે:
શિશુ સર્વ દમતી, કપટે નમતી નિર્ભય નારી ઘીટ;
ઉન્મત્ત ઉર લ્હેકાવતી, ભર્યા વિષે સ્તનનાં દી’ટ.

પૂતનાના સાચા વ્યકિતત્વથી અજાણ વ્રજસુંદરીઓ તો પૂતનાને લક્ષ્મી માની લે છે – અને કોઇની રોકટોક વિના પૂતના પારણા પાસે પહોંચી જાય છે. અહીં કૃષ્ણ તો બાળક છે પણ તેમને માટે પ્રેમાનંદ શબ્દ પ્રયોજે છે અવિનાશ’ – અને પૂતનાને ‘માસી’ તરીકે ઓળખાવે છે. પૂતના જશોદા અને બીજી વ્રજસુંદરીઓ સાંભળે તેમ કૃષ્ણની પ્રશંસા કરે છે -‘ છે અમૃત મારા સ્તનમાં રે, તે કરાવું પયપાન….’ જેને તે અમૃત કહીને ઓળખાવે છે તે તો છે વિષ-પણ એ વિષનો કશો પ્રભાવ પડવાનો નથી – શું કરે છે આ કૃષ્ણ
‘તીવ્ર અગ્ર નખનાં કરી રે વીધ્યું માસીનું શરીર;
વિખ-દૂધ પીધું અને ઘૂંખડ રે, બીજે શોષ્યું રુધિર.’
પૂતના હારી જાય છે – તે જશોદાને વિનવે છે –
‘હું તો આવી હૂતી અજાણી, આવડી વાત નવ જાણી;
કે મારું પાપ જાગ્યું, મુકાવો, બાઇ! પાયે લાગું.’

છ વર્ષના બાળકે પૂતનાને હંફાવી દીધી અની હવે સુંદરીમાંથી તેનું સાચું રૂપ પ્રગટ થઇ ગયું. તેની આંખ એટલે સૂકી વાવ, નાક એટલે કૂવો, જીભ એટલે સાપણ, મોં એટલે ગુફા દ્વાર. હવે વ્રજ નારીઓ તો સામાન્ય, તે કંઇ પરબ્રહ્મનો મહિમા જાણે નહીં – તેઓ તો કૃષ્ણને ઊંચકીને જશોદાને સોંપે છે અને તે સમય પૂર્વેથી-માંડીને અત્યાર સુધી ભારતમાં નજર ઉતારવાનો રિવાજ ચાલી આવ્યો છે, જશોદા પણ કૃષ્ણનું માથું ઢાંકીને પાણી ઉતારે છે. નંદ મથુરાથી આવીને આ ઘટના જુએ છે અને પૂતનાની વિરાટ કાયાના કટકા કરાવીને અગ્નિદાહ આપે છે – હવે થાય છે શું? પૂતનાની બળતી કાયામાંથી અદ્‌ભુત સુવાસ આવે છે. તેને લેવા માટે દિવ્ય વિમાન આવે છે – કારણ? શ્રીકૃષ્ણે તેનું સ્તનપાન કરીને તેને દિવ્ય બનાવી દીધી. જીવનના અંતકાળે પણ શ્રીકૃષ્ણનો જે સત્સંગ કરે તેને આવી મુકિત મળે…

Most Popular

To Top